Latest News

VGGS-2017 concludes on a grand note: 25578 MoUs signed

    વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧૭ના સમાપન પ્રસંગે મુખ્ય મંત્રીશ્રીનું ભાવુક ઉદ્દબોધન: સમિટમાં થયા ૨૫૫૭૮ એમઓયુ

    વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૭ ની ધ્યાનાકર્ષક સિદ્ધિઓ

    • • ૧ર કન્ટ્રી પાર્ટનર
    • • ૧૬ કન્ટ્રી સેમિનાર
    • • ૧૬ થીમ સેમિનાર
    • • ૩ એકશન સેમિનાર
    • • MSME કન્વેન્શન
    • • જીએસટી વિષે મેગા સેમિનાર
    • • ૪ રાજ્ય સેમિનાર
    • • ૭૪,૦૧૦ ડેલીગેટસનું રજીસ્ટ્રેશન
    • • ૨,૭૩૪ આંતરરાષ્ટ્રીય ડેલીગેશન
    • • ૩૦૪થી વધુ બિઝનેસ ટુ બિઝનેસ મીટીંગ (બી-ટુ-બી)
    • • ૨૦૧થી વધુ બિઝનેસ ટુ ગવર્નમેન્ટ મીટીંગ (બી-ટુ-જી)
    • • મુખ્ય મંત્રીશ્રી અને નાયબ મુખ્ય મંત્રીશ્રીએ ૫૧ પ્રતિનિધિમંડળો સાથે બેઠકો યોજી અને ૩૫૦થી વધુ મહાનુભાવો સાથે ફાળદાયી ચર્ચા
    • • વિશ્વના અને ભારતના ૫૭ જેટલા સીઇઓ સાથે પરિણામલક્ષી ચર્ચા-વિચારણા- ગ્લોબલ સીઇઓ કોન્કલેવ
    • • ૨૫૫૭૮ એમઓયુ

    મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી:

    • ગુજરાતે વિકાસની વિરાટતાના દર્શન કરાવ્યા છે
    • વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આઠમી શૃંખલાએ દેશ અને ગુજરાતની આન, બાન અને શાન વધારી છે
    • આ સમિટથી માત્ર ગુજરાતનું બ્રાન્ડીંગ જ નહીં, સંસ્કાર, સંસ્કૃતિનું બોન્ડીંગ પણ થયું છે
    • વિકાસાભિમુખ ભારત દેશ બદલાઇ રહ્યો છે અને આ બદલાવનું પ્રવેશદ્વાર ગુજરાત બન્યું છે તેનું પ્રત્યેક ગુજરાતીને ગૌરવ

    યુવા દિને વાયબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા નવી રોજગારી ઉભી કરવામાં ગુજરાતે સફળતા મેળવી છે : કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી મનોહર પારિકર

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧૭ના સમાપન પ્રસંગે રાજ્યપાલ શ્રી ઓ. પી. કોહલીની ઉપસ્થિતિમાં જણાવ્યું હતું કે, આ ભવ્ય સમિટની સફળતા દ્વારા ગુજરાતે વિકાસની વિરાટતાના દર્શન કરાવ્યા છે. મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વમાં બદલાવ આવી રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસાભિમુખ ભારત દેશ બદલાઇ રહ્યો છે ત્યારે આ બદલાવનું પ્રવેશદ્વાર ગુજરાત રાજ્ય બન્યું છે તેનું પ્રત્યેક ગુજરાતીને ગૌરવ છે.

    મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિકાસ માટે છુટાછવાયા, એકલ-દોકલ પ્રયાસોથી નહીં ‘‘સૌનો સાથ સૌનો વિકાસ’’ના સામૂહિક મંત્રથી વિરાટતાના દર્શન કરાવવા પડશે. સમિટે આવી વિરાટતા દર્શાવી દીધી છે એટલું જ નહીં, ગુજરાતની શ્રેષ્ઠતા ઉપર કોઇને પણ નાની અમથી પણ શંકા હોય તો તેને આ વૈશ્વિક સ્વીકૃતિની વિરાટતાથી જવાબ પણ મળી ગયો છે.

    વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આઠમી શૃંખલા એ ભારત દેશ અને ગુજરાત રાજ્યની આન-બાન અને શાન વધારી છે તેવું સ્પષ્ટ જણાવતાં મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ સમિટથી કરોડો રૂપિયાનું રોકાણ ગુજરાતમાં થશે. સાથે સાથે રાજ્યના લાખો યુવાનોને રોજગારીનો સોનેરી અવસર મળશે જે આ સમિટની સૌથી મહત્વની સફળતા રહેશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આ સમિટથી ગુજરાતનું બ્રાન્ડીંગ થયું છે એ સ્પષ્ટ છે પરંતુ આ સમિટથી દેશ અને દુનિયાએ ગુજરાતને અપનાવવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતના ખાન-પાન, સંસ્કાર-સંસ્કૃતિ અપનાવવાનો સૌએ પ્રયાસ કર્યો છે અને એટલે જ આ સમિટ ગુજરાતના બ્રાન્ડીંગ સાથે સાથે ગુજરાત સાથે બોન્ડીંગ (સાંસ્કૃતિક જોડાણ) પણ થયું છે જે ગુજરાત માટે ખરેખર ગૌરવની ઘટના છે.

    મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની હકારાત્મક છબી દિલમાં કંડારીને જઇ રહેલા દેશ-વિદેશના તમામ મહાનુભાવોને ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સમિટની ભવ્ય સફળતાથી સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ દિને ભારત માતા જગત જનની બનેએ સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યું હોય તેવું લાગે છે. તેમણે નોબેલ લોરીટેસ અને નોબલ ડાયલોગ જેવી ઇવેન્ટ્સ તેજસ્વીતાના નવા પરીમાણો સાથે યુવા માનસને ઘડનારી બની રહેશે તેમ પણ જણાવ્યું હતું.

    મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ૧૮ પોલીસી અને વહીવટી પારદર્શિતાની ખાસ નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે, સૌના સાથ દ્વારા ગુજરાતને વિકાસનીએ ઊંચાઇએ લઇ જઇએ કે જયાંથી દેશ અને દુનિયા વિકાસની નવી પરિભાષાના દર્શન કરે. મુખ્ય મંત્રીશ્રીએ આવનારી નવમી શૃંખલાની વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯ માટે સૌને આમંત્રણ પણ પાઠવ્યું હતું.

    આ પ્રસંગે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી મનોહર પારિકરે આજે સ્વામી વિવેકાનંદજીની ૧૫૪મી જન્મજયંતિનો ઉલ્લેખ કરી આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧૭ની સફળતા માટે મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, આજના યુવા દિને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧૭ના માધ્યમથી લાખો નવી રોજગારી ઉભી કરવામાં સફળતા મળી છે. આ દ્વારા સ્વામીજીને સાચી શ્રદ્ધાંજલિ અર્પી છે.

    વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧૭ને એકસાઇટીંગ, સકસેસફુલ અને રીયલી વાયબ્રન્ટ ગણાવતાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી મનોહર પારિકરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વ્યાપારની સરળતા ઉત્તરોત્તર વધી રહી છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧૭ ડીફેન્સ, એરાનોટીકસ અને એવીએશન સેકટર્સના વિકાસ માટે પ્રોત્સાહક પુરવાર થયું છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસથી સ્થાનિક લોકોને રોજગારી ઉપલબ્ધ કરાવવા કૌશલ્યવર્ધન સહિત જે કાળજી લીધી છે તેનાથી સકારાત્મક વાતાવરણ સર્જાયું છે. ગુજરાત પાસેથી આ બધુ શીખવા જેવું છે.

    નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રોકાણની દૃષ્ટિએ ખૂબ ઉપયોગી પુરવાર થઇ છે. આ સમિટમાં કુલ ર૫,૫૭૮ એમ.ઓ.યુ. થયા છે. એ જ પુરવાર કરે છે કે ગુજરાત અને ભારત એ રોકાણની દ્રષ્ટિએ બેસ્ટ ડેસ્ટીનેશન પુરવાર થયા છે. ગત વાયબ્રન્ટ સમિટમાં રર,૬૦ર એમ.ઓ.યુ. થયા હતા તેના કરતા આ સમિટમાં એમ.ઓ.યુ.ની સંખ્યા વધી છે. આ અંગેની વિસ્તૃત જાણકારી આપી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ સમિટ MSME ક્ષેત્રે ૧૮,પ૩૩ એમઓયુ થયા છે. જયારે લાર્જ સ્કેલ ઉદ્યોગ ક્ષેત્રે પ,૯૩૮ અને સ્ટ્રેટેજીકલ પાર્ટનર ક્ષેત્રે ૧,૧૦૭ એમઓયુ થયા છે. આ એમઓયુ ગુજરાત અને દેશને વિકાસની નવી દિશા ભણી દોરી જશે એમ તેમણે ઉમેર્યું હતું.

    સેકટર વાઇઝ એમઓયુની વિગતો આપતાં શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, એગ્રો એન્ડ ફુડ પ્રોસેસીંગ ક્ષેત્રે ૩૮૧, પશુપાલન, સહકાર, ફીશરીઝ ક્ષેત્રે ૪૯૩, પેટ્રોકેમિકલ અને જીઆઇડીસી ક્ષેત્રના ર૬૮ એમઓયુ થયા છે. શિક્ષણ ક્ષેત્રે ૧૯૦, એન્જીનીયરીંગ એન્ડ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે ૯૪, એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ ક્ષેત્રે ર૫૯ એમઓયુ કરાયા છે. આ જ રીતે ફાઇનાન્સિયલ સર્વિસ ક્ષેત્રે ૯૩, આરોગ્ય ક્ષેત્રે ર૮૫, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એન્ડ લોજીસ્ટીક પાર્ક ક્ષેત્રે ૧ર૩, ઇન્ફર્મેશન ટેકનોલોજી એન્ડ બાયો ટેકનોલોજીના ૧૪૭, મિનરલ ક્ષેત્રે ૪૦૯ અને પોર્ટ તથા પોર્ટેબેઝ નેટવર્ક વધારતા ૮૭ એમઓયુ થયા છે.

    આ જ રીતે પાવર-ઓઇલ એન્ડ ગેસ સેકટરમાં ૪ર૫, રોડ-રેલ પ્રોજેકટ માટે ૪૧ રૂરલ ડેવલપમેન્ટ ક્ષેત્રે ૩૮૦, રૂર્બન હાઉસીંગ ક્ષેત્રે ૧૬૭ એમઓયુ થયા છે. સ્કીલ ડેવલપમેન્ટ ક્ષેત્રે ૮૯, સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન સેકટરમાં ર૮, રમત-ગમત અને સાંસ્કૃતિક વિકાસ માટે ૭ એમઓયુ કરવામાં આવ્યા છે. રાજ્યના કાપડ ઉદ્યોગના વિકાસ કરતા ૧૫૧ એમઓયુ, પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે ૧૪૫, શહેરી વિકાસ માટે ૧,૬ર૫ તથા પાણી પુરવઠા માટે ૫૧ એમઓયુ કરાયા છે.

    આ એમઓયુ પૈકી ૫ર એમઓયુ એવા છે કે રૂા. ૪૦૦૦ કરોડથી વધુના રોકાણ થવાના છે. આવા રોકાણોથી ગુજરાત અને ભારત વિશ્વ સમક્ષ એક સમર્થ ડેસ્ટીનેશન તરીકે ઉભરશે, એમ તેમણે ઉમેર્યું હતું.

    નાયબ મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતુંકે, સાડા છ કરોડ ગુજરાતીઓની સુખ-સુવિધા અને સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સક્ષમ નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સહયોગથી સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાથે આગળ વધી રહી છે. આવનાર સમયમાં ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બની રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

    આફ્રિકન ડેવલપમેન્ટ બેંકના સેક્રેટરી જનરલ વિલ્સન્ટે આભાર વ્યકત કરતાં જણાવ્યું હતું કે, આગામી રર મે, ર૦૧૭ના રોજ બેંકની મીટીંગ ગુજરાત ખાતે મળશે. આ મીટીંગ એક નોલેજ ઇવેન્ટ બની રહેશે.

    ડેન્માર્કના ઊર્જા મંત્રી શ્રી લાર્સ ક્રિસ્ટને ગ્રીન અને કલીન એનર્જી માટે ભારત અને ગુજરાતની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી.

    ફિક્કીના પ્રમુખ તથા કેડીલા હેલ્થકેરના ચેરમેન શ્રી પંકજભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે વિશ્વભરમાં આર્થિક વિકાસ નબળો છે અને અનિશ્ચિતતાનું વાતાવરણ છે ત્યારે ભારતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેતાગીરીમાં જીએસટી, ઊર્જા તથા અન્ય ક્ષેત્રોમાં નવા સુધારા આવ્યા છે અને ભારતમાં ધંધાકીય વાતાવરણ સુધર્યું છે. ગુજરાતની ઉદ્યોગ સાહસિકતાનું ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે સંકલન થઇ રહ્યું છે. ગુજરાત સરકારને ફિક્કીનો સાથ સહકાર મળી રહેશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

    ટોરન્ટ પાવરના ચેરમેન શ્રી સુધીર મહેતાએ જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એ એક અર્થમાં વિશ્વ માટે ભારતના દ્વાર ખોલનારી પુરવાર થઇ છે. આ સમિટે ભારત આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પુરૂં પાડયું છે. આ સમિટમાં હજારો કરોડના એમઓયુ થયા છે. રોડ, રેલ, એરપોર્ટ, સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન, ઇન્ડસ્ટ્રીઝ કોરીડોર, ર૪ કલાક વીજળી, ઉદ્યોગોને જરૂરી એવું કૌશલ્યપૂર્ણ માનવબળ એમ વિવિધ ક્ષેત્રે રોકાણના એમઓયુ પુરવાર કરે છે કે આ સમિટ ફળદાયી રહી છે. સાથે સાથે વિશ્વ આખા માટે ભારત એ બિઝનેશ ફ્રેન્ડલી દેશ હોવાનું પણ પુરવાર થયું છે. ટોરેન્ટ પાવરે પણ રૂા.૧૧ હજાર કરોડના એમઓયુ કર્યાની વિગતો પણ તેમણે આપી હતી.

    અધિક મુખ્ય સચિવ શ્રી પી. કે. તનેજાએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧૭ની ફલશ્રૃતિ આપતાં જણાવ્યું હતું કે, આ સમિટ અનેક રીતે ફળદાયી રહી છે. આ સમિટમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપરાંત અનેક મહાનુભાવોએ ભાગ લીધો. ૧૦૦થી વધુ દેશોના ૩૩ હજારથી વધુ પ્રતિનિધિઓ સીધા જ સહભાગી બન્યા છે. સાથેસાથે આ સમિટમાં ૧ર દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા અને ૧૬ કન્ટ્રી સેમિનાર, ર૧ અન્ય સેમિનાર તથા અરૂણાચલપ્રદેશ, મહારાષ્ટ્ર, આસામ અને ઝારખંડ એમ ચાર સ્ટેટ સેમિનાર પણ યોજાયા.

    શ્રી તનેજાએ વધુમાં જણાવ્યું હતું કે, ૭૪૦૧૦ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જયારે ર૭૩૪ ઇન્ટરનેશનલ ડેલીગેટસે ભાગ લીધો હતો. ૩૦૪ બીઝનેશ ટુબીટુનેશ અને ર૦૧ બીઝનેશ ટુ ગવર્નમેન્ટ મીટીંગ પણ યોજાઇ હતી. આ સાથે રાજ્યના મુખ્ય મંત્રીશ્રી તથા નાયબ મુખ્ય મંત્રીશ્રી સાથે ૩૫૦ વીવીઆઇપી અને ૫૧ ડેલીગેશન મિટીંગ યોજવામાં આવી હતી. આ સમિટ ખૂબ ફળદાયી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

    મુખ્ય સચિવશ્રી ર્ડા. જે. એન. સિંહે આભારવિધિ કરી હતી.

    આ અવસરે કેન્દ્રીય મંત્રી શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા, હરિભાઈ ચૌધરી, જશવંતસિંહ ભાભોર, મંત્રીમંડળના સદસ્યો, સંસદીય સચિવો, પક્ષ અગ્રણી શ્રી જીતુભાઈ વાઘાણી, પદાધિકારીઓ, દેશ-વિદેશના ડેલીગેટસ, રાજ્ય સરકારના સચિવો સહિત પ્રતિનિધિઓ અને ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.

    Source: Information Department, Gujarat