રાજકોટ મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલા બૂક ફેર અને લિટરેચર ફેસ્ટીવલને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રીશ્રી

Posted on 09, Feb 2019

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ શહેરના રેસકોર્સના મેદાનમાં રાજકોટ મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલા બૂક ફેર અને લિટરેચર ફેસ્ટીવલને ખુલ્લો મૂકતા કહ્યું કે છેલ્લાં કેટલાક સમયથી ગુજરાતમાં બૂક ફૅર અને લિટરેચર ફૅસ્ટિવલનો પ્રવાહ ફૂલ્યોફાલ્યો છે, તે દર્શાવે છે કે ગુજરાતીઓ મા સરસ્વતીની આરાધના કરનારી કોમ પણ છે. ગુજરાતીઓ સારા ઇન્વેસ્ટર છે. તેમણે હવે પુસ્તકોના રૂપમાં સારા, સંસ્કારિત ભવિષ્યમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો આગવો રાહ અપનાવ્યો છે. સારા ભવિષ્યના ઇન્વેસ્ટમેન્ટમાં આવા બુક ફૅર-લિટરેચર ફૅસ્ટિવલ એક સક્ષમ માધ્યમ બન્યા છે.

મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ કહ્યું કે, રંગીલું રાજકોટ ખાન-પાન મોજમસ્તીને સદાય આનંદ-પ્રમોદનું નગર એટલે આપણું રાજકોટ એવી ઓળખ વર્ષોથી રાજકોટની છે. પરંતુ આ જ રાજકોટની બીજી પણ એક આગવી તાસીર અને ઓળખ બેય છે- રાજકોટ એટલે શબ્દ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ ધરાવતું નગર છે. આજથી પાંચ દિવસ સુધી રાજકોટ મહાનગરમાં પુસ્તક મેળો અને લીટરેચર ફેસ્ટીવલનું જે આયોજન થયું છે તે બદલાતા રાજકોટની તાસીર છે અને દુનિયામાં હવે રાજકોટ સાહિત્યીક નગર તરીકે પ્રસ્થાપિત થઇ રહ્યું છે તેની આગવી મિસાલ છે.

તેમણે એમ પણ કહ્યું કે, ૧પ૦ થી વધુ બુક સ્ટોલ અને પુસ્તકોનો વિપુલ દરિયો સાથે કાવ્ય લેખન, વાર્તાલેખન, બ્લોગ રાઇટીંગ, શોર્ટ ફિલ્મ મેકીંગ, બાળકો માટે વન મિનીટ ગેમ્સ, ક્રિયેટીવ ડ્રાફટ, ચિત્ર હરિફાઇ ફોટો બેઇઝડ સ્ટોરી રાઇટીંગ આવા વિવિધ વિષયો સાથે કલા, સાહિત્ય, વાંચન અને સર્જનાત્મકતાનો એક હોલીસ્ટીક એપ્રોચ અંડર વન એમ્બ્રેલા અહીં મળી રહેશે.

સાહિત્યકારો અને સારસ્વતોનું સ્મરણ કરતા શ્રી રૂપાણીએ કહ્યું કે, સૌરાષ્ટ્રની રાજધાની ગણાતા રાજકોટે સમયે સમયે આ દેશ અને દુનિયાને એક એકથી ચડિયાતા કલાકારો-લેખકો-વિદ્વાનો-સારસ્વતો આપ્યાં છે. લેખન, કવિતા, ગઝલ, ગીત-સંગીત, લોક સાહિત્ય સહિતના કલા ક્ષેત્રમાં સૌરાષ્ટ્ર-રાજકોટના કલાકારો-કસબીઓએ દુનિયા આખીમાં ડંકો વગાડ્યો છે. સત્યાર્થપ્રકાશના રચયિતા મહર્ષિ દયાનંદ સરસ્વતી, અને સત્યના પ્રયોગો લખનારા મહાત્મા ગાંધીથી શરૂ કરીએ તો ગુજરાતી ભાષાના ધૂરંધર લેખક અને સાહિત્યકાર ધૂમકેતુ, ગુણવંતરાય આચાર્ય, કવિ ત્રિભુવન વ્યાસ, મનુભાઈ પાંચોળી, ચુનિલાલ મડિયા, સ્વ. રમેશ પારેખ, અમૃત ઘાયલ, નીતિન વડગામા, મકરંદ દવે, સુરેશચંદ્ર પંડિત, બળવંત જાની, અનિલ જોષી, ઇન્દુલાલ ગાંધી તથા અન્ય ઘણાં નામી-અનામી સાહિત્ય સર્જકોથી રાજકોટની ધરતી ન્યાલ છે. આજે પણ રાજકોટના અનેક નામી-અનામી સાહિત્યકારો, કલાકારો, લોકસાહિત્યકારો રાજકોટના સાહિત્ય-કલા-સાંસ્કૃતિક ક્ષેત્રનું નામ ચોમેર પ્રકાશિત કરી રહ્યાં છે.

શ્રી રૂપાણીએ વાંચનના બદલાયેલા પરિમાણો અંગે જણાવ્યું કે, આપણા સાહિત્ય વારસાને, પુસ્તકોને અને વાંચન ભુખને બદલાતા સમયે પણ બદલી નાખ્યા છે. આજની યુવા પેઢી કે બાળ પેઢી પુસ્તક વાંચવું હોય કે કોઇ સાહિત્યકાર-લેખકનો પરિચય વાંચવો હોય તો રેફરન્સ તરીકે ગુગલ ગુરૂ અને વીકીપીડીયાનો સહારો લે છે. ઇન્ટરનેટ અને વેબ પોર્ટલના સોશિયલ મિડીયા યુગમાં વાંચન ભુખ સંતોષવા ઇ-બુકસનું ચલણ વધ્યું છે. તેની સામે હવે રાજકોટ મહાનગરમાં પ્રથમવાર આવો પુસ્તકમેળો અને લીટરેચર ફેસ્ટિવલ યોજાય એ જ ક્રાંતિકારી પરિવર્તનનું એક મોટું પગલું છે.

સદ્દવાંચનનું મહત્વ સમજાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પુસ્તકો જ આપણા સંસ્કારને ઘડે છે, આપણા વ્યક્તિત્વનું નિર્માણ કરે છે. નાનપણમાં વાંચેલી શ્રવણની વાર્તા આપણને આજીવન માતા-પિતાની સેવાના સંસ્કાર આપે છે. આપણે નાનપણમાં વાંચેલી એ વાર્તાની ચોંપડીઓની કિંમત ભલે ૨-૩ રૂપિયાની હતી પણ તેમાંથી મળતા સંસ્કાર કરોડો રૂપિયાના છે.

એક સારૂં પુસ્તક ૧૦૦ સારા મિત્રોની ગરજ સારે છે. એટલું જ નહિ, માનવીના મનને શાતા આપવા સાથે નવા વિચારોની બારી પણ ખોલી આપે છે. દરેક પુસ્તક પોતે જ એક શિક્ષક સમાન હોય છે. પુસ્તકનું છેલ્લું પાનું પૂરું કરીએ ત્યારે આપણે તેમાંથી કંઈક તો શીખ્યા જ હોઇએ છીએ. પુસ્તકોને સભ્ય સમાજના શિલ્પી કહું તો મને તેમાં જરાય અતિશયોક્તિ જણાતી નથી. પરંતુ મિત્રો, એક હકિકત એ પણ છે કે આજના ફાસ્ટ લાઇફ અને કોમ્પીટીશનના યુગમાં કોઇને પુસ્તક વાંચનનો સમય નથી.  બસ, ઉપરછલ્લુ વાંચન કામમાંથી થોડો સમય મળે ત્યારે થાય છે પરંતુ તેની વ્યાપકતા ઘટતી જાય છે અને એ સૌ માટે ચિંતાનો વિષય બનવો જોઇએ.

તેમણે જણાવ્યું કે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતના વિકાસની સાથોસાથ વાંચન રૂચિ કેળવવા એક મહત્વનો આયામ વાંચે ગુજરાત પણ જનભાગીદારીથી પ્રેરિત કરેલો છે. વાંચે ગુજરાત અભિયાને ગુજરાતીઓની ભીતરમાં સુષુપ્ત બની ગયેલા પુસ્તક પ્રેમને પુસ્તક વાંચનની ટેવને ઉજાગર કરવામાં જે સફળતા મળેલી તેના પરિણામે જ્યાં કદી ગ્રંથાલય નહોતા તેવા ૧ર૦૦ ગામોમાં જનશકિત ભાગીદારથી ગ્રંથ મંદિરો શરૂ થઇ ગયા. ૩૩ તાલુકામાં જ્યાં લાયબ્રેરી તાલુકામથકે નહોતી ત્યાં સ્વર્ણિમ તાલુકા પુસ્તકાલય શરૂ થયા છે. પુસ્તકો વંચાતા થશે તો નવા પુસ્તકોનું નિર્માણ થશે-ઉત્તમ પુસ્તકો વંચાશે તો સમાજ સંસ્કારી બનશે.

આજે સમાજ સ્વાર્થના સંકુચિત કોચલામાં, અસહિષ્ણુ બની ગયેલો દેખાય છે-સંવેદનશીલ સમાજના સ્વાસ્થ્ય માટે પુસ્તક ઉત્તમ રસાયણ છે.૨૧મી સદી જ્ઞાનની સદી છે ત્યારે વાંચે ગુજરાત જેવા પ્રયોગો અને સૌરાષ્ટ્ર બૂક ફૅર-લિટરેચર ફૅસ્ટિવલ જેવા સુંદર આયોજનોએ સમાજમાં જ્ઞાનના સંક્રમણને વધાર્યું છે. હવે ગુજરાતીઓ પુસ્તકને અપનાવે છે, વાંચનને પ્રેમ કરે છે અને એ રીતે દરેક ગુજરાતી  પોતાની આંતરઊર્જા વધારવા તરફ સક્રિય થયો છે. અન્ય ભાષાના વાંચન કરતાં માતૃભાષા વાંચન પ્રત્યે હવેની પેઢી આકર્ષાઇ છે, તેમ શ્રી રૂપાણીએ ઉમર્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાત તેના વિકાસ-સમરસતા-શાંતિ અને સમૃદ્ધિની સાથોસાથ સાંભળવામાં અત્યંત મીઠી ગુજરાતી ભાષા માટે પણ જાણીતું છે. આધુનિકતાના આવેગ અને અંગ્રેજી શિક્ષણના આકર્ષણે ગુજરાતી ભાષા લખનારા-વાંચનારા વર્ગને સીમિત કરી દીધો છે, તેમ છતાં ગુજરાતી ભાષા જ ગુજરાતની અસલી ઓળખ હતી, છે અને રહેશે. એટલે જ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવામાં આવી છે.

આ લિટરેચર ફેસ્ટિવલમાં ભાષાકીય તજજ્ઞો પણ ભાગ લેવાના છે, એમના માધ્યમથી ગુજરાતી ભાષાના જતન અને સંવર્ધનને પણ વેગ મળશે એવો મને વિશ્વાસ છે. આજે રાજકોટ મહાપાલિકાએ પહેલ કરીને જે પુસ્તકમેળો યોજયો છે તે દર વર્ષે સાતમા-આઠમા લોકમેળા જેમ વધુને વધુ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે અને દર વર્ષે આવા બુકફેર અને લીટરેચર ફેસ્ટીવલ યોજાય તે જરૂરી છે. તેમ શ્રી રૂપાણીએ અંતે કહ્યું હતું.

મેયર શ્રીમતી બીનાબેન આચાર્યએ આ મેળાને જ્ઞાનકુંભ સમો ગણાવી સૌરાષ્ટ્રના યુવાનો શિક્ષણની સાથોસાથ પુસ્તકપ્રેમી બને તેવું આહવાન કર્યું હતું. તેમણે રાજકોટમાં આવેલ વિવિધ પુસ્તકાલયોની માહિતી પુરી પાડી હતી.

આ પ્રસંગે મ્યુનિ. કમિશ્નરશ્રી બંછાનિધિ પાનીએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં આ પ્રકારનો પ્રથમ બુકફેર અને લીટરેચર ફેસ્ટીવલનું આયોજન મુખ્યમંત્રીશ્રી વિજયભાઇએ રૂપાણીની પ્રેરણાથી કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે,  આ પુસ્તકમેળો સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓને ‘વાંચે ગુજરાત’ અભિયાન હેઠળ વાંચનની પ્રેરણા પુરી પાડશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલનાયક શ્રી વિજયભાઇ દેસાણીએ આ પ્રસંગને પુસ્તકોનો મહાકુંભ ગણાવી જ્ઞાનરૂપી મેળામાં ડુબકી લગાવી શિક્ષણની સાથોસાથ સાહિત્યનો સાક્ષાત્કાર કરવા યુવા વિદ્યાર્થીઓને નિમંત્રણ પાઠવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીના હસ્તે મોબાઇલથી કયુ.આર. કોડ દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. તે પૂર્વે મા સરસ્વતીને વંદના કરી પુસ્તક મેળાના વિવિધ સ્ટોલની મુલાકાત પણ તેમણે લીધી હતી. મુખ્યમંત્રીશ્રીનું રાજકોટ મહાનગરપાલીકાના પદાધિકારીઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આગેવાનો તેમજ શહેર ભાજપ સંગઠનના પ્રતિનિધિઓ દ્વારા ફુલહારથી સ્વાગત કરાયું હતું. ઉપસ્થિત મહાનુભાવોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સ્વચ્છ રાસોત્સવ સ્પર્ધાના વિજેતાઓને ચેક વિતરણ, સ્વચ્છતા શિલ્ડ સ્પર્ધાના વિજેતાઓને શિલ્ડ, સ્વચ્છતા થીમ સોંગ માટે આભારપત્ર આપવામાં આવેલ હતા. મ્યુનિ. સરકારી શાળાઓના બાળકો માટે ગીફટ અ-બુક હેઠળ ૧૫૧ પુસ્તકોની ભેટ તેમજ મેઘધનુષ્ય સોવિનેયરનું વિમોચન કરાયું હતું. મુખ્યમંત્રીશ્રી દ્વારા મહાત્માગાંધી મ્યુઝિયમ વેબસાઇટ તેમજ મોબાઇલ એપનું વિમોચન તેમજ દંતોપંત ઠંગડી પુસ્તકાલય ખાતે બ્રેઇલ કોર્નરનો શુભારંભ પણ કરવામાં આવ્યો હતો.

પુસ્તકમેળામાં પ્રથમ દિવસે આ પ્રસંગે જાણીતા સાહિત્યકાર અને વકતા શ્રીમતિ કાજલ ઓઝા વૈદ, શ્રી જય વસાવડા, શ્રી અંકિત ત્રિવેદી તેમજ શ્રી સાંઇરામ દવેએ ઉપસ્થિત રહી તેમનું પ્રભાવી વકતવ્ય આપ્યું હતું.

 

Source: Information Department, Gujarat