Latest News

Strong law and order is the priority of our government to make the citizens of the state more and more aware of peace and security – Chief Minister

  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ છે કે, વિકાસની પ્રાથમિક શરત જ મજબૂત કાયદો વ્યવસ્થા છે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતીને વધુ સંગીન બનાવીને રાજ્યના નાગરિકોને શાંતિ-સલામતીનો અહેસાસ કરાવવો એ અમારી પ્રાથમિકતા છે અને રહેશે જ.

  રાજ્ય સરકારે કાયદો વ્યવસ્થાના અમલ માટે પોલીસ વિભાગને ખુલ્લો દોર આપીને ફ્રી હેન્ડ કામગીરી કરવા માટેની છૂટ આપી છે જેના લીધે આજે ગુનાઓના કન્વીક્શન રેટમાં વધારો થયો છે.

  મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યમાં ભ્રષ્ટાચાર આચરનારાઓ, ભૂમાફિયાઓ અને સમાજને રંજાડનારા ગુંડા તત્વોને જેલના હવાલે કરવામાં આવશે.

  આજે ગૃહ વિભાગની કામગીરીની વિગતો આપવા માટે યોજાયેલ પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના પોલીસ વિભાગમાં આર.આર.સેલને બંધ કરવાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, પોલીસ વિભાગને હવે ટેકનોલોજીથી વધુ સુસજ્જ કરવામાં આવી રહ્યું છે. ૧૯૯૫થી કાર્યરત આ આર.આર.સેલ બંધ કરીને પોલીસ અધિક્ષકશ્રીઓને વધુ સત્તાઓ આપી મજબૂત કરવાનો અમારો નિર્ધાર છે. પોલીસની ગુનેગારો સાથેની સાંઠગાંઠ ચલાવી લેવાશે નહિ. એ માટે સતત સર્વેલન્સ કરીને યોગ્ય વ્યવસ્થા ઉભી કરાશે. સાયબર ક્રાઇમના નિયંત્રણ માટે રેન્જ વિસ્તારમાં સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરી દેવાયા છે અને જિલ્લા મથકોએ વિસ્તારવાનું અમારુ આયોજન છે. એ જ રીતે ગુનેગારો ગુનો કરીને ભાગી ન જાય એ માટે રાજ્યભરમાં કેમેરાનું નેટવર્ક બીછાવી લીધુ છે જેનું ત્રિ-નેત્ર પ્રોજેક્ટ દ્વારા પોલીસ કન્ટ્રોલરૂમમાં સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

  મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે રાજ્યના પોલીસ અધિકારીઓ અને નાગરિકો સાથે તાલમેલ સધાય અને એ બંને વચ્ચે એક પારદર્શિતા આવે એ માટે પોલીસકર્મીઓની વર્ધી પર બોડી કેમેરા લગાવવાનું પણ અમારૂં આયોજન છે.

  ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ કે, રાજ્યના નાગરિકોને શાંતિ-સલામતીનો વધુને વધુ અહેસાસ થાય એ જ અમારી સરકારની પ્રાથમિક્તા છે અને પ્રબળ રાજકીય ઇચ્છા શક્તિ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. એ માટે અમારી સરકારે ભૂ-માફિયાઓની શાન ઠેકાણે લાવવા માટે ભૂ-માફિયાધારો, ગુંડા નાબૂદી ધારો અને પાસાના કાયદામાં સુધારાઓ કરીને વધુ કડક બનાવ્યો છે. ભષ્ટ્રાચારમુક્ત ગુજરાતના નિર્માણ માટે અમે આગળ વધી રહ્યા છીએ.  ACBને પણ વધુ સુદ્રઢ બનાવાશે જેને ટેકનીકલ અને ફોરેન્સીક સહાયથી વધુ સજ્જ કરાશે.

  એન્ટી-કરપ્શન બ્યુરો (એસીબી), ગુજરાતના નિયામક શ્રી કેશવકુમારે ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચાર નિર્મૂલનની કામગીરી અંગે વિગતવાર માહિતી આપતા પત્રકારોને જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દવારા એન્ટી-કરપ્શન બ્યુરોને આપવામાં આવેલી કાર્ય સ્વતંત્રતા, વૈજ્ઞાનિક-ટેક્નિકલ સાધન સહાય અને માનવબળની પૂરતી ઉપલબ્ધતાના કારણે રાજ્યમાં ભ્રષ્ટાચારના ગુનાઓના ઉકેલ તથા  કબૂલાતમાં લગભગ બમણો વધારો થવા પામ્યો છે. અગાઉ જે ૨૩%નો કન્વિક્શન રેટ હતો તે વધીને હવે ૪૧% ઉપર પહોંચ્યો છે.

  ખાસ કરીને બેનામી સંપત્તિ (ડિસએપ્રોપીએટ એસેટ)ના કેસો બહાર લાવવામાં એસીબીને ભારે સફળતા મળી છે. આશરે છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં જ ૧૫૦ કરોડ રૂપિયાથી વધુની બેનામી સંપત્તિ એસીબીએ વિવિધ ગુનેગારો પાસેથી શોધી કાઢી છે.

  ભ્રષ્ટાચારના કેસો અંગેની આંકડાકીય માહિતી આપતા શ્રી કેશવકુમારે ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૧૬માં ૨૫૮, વર્ષ ૨૦૧૭માં ૧૪૮, વર્ષ ૨૦૧૮માં ૩૩૨, વર્ષ ૨૦૧૯માં ૨૫૫ અને વર્ષ ૨૦૨૦માં ૧૯૯ કેસો નોંધાયા હતા, જે પૈકી વર્ષવાર અનુક્રમે ૪૩૩,૨૧૩,૭૩૦,૪૭૦  અને ૩૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

  બેનામી સંપત્તિ (ડિસએપ્રોપીએટ એસેટ)ના કેસોની વિગત આપતા તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૬માં ૨૧, વર્ષ૨૦૧૭માં ૦૮, વર્ષ૨૦૧૮માં ૧૨, વર્ષ ૨૦૧૯માં ૧૮ અને વર્ષ ૨૦૨૦માં ૩૮ કેસો નોંધાયા હતા. આ કેસોમાંથી વર્ષ ૨૦૧૬માં જંત્રીના દર અનુસાર, વર્ષ ૨૦૧૬માં રૂા.૨૬ કરોડ, વર્ષ ૨૦૧૭માં રૂા.૧૫ કરોડ, વર્ષ ૨૦૧૮માં રૂા. ૦૩ કરોડ, વર્ષ ૨૦૧૯માં રૂા.૨૭ કરોડ તથા વર્ષ ૨૦૨૦માં રૂા.૫૦ કરોડ, ૧૧ લાખ, ૧૨ હજાર, ૮૨૪ રૂપિયાની બેનામી સંપત્તિ શોધી કાઢવામાં આવી હતી. જયારે વર્ષ ૨૦૨૧માં અત્યાર સુધીમાં રૂા.૩૩ કરોડની બેનામી સંપત્તિ કબ્જે લેવામાં આવી છે. આમ, છેલ્લા આશરે પાંચ વર્ષમાં  કુલ રૂા.૧૫૦ કરોડની સંપત્તિ એસીબી દ્વારા  શોધી કાઢવામાં આવી છે.

  શ્રી કેશવકુમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આપેલી રૂ,.૩ કરોડની સહાયથી એસીબી ખાતે ટેક્નિકલ-ફોરેન્સિક યુનિટ, ઇન્ટરોગેશન રૂમ, બેનામી સંપતિ શોધી કાઢવા માટેનું અલાયદું એકમ તથા પ્રિવેંશન વિજિલન્સ યુનિટ શરુ કરવામાં આવ્યું છે. ફોરેન્સિક, એન્ફોર્સમેન્ટ, ફાઇનાન્સ, ટેક્નિકલ અને રેવન્યુ સલાહકારોને કારણે રાજ્યનું એસીબી યુનિટ ખુબ જ અસરકારક બન્યું હોવાનું અને ઉત્તમ કામગીરી કરી રહ્યું હોવા અંગે શ્રી કુમારે જણાવ્યું હતું.

  આ પ્રસંગે, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર જણાવ્યું હતું કે, ભૂમાફિયા સામેની અસરકારક લડાઈ લડવા માટે ગત વર્ષે વિધાનસભામાં સરકારશ્રી દ્વારા લેન્ડ  ગ્રેબિંગ બિલ લાવવામાં આવ્યું હતું, જે હવે કાયદો બન્યો છે. આ બાબત જ સરકારની આ દિશાની ગુનાખોરી નાથવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ કાયદાના અસરકારક અમલીકરણ માટે જિલ્લા કક્ષાએ એક સમિતિની રચના કરવમાં આવી છે, વળી સમયમર્યાદામાં આવેલી અરજીઓનો નિકાલ થાય તે સુચારુ રૂપે જોવામાં આવે છે.

  અત્યાર સુધીમાં આ કાયદા અંતર્ગત જિલ્લાઓમાં ૬૦૫ અરજીઓ પ્રાપ્ત થઇ છે, જ્યારે ૪૨ અરજીઓ સૂઓ-મોટો મારફત કલેક્ટરશ્રી દવારા પ્રાપ્ત થઇ છે. આમ કુલ ૬૪૭ અરજીઓ ઉપર તપાસ ચાલી રહી છે. આ કાયદા અંતર્ગત ૧૬ એફઆઈઆર નોંધાઈ છે. જેમાં  ૧ લાખ, ૩૫ હાજર ચોરસ મીટર જેટલી જમીન ગેરકાયદે પચાવી પડાઈ હોવાનું સામે આવ્યું છે. આ જમીનની હાલના જંત્રીના ભાવ અનુસાર કિંમત જોવા જઈએ તો તે આશરે રૂ.૨૨૦ કરોડની થવા જાય છે.

  રાજ્યના પોલીસ વડા શ્રી આશિષ ભાટિયાએ ગૃહ વિભાગની કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આપણે ”પાસા” કાયદામાં સુધારો કરીને તેને વધુ મજબૂત બનાવ્યો છે. ”પાસા” લાગુ કરવા માટે હવે જિલ્લા પોલીસ વડા કે કમિશનર કક્ષાએ પ્રસ્તાવ મુકવામાં આવે છે અને સંબંધિત કલેકટરશ્રીની મંજૂરી બાદ  લાગુ કરવાની જોગવાઈ છે.

  શ્રી ભાટિયાએ જણાવ્યું હતું કે, ૩૧/૧૨/૨૦૨૦ સુધીમાં જુના અને નવા બંને ”પાસા” કાયદા હેઠળ ૧૨૪૭ વ્યક્તિઓ સામે કેસ કરવામાં આવ્યા છે. જુગારધારામાં ૯૦ વ્યક્તિઓ સામે, મની લોન્ડરિંગમાં ૧૫, જાતીય સતામણીમાં ૧૫ અને સાઇબર ક્રાઇમ હેઠળ ૦૯ લોકો સામે ગુનાઓ નોંધવામાં આવ્યા છે.

  ”ગુજસીટોક”ના કાયદા અંતર્ગત છેલ્લા એક વર્ષમાં ૧૧ કેસો કરવામાં આવ્યા છે અને ૧૦૦ થી વધુ આરોપીઓને ઝબ્બે કરવામાં આવ્યા છે. આ ધારા હેઠળ વડોદરામાં તાજેતરમાં ૨૬ , સુરતમાં ૦૨, અમરેલીમાં ૦૨, અમદાવાદ શહેરમાં ૦૨ તથા જામનગર સહિતના શહેરોમાં કેસ નોંધવામાં આવ્યા છે.

  રાજ્ય સરકારશ્રીની સૂચના હેઠળ ડીજીપી-આઈજીપી કોન્ફરન્સ બાદ, નાસતાં-ફરતાં આરોપીઓ સામે પણ કાર્યવાહી કરવાની ઝુંબેશ શરુ કરવામાં આવી છે. આ અંતર્ગત રાજ્યમાં ૨૦,૦૦૦થી વધુ લોકોને શોધી કાઢવામાં આવ્યા છે, જેમની વિરુદ્ધ ઉચિત કાર્યવાહી કરવામાં આવશે.

  કેટલાક કેસો અંગેની ચોક્સાઈપૂર્વકની માહિતી આપતા શ્રી ભાટિયાએ ઉમેર્યું હતું કે અમે નાસતાં-ભાગતા આરોપી પૈકી વિઝા ફ્રોડમાં ધર્મેન્દ્ર નામના એક આરોપીને પકડ્યો છે. જયારે ઓએનજીસી તથા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની પાઇપલાઇનોમાંથી તેલ ચોરીનું આયોજનપૂર્વકનું કૌભાંડ ચલાવતા અને દિલ્હીથી આ ઓપેરશન કરતા સંદીપ ગુપ્તા નામના આરોપીની મુંબઈથી ધરપકડ કરી છે. રાજ્યની એટીએસ દ્વારા પકડવામાં આવેલો આ આરોપ ટૂંક સમયમાં ગુજરાત લાવવામાં આવશે, જેની પૂછપરછ બાદ એ માલુમ પડશે કે તેણે રાજ્યભરમાં કેવી રીતે તેલ ચોરી અંગેનું નેટવર્ક ઉભું કર્યું હતું.

  ગુજરાતની શાંતિ સલામતિ અને પ્રજા વર્ગોની સુરક્ષા માટે રાજ્યનું પોલીસ દળ કટિબદ્ધ છે અને અદ્યતન ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી દેશના પોલીસ દળોમાં અગ્રેસર છે એમ પણ તેમણે કહ્યું હતું.

  આ વેળા એ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન ગૃહના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, ગૃહ સચિવ શ્રી કે. કે. નિરાલા વગેરે પણ જોડાયા હતા.

  Source: Information Department, Gujarat