મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ભાઇબીજના પાવન પ્રસંગે સોશિયલ મીડિયા એપ્લિકેશન એલિમેન્ટસનું ગુજરાતી વર્ઝન લોન્ચ કર્યું હતું. આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરણાથી બનાવવામાં આવેલી સોશિયલ મીડિયા એપ્લિકેશન એલિમેન્ટસથી ગુજરાતી ભાષાના જાણકારો સંદેશાની આપ-લે સરળતાથી કરી શકશે.
હાલમાં વપરાશમાં રહેલી મોટાભાગની સોશિયલ મીડિયા એપ્લિકેશન વિદેશમાં બનેલી છે ત્યારે પ.પૂ. શ્રીશ્રી રવિશંકરજીની પ્રેરણાથી સંપૂર્ણપણે સ્વદેશી એપ્લિકેશન એલિમેન્ટસ-ગુજરાતી સંસ્કરણનું આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વર્ચ્યૂઅલી લોન્ચીંગ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજનો યુગ સોશિયલ મીડિયા નો છે. વિશ્વના કોઇપણ છેડે બેઠેલો વ્યક્તિ પોતાની વાત-વિચાર કે અભિપ્રાય ગણતરીની પળોમાં બીજી વ્યક્તિ સુધી પહોંચાડી શકે છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાના ઉદ્દેશ સાથે શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરણાથી એલિમેન્ટસ સોશિયલ મીડિયા એપ બનાવવામાં આવી છે જે સ્વદેશી અને સંપૂર્ણપણે સુરક્ષિત છે.
એલિમેન્ટસ એપ્લિકેશનનું પ્રાદેશિક સંસ્કરણ સૌપ્રથમ ગુજરાતી ભાષામાં લોન્ચ કરવામાં આવ્યું છે તેનો ગર્વ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ પ.પૂ. શ્રી શ્રી રવિશંકરજી તથા આ એપ્લિકેશન તૈયાર કરનારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ એપના માધ્યમથી નાગરિકો પરસ્પર નજીક આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ એપ્લિકેશન ભારતીયોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. તેમાં સમાવિષ્ટ નાગરિકોનો સમગ્ર ડેટા ગોપનીય અને ભારતમાં જ રહેશે. આ એપના ગૃપમાં એક સાથે ૩૦૦થી વધુ નાગરિકો જોડી શકાશે. આ ઉપરાંત ઓડિયો – વિડીયોની શ્રેષ્ઠ ગુણવત્તા સાથે યુઝર્સ વોઇસ અને વિડીયો કોલ કરી શકશે.
આ લોન્ચીંગ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી, પ.પૂ. શ્રી શ્રી રવિશંકરજી, ગુજરાતના કલા-કસબીઓ તેમજ આર્ટ ઓફ લિવિંગના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat