Latest News

Guj CM Shri Vijaybhai Rupani distributes aid for Rooftop Solar Scheme and Battery operated vehicles at Vadodara

    મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સૌરઊર્જાનો મહત્તમ વિનિયોગ કરીને ગૃહવપરાશની વીજળી ઉત્પન્ન કરવા રેસીડેન્શીયલ સોલાર રૂફટોપ માટે પ૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવાની જાહેરાત કરી છે.

    આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં હાલ ર૦ હજારથી વધુ ઘરોમાં આવાં સોલાર રૂફટોપ માટે અરજીઓ મળી છે. રાજ્ય સરકારે આ હેતુસર બજેટમાં ૩પ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

    મુખ્યમંત્રીશ્રીએ સૌરઊર્જાનો વ્યાપ વધુ વિસ્તારવા હવે વધુ ૧પ કરોડ સાથે કુલ પ૦ કરોડ સોલાર રૂફટોપ માટે ફાળવીને ૩પ થી ૪૦ હજાર ઘરોને યોજનામાં આવરી લેવાની નેમ વ્યકત કરી છે.

    મુખ્યમંત્રીશ્રીએ વડોદરામાં રેસીડેન્શીયલ સોલાર રૂફટોપ યોજનાના લાભાર્થીઓને સહાય તેમજ બેટરી સંચાલિત ટૂ વ્હીલરનું યુવા વિદ્યાર્થીઓને વિતરણ કર્યુ હતું.

    ગુજરાત સરકારના કલાયમેટ ચેન્જ વિભાગ અને ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીના સંયુકત ઉપક્રમે આ સમારોહ યોજવામાં આવ્યો હતો.

    મુખ્યમંત્રીશ્રીએ પેટ્રોલ-ડિઝલ જેવા ઇંધણયુકત વાહનોના વપરાશથી થતા વાયુ પ્રદૂષણને નિયંત્રીત કરવા સાથે આર્થિક ફાયદો અને સલામતિના હેતુસર શાળા-કોલેજોના યુવા-વિદ્યાર્થીઓને બેટરી ઓપરેટેડ ટૂ વ્હીલર માટે રૂ. ૧૦ હજારની સહાયનું વિતરણ કર્યુ હતું.

    તેમણે આ સંદર્ભમાં સ્પષ્ટ નિર્દેશ આપ્યો કે ગ્રીન-કલીન એન્વાયરમેન્ટને વધુ પ્રેરિત કરવા રાજ્યમાં આગામી દિવસોમાં જાહેર પરિવહન બસ સેવામાં બેટરી ઓપરેટેડ બસોનો ઉપયોગ કરવામાં આવશે.

    શ્રી વિજય રૂપાણીએ કહ્યું કે, વિશ્વ આખું આજે પર્યાવરણ પ્રત્યે ચિંતીત બનીને કલાયમેટ  ચેન્જના પડકારો સામે જાગૃત બની રહ્યું છે ત્યારે ભારતીય સંસ્કૃતિએ તો  સદીઓથી સૂર્યને દેવ તરીકે પૂજીને સૌરઊર્જાનો, પવન, પાણી જેવા કુદરતી ઊર્જાસ્ત્રોતોનો વિનિયોગ કરીને કલાયમેટ ચેન્જના પડકારો સામે સજ્જતા-સભાનતા કેળવી દીધી છે.

    વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદ દરમ્યાન ર૦૧૦માં દેશભરમાં આલયદો કલાયમેટ ચેન્જ વિભાગ રચવાની પહેલ કરી છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

    શ્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યમાં પર્યાવરણ સુરક્ષા રહે અને કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન ઓછું થાય તે માટે ગ્રીન-કલીન એનર્જી, સૂર્ય પવન, પાણીના સ્ત્રોતોનો મહત્તમ અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું દાયિત્વ સૌએ નિભાવવું પડશે.

    તેમણે આવા બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતમાંથી વીજ ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર રહેશે તેવી નેમ દર્શાવતાં ઉમેર્યુ કે, રાજ્યમાં દરેક ઘરમાં સોલાર રૂફટોપ પેનલથી ઉત્પન્ન થયેલી વિજળી વપરાશ થાય અને વિજ બિલમાં બચત થાય તેવું વાતાવરણ ઊભું કરવું છે.

    શ્રી વિજય રૂપાણીએ કુદરતી સ્ત્રોતોના વિવેકપુર્ણ-કરકસરયુકત-સવિનય ઉપયોગથી ભાવિ પેઢી માટે ઊર્જા સુરક્ષાનો ધ્યેય સિધ્ધ કરવાની પણ પ્રેરણા આપી હતી.

    તેમણે આ પ્રસંગે સોલર રૂફટોપ યોજનાના લાભાર્થીઓની સીધી ઓનલાઇન નોંધણી માટેના પોર્ટલનું, જીયુવીએનએલની વીજ બીલ ચુકવવા માટેની અને વીજ ફરીયાદ નિવારણ માટેની બે મોબાઇલ એપ્‍સનું વિમોચન કર્યુ હતું. તેમની સાથે ધારાસભ્‍યશ્રી સૌરભભાઇ પટેલ આયોજિત  અકોટા વિધાનસભા વિસ્‍તાર માટેના પ્રધાનમંત્રી મુદ્દા યોજના જનજાગૃતિ અભિયાનનો શુભારંભ કરાવવાની સાથે લાભાર્થીઓને કીટસનું વિતરણ કર્યું હતું.

    મુખ્યમંત્રીશ્રીએ સોલર રૂફટોપ સિસ્‍ટમ અપનાવવા માટે સહુ થી વધુ ૮૦૦૦ જેટલી અરજીઓ દ્વારા તત્‍પરતા દર્શાવવા બદલ વડોદરાવાસીઓને હાર્દિક અભિનંદન આપ્‍યા હતા.

    ગુજરાતે દેશમાં સોલર પાવર નીતિ અને કલાયમેટ ચેન્‍જ  વિભાગની રચના કરવાની પહેલ કરી તેના ઉલ્‍લેખ સાથે સહુને આવકારતા ગુજરાત ઉર્જા વિકાસ એજન્‍સી (જેડા)ના અધ્‍યક્ષ શ્રી ઇશ્‍વરભાઇ ભાવસારે જણાવ્‍યું કે ચારણકામાં દેશનો સર્વપ્રથમ અને સહુથી મોટો સોલર એનર્જી પાર્ક ગુજરાતે જ સ્‍થાપ્‍યો છે. સલામત અને પ્રદુષણ મુકત બેટરી સંચાલીત દ્વિચક્રી વાહનો વિદ્યાર્થીઓ અપનાવી શકે તે માટે રૂા.૪૦૦ લાખનું બજેટ ફાળવવામાં આવ્‍યું છે. જેના દ્વારા ૪૦૦૦ વિદ્યાર્થીઓને આવા વાહનો ખરીદવા સબસીડી આપવામાં આવશે.

    તેમણે જણાવ્‍યું કે મુખ્‍યમંત્રી શ્રી  વિજયભાઇ રૂપાણીના કાર્યકાળમાં અત્‍યાર સુધીમાં પવન ઉર્જાથી  ૧૩૯૨  મેગાવોટ વિન્‍ડ એનર્જીનું વિક્રમજનક ઉત્‍પાદન કરવામાં આવ્‍યું છે.

    આ સમારોહમાં ખેલ રાજય મંત્રીશ્રી રાજેન્‍દ્રભાઇ ત્રિવેદી, સાંસદ રંજનબેન ભટ્ટ, રામસિંહભાઇ રાઠવા, મેયરશ્રી ભરત ડાંગર, ધારાસભ્‍યશ્રી જીતુભાઇ સુખડીયા, મનીષાબેન વકીલ, બાલકૃષ્‍ણ પટેલ, સૌરભભાઇ પટેલ, અન્‍ન આયોગ અધ્‍યક્ષશ્રી ભૂપેન્‍દ્રભાઇ લાખાવાલા, પૂર્વ સાંસદ બાલકૃષ્‍ણ શુકલ, નાયબ મેયર યોગેશ પટેલ સહિત પાલિકા પદાધિકારીઓ, શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, શબ્‍દશરણ બ્રહ્મભટ્ટ સહિત અગ્રણીઓ, કલાયમેટ ચેન્‍જ વિભાગના અગ્રસચિવશ્રી એસ .જે. હૈદર, જેડા અને વીજ નિગમોના ઉચ્‍ચાધિકારીઓ, મહાનગરપાલિકાના કમિશનર ર્ડા. વિનોદ રાવ, જિલ્‍લા કલેકટર પી. ભારથી સહિત ઉચ્‍ચાધિકારીઓ, લાભાર્થીઓ અને  વિશાળ જન સમુદાય કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહયો હતો.

    Source: Information Department, Gujarat