President Kovind visited Shri Mahavir Jain Aradhna Kendra in Koba

Posted on 13, Oct 2019

ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગુજરાત મુલાકાતે આવ્યા છે. રાષ્ટ્રપતિશ્રીએ આજે  ગાંધીનગર જિલ્લામાં આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્ર,  કોબા ખાતે આચાર્ય કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પ્રસંગે  રાષ્ટ્રપતિશ્રીના  ધર્મપત્ની, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી  ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રપતિ શ્રી કોવિંદ સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રીય સંત પૂજ્ય આચાર્યશ્રી પદ્મસાગર સુરેશ્વરજી  મહારાજની મુલાકાત લઇ આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે રાષ્ટ્રપતિ શ્રી કોવિંદે  પૂજ્ય   કૈલાસસાગરસૂરિ  જ્ઞાનમંદિરની મુલાકાત લેવાનો  તેમનો સંકલ્પ પણ પૂર્ણ કર્યો હતો.

રાષ્ટ્રપતિ શ્રી કોવિંદે  જૈન આરાધના કેન્દ્ર સ્થિત આચાર્યશ્રી કૈલાસસાગર સૂરિજી  જ્ઞાનમંદિરની મુલાકાત  દરમિયાન  જ્ઞાનમંદિરની સ્થાપના, ભારતની વિવિધ ભાષા-લિપિઓમાં ઉપલબ્ધ  અંદાજે બે લાખ  હસ્તલિખિત જૈન ગ્રંથો, વિવિધ મેગેઝીન, ભારતની અમૂલ્ય ધરોહર સમાન  અતિ પ્રાચીન અને ૧૦૦૦ વર્ષ જૂની દુર્લભ  પાંડુલિપિઓનો  અમૂલ્ય  સાહિત્યિક ખજાનો  રસપૂર્વક નિહાળીને  તેના વિશે વિગતો મેળવીને ખૂબ જ પ્રભાવિત-  અભિભૂત થયા હતા.

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે  આ પ્રસંગે પૂજ્ય રાષ્ટ્રસંત આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી  મહારાજ સાથેના  તેમના ૨૫ વર્ષ જૂના સંબંધોની યાદો-  સ્મરણો તાજા કર્યા હતા.

આ ઉપરાંત રાષ્ટ્રપતિશ્રી જૈન મૂનિઓ  તેમજ જૈન સમાજના અગ્રણી ભાઈઓ – બહેનો સાથે સંવાદ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિશ્રી કોવિંદ વર્ષ ૧૯૯૪માં રાજ્યસભાના સભ્ય હતા ત્યારે રાષ્ટ્રસંત આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી સાથે તેમનો પ્રથમ પરિચય થયો હતો. ત્યારથી તેઓશ્રી  સતત  આચાર્યશ્રી સાથે રૂબરૂ અથવા પત્રવ્યવહારના માધ્યમથી સંપર્કમાં છે. શ્રી  કોવિંદ  ભારતના  રાષ્ટ્રપતિ પદે  બિરાજમાન થયા બાદ  રાષ્ટ્રસંત શ્રી પદ્મસાગરસૂરીશ્વરજીના  જન્મોત્સવની ઉજવણી પ્રસંગે  પ્રથમવાર મહેસાણા-  ગુજરાતની મુલાકાતે પણ આવ્યા હતા જે  શ્રી  કોવિંદનો  પ્રથમ  જાહેર કાર્યક્રમ હતો.

આ પ્રસંગે જૈન સંતો- મૂનિઓ, એલિસબ્રિજના ધારાસભ્ય શ્રી રાકેશ શાહ  સહિત જૈન સમાજના અગ્રણી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat