મુખ્યમંત્રીશ્રીનો પરિચય

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી

શ્રી ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલે તા. ૧૨ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ ગુજરાત રાજ્યના ૧૭મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત અમદાવાદની મેમનગર નગરપાલિકાના સભ્ય તરીકે કરી હતી અને વર્ષ ૨૦૧૭માં તેઓ ઘાટલોડિયા સીટ પરથી ગુજરાત વિધાસનભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

શ્રી પટેલ વર્ષ ૧૯૯૫-૯૬માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત થયા અને ત્યારબાદ તેમને વર્ષ ૧૯૯૯માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. મેમનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે તેમણે વર્ષ ૧૯૯૯-૨૦૦૦ અને ૨૦૦૪-૨૦૦૬ના સમયગાળા દરમિયાન પોતાની જવાબદારીઓ નિભાવી.

વર્ષ ૨૦૦૮-૨૦૧૦ દરમિયાન તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન તરીકેની જવાબદારીઓ નિભાવી. ત્યારબાદ વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૫ દરમિયાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે થલતેજ વિસ્તારના વોર્ડ કોર્પોરેટર તરીકે સેવાઓ આપી. આ સમય દરમિયાન ભૂપેન્દ્રભાઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહ્યા.

વર્ષ ૨૦૧૫માં શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ના ચેરમેનપદની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી. ત્યારબાદ વર્ષ ૨૦૧૭માં તેઓ ઘાટલોડીયા બેઠક પરથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય તરીકે પ્રથમ વખત ચૂંટાયા.

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ પ્રથમ વખત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

૧૫ જૂલાઈ, ૧૯૬૨ના રોજ અમદાવાદમાં જન્મેલા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેક્નિકમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. કોલેજકાળથી જ તેઓ સામાજિક કાર્યો અને સેવાઓમાં સતત કાર્યરત રહ્યા છે. ઉપરાંત, મેમનગર ખાતે સંઘ પરિવાર દ્વારા સંચાલિત પંડિત દીનદયાલ લાયબ્રેરીમાં પણ સક્રિય સભ્ય છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની તેમની આ નવી ભૂમિકા દરમ્યાન શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ગુજરાતની વિકાસયાત્રાને આગળ લઇ જવા માટે અને રાજ્યમાં સુશાસનને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

પોલિટિક્સ ઉપરાંત, શ્રી પટેલ ક્રિકેટ અને બેડમિંટન જેવા સ્પોર્ટ્સમાં પણ ઊંડો રસ ધરાવે છે. તેઓ પૂ. શ્રી દાદા ભગવાન દ્વારા સ્થાપિત કરવામાં આવેલ અક્રમ વિજ્ઞાન ફાઉન્ડેશનના ફોલોઅર છે. શ્રી પટેલ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જેવી સંસ્થાઓના ટ્રસ્ટી પણ છે.