Latest News

Trainee officers of GAS pay visit to Guj CM Shri Vijaybhai Rupani

  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત વહિવટી સેવા-GAS કેડરના યુવા તાલીમી અધિકારીઓને તેમના સેવાકાળ દરમ્યાન વંચિત, ગરીબ, સામાન્યમાં સામાન્ય માનવીનું હિત હૈયે રાખી સંવેદનાસ્પર્શી કાર્ય સંસ્કૃતિના સંવાહક બનવા અનુરોધ કર્યો છે.

  મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છા મુલાકાત ર૦૧૭ની બેચના તાલીમી GAS અધિકારીઓએ ગાંધીનગરમાં લીધી હતી. ૬૦ જેટલા આ નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓ સરદાર પટેલ રાજ્ય વહીવટી પ્રશાસનીક તાલીમ સંસ્થા (સ્પીપા)માં ૧ર સપ્તાહની પૂર્વ સેવા તાલીમ લઇ રહ્યા છે.

  શ્રી વિજયભાઇ રૂપાણીએ ટેકનોલોજીની જ્ઞાન સંપદાથી સજ્જ ટેકનોસેવી આ યુવા ટીમ ટેકનોલોજીનો મહત્તમ વિનિયોગ લોકપ્રશ્નો સમસ્યાઓના નિવારણ માટે કરે તેવું પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.

  તેમણે પોતાના વહીવટી સ્વાનુભવો ટાંકતા આ યુવા તાલીમી અધિકારીઓને અનુગ્રહ કર્યો કે સેવાકાળ દરમયાન જયારે કોઇ અરજદાર કે રજુઆતકર્તા તમારી સમક્ષ આવે ત્યારે તેની જાતમાં પોતાની જાત મૂકીને તેના પ્રશ્નો-સમસ્યાનું સુચારૂ નિવારણ લાવવાની કાર્યરીતિ જ જનહિતની સેવા સાધના સાકાર કરશે.

  મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સેવામાં યુવા વર્ગો માટે જે અનેક તકો ઉપલબ્ધ બની છે તેની ભુમિકા આપતાં કહ્યું કે, તંત્ર પર જનવિશ્વાસ વ્યાપક બને-ઇમેજ બિલ્ડીંગ થાય અને માઇન્ડ સેટમાં બદલાવ આવે તેની નિતાંત આવશ્યકતા આ યુવા બ્રિગેડ પરિપૂર્ણ કરશે જ.

  તેમણે ગુજરાત જ્યારે વહીવટી કાર્યપધ્ધતિ સુશાસનનું રોલ મોડેલ બન્યું છે ત્યારે પોતાના સેવા દાયિત્વથી એ છબિને વધુ ઉન્નત બનાવવા તાલીમી GAS અધિકારીઓને આહવાન કર્યુ હતું.

  આ વેળાએ મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી એમ. કે. દાસ, સ્પીપાના ડાયરેકટર જનરલ શ્રી ભીમજીયાણી, કોર્ષ ડાયરેકટર એડીશનલ કલેકટર શ્રી કેયુર સંપત વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

  તાલીમી GAS અધિકારીઓએ મુખ્યમંત્રીશ્રીનું આ પ્રેરણા માર્ગદર્શન તેમના સેવાકાળ દરમ્યાન આગવું ભાથું બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

  Source: Information Department, Gujarat