Latest News

State-level celebration of Republic Day: CM addresses Kissan Sammelan at Anand

  • સુખી સમૃધ્ધ અને ચિંતામુકત ખેડૂતો દ્વારા સુખી સમૃધ્ધ અને ખુશહાલ ગુજરાતના નિર્માણ તરફ રાજય સરકાર અગ્રેસર છે : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
  • ખેડૂત સંમેલનમાં મુખ્યમંત્રીશ્રીએ ઊજાલા ગુજરાતના દ્વિતીય ચરણનો કરાવ્યો શુભારંભ

  ૬૮ માં ગણતંત્ર પર્વની પૂર્વસંધ્યાએ આણંદ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વિરાટ ખેડૂત સંમેલનને સંબોધન કર્યું હતું.

  મગફળીના ભાવોની કટોકટી સર્જાઇ ત્યારે રાજય સરકાર ટેકાના પોષણક્ષમ ભાવે રૂા.૭૫૪ કરોડની મગફળી ખરીદીને ખેડૂતોની હામી બની એવી જાણકારી આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, હાલમાં તુવેરના ઓછા બજારભાવની વિપદામાંથી ખેડૂતોને ઉગારવા રાજય સરકારે બજારભાવ કરતાં ઊંચા ટેકાના ભાવે કવિન્ટલબંધી તુવેર ખરીદવાનું આયોજન કર્યું છે.

  મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સુખી, સમૃધ્ધ અને ચિંતામુકત ખેડૂતો દ્વારા સુખી, સમૃધ્ધ અને ખુશહાલ ગુજરાતના નિર્માણ તરફ રાજય સરકાર અગ્રેસર છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, એકાત્મ માનવવાદની પંડિત દિનદયાલ ઉપાધ્યાયની સર્વઉત્કર્ષી વિચારધારાને સાકાર કરવા રાજય સરકારે પ્રત્યેક હાથને કામ અને પ્રત્યેક ખેતરને પાણીની ખાતરી આપતી સુવિધાઓનું આયોજન કર્યું છે.

  મુખ્યમંત્રીશ્રીએ ખેડૂત સંમેલનનાં મંચ ઉપરથી ઊર્જા સક્ષમ ગુજરાત તરફ વધુ એક કદમના રૂપમાં ઊજાલા ગુજરાતના દ્વિતીય ચરણનો, વીજ બચત અને વીજ ખર્ચમાં ઘટાડાની ખાતરી આપતા પંખા અને ટયુબ લાઇટસ.ના વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો.

  આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રાજય સરકારના વિવિધ ખાતાઓ તેમજ જીસીએમએમએફ વચ્ચે રૂા.૪૩૪.૬૦ કરોડની લાગતવાળા આઠ પ્રોજેકટસને સાકાર કરવાના સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. આ પ્રોજેકટસ હેઠળ દૂધ ઉત્પાદકોના ખાતાઓની બનેલી દૂધ બેન્કની સ્થાપના તેમજ ખેડૂત-ગ્રાહક વચ્ચે સીધુ વેચાણ શકય બનાવતી સફલ મોડેલની માર્કેટીંગ વ્યવસ્થા સહિત ખેડૂત-પશુપાલક હિતના વિવિધ આયોજનો સાકાર થશે.

  મુખ્યમંત્રીશ્રીએ પાણી પુરવઠા યોજના, તળાવોનું બ્યુટીફિકેશન, પુસ્તકાલયભવન નિર્માણ, આવાસો અને રસ્તાઓના રૂા.૨૦ કરોડથી વધુ રકમના વિકાસ આયોજનોના લોકાર્પણ-ખાતમૂહુર્ત કર્યા હતા. સજીવ ખેતી, મુલ્યવર્ધન જેવી પ્રયોગશીલતા દાખવનારા પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યુ હતું. વિવિધ યોજનાઓના ૨૦૦ જેટલા લાભાર્થીઓને રૂા.૧.૨૫ કરોડની સહાયતાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. દાતા હિતેશ પટેલ, મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નિધિ માટે રૂા.૨.૫૦ લાખની સખાવત અર્પણ કરી હતી. સરદાર પટેલ ન હોત તો એક અને અખંડ ભારત ન હોત એવી લાગણી વ્યકત કરવાની સાથે મુખ્યમંત્રીશ્રીએ સરદાર પટેલની પિતૃભૂમિ કરમસદ ખાતે એક ભારત – શ્રેષ્ઠ ભારતના નિર્માતાને ભાવાંજલિ આપી હતી અને આણંદ જિલ્લા સહિત સમગ્ર રાજયના લોકોને ગણતંત્ર પર્વની શુભકામના પાઠવી હતી.

  મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ખેડૂતોને સુખી કરવાથી અર્થતંત્રમાં પણ સુધારો થાય છે. ગુજરાતના ખેડૂતને પ્રત્યેક ખેતરમાં જરૂરી પાણી અને વીજ પુરવઠો મળે અને ગુજરાતનો ખેડૂત મલબખ ઉત્પાદન દ્વારા દુનિયાની ભૂખ ભાંગવા સક્ષમ બને એવું આયોજન રાજય સરકારે કર્યું છે. ગુજરાતના ખેડૂતને મજબૂરીથી આપઘાત ન કરવો પડે તે માટે માત્ર એક ટકા વ્યાજના દરે ત્રણ લાખ રૂપિયા સુધીનું ધિરાણ આપવાનું સરકારે આયોજન કર્યું છે. રોઝ અને ભૂંડોના ભેલાણથી પાકને બચાવવા અને ખેતીને સુરક્ષિત રાખવા રાજય સરકારે લોખંડના તારના ફેન્સીંગની યોજના માટે રૂા.૭૫૦ કરોડની જોગવાઇ કરી છે.

  મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, હર હાથકો કામના દિનદયાળ સુત્રને અનુસરતી રાજ્ય સરકારે આ વર્ષના અંત સુધીમાં ૬૭ હજાર સરકારી નોકરીઓ માટે ભરતી કરવાનું આયોજન કર્યું છે અને અત્યાર સુંધીમાં ૩૦ હજાર નોકરીઓ ઉપલબ્ધ કરાવી દેવાઇ છે. આ ઉપરાંત ખાનગી ઉદ્યોગો, સર્વીસ સેકટરમાં રોજગારીની વિપૂલ તકો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

  મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા દેશહિતમાં કરવામાં આવેલી નોટબંધીની જેમ ગુજરાત સરકારે રાજ્યના હિતમાં નશાબંધીને કડક બનાવી છે.નવા કાયદામાં દારૂના દુષણ સાથે સંકળાયેલ તમામને કડકમાં કડક સજા કરવાની જોગવાઇ છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પ્રજાસત્તાક એટલે પ્રજાના હાથમાં સત્તાની સોંપણી, રાજ્ય સરકારે પ્રજાના સશક્તિકરણ માટે સેવાસેતુ કાર્યક્રમ અમલમાં મુકીને ૧૮ લાખ અરજદારોને મળવાપાત્ર લાભો આપ્યા છે. આ કાર્યક્રમે નાના માણસોને ધરમધક્કા અને દલાલીચૂકવવાની મજબુરી માંથી મુકત કર્યા છે.

  મુખ્યમંત્રીશ્રી એ લોકોને જુના પંખા અને ટ્યુબલાઇટસને બદલે ઉર્જાસક્ષમ લેડપંખા અને ટ્યુબલાઇટ્સ લગાવવા ભાર પૂર્વક અનુરોધ કર્યો છે તેમણે એ રીતે વિજખર્ચમાં અને વિજવપરાશમાં બચત તેમજ પર્યાવરણની સુરક્ષામાં યોગદાન આપવા નાગરીકોને અપીલ કરી છે.

  મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ઉજાલા ગુજરાતના પ્રથમ તબક્કા હેઠળ વિજબચત કારક ૩.૧૦ કરોડ લેડબલ્બસના વિજવપરાશકારોને વેચાણ દ્વારા ગુજરાત મોખરે રહ્યું છે. એના દ્વિતીય તબક્કામાં લેડપંખા અને ટ્યુબલાઇટ્સના વેચાણની રાજ્યના તમામ જિલ્લાઓમાં વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના તમામ મ્યુનિસિપલ વિસ્તારોમાં પરંપરાગત ને બદલે શેરીબત્તિ માટે લેડબલ્બસ લગાવવાના આયોજનથી વીજખર્ચમાં વાર્ષિક રૂ. ૧૨૦૪ કરોડની બચતની સાથે વિકાસ કામો માટેની મોકળાશ વધશે.

  મુખ્યમંત્રીશ્રીએ પંચાયતોની સક્રીયતા વધારીને ગુજરાતને સાચા અર્થમાં પ્રજાસત્તાક બનાવવાનો ખાસ અનુરોધ કર્યો હતો.

  પ્રાસંગિક ઉદબોધનમાં રાજયના કૃષિ અને ઊર્જા મંત્રી શ્રી ચીમનભાઇ સાપરિયાએ જણાવ્યુ હતું કે, સંવેદનાસભર ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં અનેક નિર્ણયો લીધા છે. ખેતરમાં ઊભેલા કૃષિ પાકોને બચાવવા વીજ પ્રવાહનો સમય બે કલાક વધારી આઠના બદલે દશ કલાક નિરંતર વીજ પ્રવાહ આપવાનો ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. ચાલુ વર્ષે મગફળીનું મબલખ પાક ઉત્પાદન થયું છે. ખેડૂતો માટે આઠના બદલે દસ કલાક વીજળી આપવાના ઐતિહાસિક નિર્ણય લેવા સાથે રાજય સરકારે ખેડૂતલક્ષી વધુ નિર્ણયો પણ લીધા છે,

  ધારાસભ્ય શ્રી સંજય પટેલે જણાવ્યું કે, રાજયમાં યોજાતા કૃષિ મહોત્સવોના ક્રાંતિકારી પરિણામો મળ્યા છે. આધુનિક યુગમાં ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા થયા છે અને ખેડૂતોની આવકમાં વૃધ્ધિ થઇ છે. સરકારે લીધેલા ખેડૂત હિતલક્ષી નિર્ણયોની વિગતો તેમણે આપી હતી.

  કૃષિ વિભાગના અગ્રસચિવ શ્રી સંજય પ્રસાદે સૌનો આવકાર કરતા કેન્દ્ર/રાજય સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓની વિગતો આપી હતી.

  આ પ્રસંગે રાજયમંત્રી શ્રી રોહિતભાઇ પટેલ, મંત્રીશ્રી વલ્લભ વઘાસિયા, સાંસદશ્રી દિલીપભાઇ પટેલ, લાલસિંહ વડોદીયા, અગ્રણી શ્રી મહેશભાઇ પટેલ, કૃષિ ઊર્જા વિભાગના અધિકારીઓ, નગરપાલિકા પ્રમુખો, કૃષિ યુનિર્વસિટિના કુલપતિ શ્રી એન.સી.પટેલ, સરદાર પટેલ યુનિર્વસિટિના કુલપતિ ડો.શીરિષ કુલકર્ણી, પદાધિકારીઓ, કલેકટર ડો.ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડો.એમ.વી.મોડીયા સહિત વિશાળ સંખ્યામાં ખેડૂત સમુદાય ઉપસ્થિત રહયો હતો. મુખ્યમંત્રીશ્રીએ અનોખુ આણંદ તેમજ કૃષિ ઉપયોગી પ્રકાશનોનું વિમોચન કર્યું હતું.

  Source: Information Department, Gujarat