મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એપ્રેન્ટિસશીપ યોજના, યુવા સ્વાવલંબન યોજના અને શોઘ યોજના થકી રાજ્યના યુવાનોને એમ્પાવર્ડ કર્યા છે. છેલ્લા ૪ વર્ષમાં લગભગ દોઢ લાખ યુવાનોને સરકારી નોકરી આપી છે, ૫૪૦૦ જેટલા ભરતી મેળા ધ્વારા પ્રાઈવેટ સેક્ટરમાં ૧ર લાખથી વધુ નોકરીઓ આપી છે. હજારો યુવાનોને વ્યવસાય કરવા માટે લોન આપીને તેમને જોબ સિકર નહિ પરંતુ જોબ ગિવર બનાવ્યા છે. ગુજરાતમાં બેરોજગારી દર સૌથી ઓછો ૩% છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ અવસરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનોના ઈ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું કે, રાજ્ય સરકારે બે દાયકામાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનો કાયાકલ્પ કર્યો છે. સમગ્ર ભારતમાં ગુજરાત એજ્યુકેશનલ હબ તરીકે પ્રસ્થાપિત થઈ ગયું છે.
ગુજરાતની સ્થાપના બાદ ૪૦ વર્ષો સુધી રાજ્યમાં માત્ર ૧૧ યુનિવર્સિટી હતી જ્યારે આજે વધીને ૭૭ થઇ છે.
મુખ્યમંત્રીશ્રીએ ૨૫,૦૦૦થી વધુ યુવા-વિદ્યાર્થીઓએ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનો ઉલ્લેખ કરી તેમને બિરદાવ્યા હતા. ભલે દોઢસો વર્ષ વીતી ગયાં હોય પરંતુ આજે પણ સ્વામી વિવેકાનંદ યુવાનોના રોલ મોડલ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને સતત નવું વિચારવા અને સતત નવું કરતા રહેવાની પ્રેરણા આપતા કહ્યું કે, જો ક્યારેક ક્ષણિક નિષ્ફળતા મળે તો સ્વામી વિવેકાનંદજીના સંદેશાને અનુસરો.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સ્વામી વિવેકાનંદજીએ પશ્ચિમમાં જઈને સમગ્ર વિશ્વને ભારતીય જીવન દ્રષ્ટિથી પરિચિત કરાવ્યા હતા. સમગ્ર વિશ્વને વસુધૈવ કુટુમ્બકમની પ્રેરણા આપી હતી. ગુજરાતીઓએ ગૌરવ લેવા જેવી વાત એ છે કે સ્વામીજીને પશ્ચિમમાં જવાની પ્રેરણા ગુજરાતની ભૂમિમાંથી મળી હતી.
તેમણે સ્વ. શ્રી અટલજીની કવિતાનો ઉલ્લેખ કરી કહ્યું કે, જ્યારે જ્યારે દુનિયામાં અજ્ઞાનનો અંધકાર ફેલાયો, જ્યારે જ્યારે માનવજાત પર મોટી આફત આવી ત્યારે ત્યારે આ ભારત દેશે વિશ્વનું માર્ગદર્શન કર્યું છે. આપણે વેસ્ટર્ન કલ્ચરને ફોલૉ કરીને ‘નમસ્તે’ કરવાનું ઓછું કરી દીધું હતું પણ આજે કોવિડના સમયમાં આપણે દુનિયાભરના લોકોને નમસ્તે કરતા જોયા છે.
તેમણે વધુમાં કહ્યું કે, ‘આત્મનિર્ભર ભારત’ની રાહે ચાલી રહેલા આપણા દેશે દુનિયાની તમામ ધારણાઓને ખોટી પાડીને એક નહીં પણ બે-બે સ્વદેશી વેક્સિન આપીને પોતાના સામર્થ્યનો પરિચય આપ્યો છે. ભારતે બનાવેલી વેક્સિન માટે આજે દોઢસોથી વધુ દેશોએ માંગણી કરી છે. આ તાકાત દેશના યુવા વૈજ્ઞાનિકોની છે તેનું તેમણે ગૌરવ કર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, દેશના યુવાનો માટે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન બહુ મોટો અવસર છે. પોતાની શક્તિ-સામર્થ્ય ભારતને મહાસત્તા બનાવવાની દિશામાં તેઓ બહુ મોટો ફાળો આપી શકે છે. મને મારા રાજ્યના યુવાનોની શક્તિ પર પૂરો ભરોસો છે અને એ ભરોસોના આઘારે હું આજે કહું છું કે આવનારા વર્ષોમાં ભારત એક મહાસત્તા હશે અને તેનું કેન્દ્ર બિંદુ ગુજરાત હશે, તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ભવિષ્યના વિકસીત ભારતમાં યુવાનો પોતાને ક્યાં જોવા માંગે છે તે માટે તેઓએ આજથી જ એ દિશામાં સંકલ્પબદ્ધ બની કામ કરવું જોઇએ તેવી પ્રેરણા પણ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં અભ્યાસ કરતાં વિદેશના વિદ્યાર્થીઓના ઉપયોગ માટે ૪ કરોડના ખર્ચે ‘ઈન્ટરનેશનલ ટ્રાન્ઝીસ્ટ હાઉસ’ તથા સરસ્વતી વિમેન્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને વાંચનની સુવિધા માટે સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી દાદાની ચેર દ્વારા નિર્મિત લાઈબ્રેરીનું ઈ-લોકાર્પણ કર્યું હતું.
આ ઉપરાંત ૬ કરોડના ખર્ચે તૈયાર થનાર અદ્યત્તન લાઈબ્રેરી અને ૩ કરોડના ખર્ચે તૈયાર થનાર અદ્યત્તન સ્પોર્ટ્સ હોસ્ટેલ તથા સવા કરોડના ખર્ચે તૈયાર થનાર ઓપન એર થિએટરનું પણ ઇ-ખાતમુહર્ત સંપન્ન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કોરોના મહામારીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એન.એસ.એસ. ટીમ દ્વારા થયેલ સેવા કાર્યોની ગાથા વર્ણવતા પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું. એન.એસ.એસ.ને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ એન.એન.એસના વિદ્યાર્થીઓની કાર્ય પધ્ધતિથીનો ઉલ્લેખ કરી કહ્યું કે, ગામડામાં જઈને યુવાઓ કેમ્પ કરે છે. ગ્રામ્યજીવનને બહુજ બારીકાઈથી સમજે છે. આ પ્રકારની ગતિવિધિઓથી ચારિત્ર્યનું ઘડતર થાય છે. યુવાઓ માટે આ ખુબ જરૂરી છે. ‘આપણે ભારતમાં ગામડાઓનો આત્મા અને શહેરોની આધુનિકતાનો સમન્વય સાધવાનો છે તેમાં મને યુવાનો પાસેથી બહુ આશા છે’, તેમ તેઓએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી નીતિનકુમાર પેથાણીએ યુનિવર્સિટીમાં સુવિધાસભર શિક્ષણ હેતુ નિર્ધારીત વિભિન્ન પ્રકલ્પો વિશે માહીતી આપી હતી. પ્રો. વાઇસ ચાન્સેલર શ્રી વિજય દેસાણીએ આવકાર પ્રવચન કર્યું હતું.
Source: Information Department, Gujarat