Latest News

VGGS-17 Day-3: CM holds meet with NRG Delegation

  • વેપાર-ઉદ્યોગ જગતના રોકાણના તમામ માર્ગો ગુજરાત તરફ વળ્યા છે:- મુખ્યમંત્રીશ્રી
  • સેલ્યુટ ઇન્ડીયા એન.આર.આઇ. એવોર્ડ-ર૦૧૬ વિજેતા સુરેશભાઇ જાનીનું સન્માન કરતા શ્રી વિજય રૂપાણી

વાયબ્રન્ટ ગુજરાતના ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ-ર૦૧૭ના ત્રીજા દિવસે બિનનિવાસી ગુજરાતીઓના એક પ્રતિનિધીમંડળે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. વિદેશમાં વસતા મૂળ ગુજરાતીઓએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રસ્થાપિત કરેલી નવતર પરંપરાઓને અગ્રીમ લઇ જવા બદલ શ્રી રૂપાણીને અભિનંદન આપ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ બિનનિવાસી ગુજરાતીઓને વિદેશમાં ગુજરાતના પ્રતીકરૂપ ગણાવ્યા હતા. તેમણે એનઆરજીની ગુજરાતના વિકાસમાં ભૂમિકાની પણ સરાહના કરી હતી.

અમેરિકા વસતા શ્રી સુરેશભાઇ જાનીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટ થકી રોકાણકારોને ગુજરાત તરફ આકર્ષવામાં ગુજરાત સરકારની સફળતા બદલ મુખ્યમંત્રીશ્રી રૂપાણીને બિરદાવ્યા હતા.

બિનનિવાસી પ્રભાગના રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ બિનનિવાસી ગુજરાતીઓએ વિદેશમાં પોતીકી અસ્મીતા અને માતૃભૂમિનું ગૌરવ કર્યુ હોવાનું જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ભગવાન શ્રી સોમનાથની તસ્વીર આપી આ પ્રતિનિધિમંડળનું સન્માન કર્યુ હતું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિદેશની ધરતી ઉપર ગુજરાતીપણાની સુવાસ-સક્રિયતા ફેલાવનારા શ્રી સુરેશભાઇ જાનીનું સન્માન અભિવાદન કર્યુ હતું.

શ્રી સુરેશભાઇ એ અમેરિકામાં ૧૯૮૭થી વસવાટ કર્યો ત્યારથી જ ગુજરાતની સંસ્કૃતિ, ભાષા, સંગઠન, માનવતાના વિવિધ સેવાકાર્યોમાં સક્રિય યોગદાનથી વતનની માટીની મહેક પ્રસરાવી છે.

તેમને ડિસેમ્બર-ર૦૧૬માં ગ્લોબલ ગુજરાતી ફાઉન્ડેશન પોઝિટીવ મિડીયા તરફથી સેલ્યુટ ઇન્ડીયા એનઆરઆઇ એવોર્ડ-ર૦૧૬થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે બિનનિવાસી વિભાગના રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, એન.આર.આઇ-એન.આર.જી. અગ્રસચિવ શ્રીમતી અનિતા કરવલ તથા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat