Latest News

Shri Vijaybhai Rupani visits the G. G. Hospital of Jamnagar

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જામનગરની જી. જી. હોસ્પિટલમાં કોવિડ સારવારની ફરજ બજાવતા ડૉક્ટરો અને નર્સિંગ તેમજ પેરામેડિકલ સ્ટાફના કર્મીઓને મળીને તેમની સાથે વાતચીત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર સ્ટાફની સેવાને બિરદાવી હતી અને કોવિડ સામેની આગળની લડતમાં પણ હજુ આવી જ હિંમત રાખી કામગીરી કરવા ડૉક્ટરો નર્સિંગ સ્ટાફને પ્રોત્સાહિત કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે આ મહામારી સામે માનવતાની લડાઈમાં જો કોઈનું સૌથી મોટું યોગદાન રહ્યું હોય તો એ ડૉક્ટર્સ, નર્સ, મેડિકલ, પેરામેડિકલ સ્ટાફનું રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને વિવિધ જિલ્લાઓની આરોગ્ય સ્થિતિની સમીક્ષા અને જાતમાહિતી માટે મુલાકાતનો ઉપક્રમ શરુ કર્યો છે. તેમણે આજે જામનગરની જી. જી. હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જામનગરની જી. જી. હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલ ખાતે દર્દીઓના સગા-સંબંધીઓ સાથે સંવાદ કરીને હોસ્પિટલમાં અપાતી આરોગ્ય સેવાઓની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી અને દાખલ દર્દીઓ વિષે ખબર અંતર પૂછ્યાં હતા.

મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલની બહાર દર્દીઓના સગા-વ્હાલાઓની વચ્ચે બેસીને તેમની સાથે રૂબરૂ વાતચીત કરી સ્વજન સહજ ભાવ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ પરિવારોને વિશ્વાસ આપતા કહ્યું કે સરકાર તમામ પ્રકારની સારવાર આપવા સજજ છે, એટલે તેમણે સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. સરકાર લોકોની પડખે ઉભી છે અને દર્દીઓને તમામ પ્રકારની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવશે.

Source: Information Department, Gujarat