Skip to main content

બ્લોગ

  • article cm

    In his blog, CM shares thoughts on development of heritage and border tourism in Gujarat

    પ્રવાસનના નવીન આયામોથી ખીલી ઉઠશે આપણું ગરવી ગુજરાત

    નમસ્કાર.

    મિત્રો, થોડા દિવસ પહેલાં મને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામેલ પ્રાચીન નગર સંસ્કૃતિની વિરાસત ધરાવતા કચ્છના ધોળાવીરાની મુલાકાત લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

    ધોળાવીરામાં પુરાતન સમયની સુઆયોજિત નગર રચના, વરસાદી પાણીના સંગ્રહ માટે જળસંચયનું અદભુત આયોજન તથા એક આધુનિક માનવ વસાહત માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ નિહાળી અભિભૂત થયા વિના રહી શકાય તેમ નથી.

    મેં આ પ્રાચીન ધરોહરના અવશેષો, પુરાતત્વીય વસ્તુઓ તથા પૌરાણિક સ્મૃતિઓના સંગ્રહસ્થાન એવા મ્યુઝિયમની મુલાકાત લીધી અને એ અંગેનું પ્રેઝન્ટેશન પણ નિહાળ્યું. આવનારા દિવસોમાં ધોળાવીરા પર્યટકો માટેનું નવું નજરાણું બનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

    રાજ્ય સરકારે પણ આ પ્રાચીન વિરાસતનું મૂળ સત્વ અને તત્વ જાળવી રાખી સમયાનુકૂલ વિવિધ વિકાસ કામોનું આયોજન હાથ ધર્યું છે. ધોળાવીરાની અંદાજે 5000 વર્ષ જૂની આ ધરોહરની વિશેષતાઓ અને સંસ્કૃતિ દર્શનની અનેક સંભાવનાઓ તથા પ્રવાસીઓને મળી રહેલી માહિતી-સગવડમાં વધારો કરી ગુજરાતને વિશ્વના પ્રવાસન નકશામાં અંકિત કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે.

    ધોળાવીરાની મુલાકાત દરમ્યાન ગઢુલી-સાંતલપુર નેશનલ હાઈવેના પ્રગતિ હેઠળના કામોનું પણ નિરીક્ષણ કર્યું હતું. કુલ 264 કિ.મીની લંબાઈના આ નેશનલ હાઈવે નંબર 754 K ની ચાર લિંકમાં ગઢુલી, ધોળાવીરા, કચ્છનું સફેદ રણ તથા ખાવડાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં કેન્દ્ર સરકાર દ્વારા અંદાજે 320 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન આ નેશનલ હાઈવે દ્વારા ધોળાવીરાથી સફેદ રણ વચ્ચેનું અંતર 80 કિ.મી જેટલું ઘટી જશે. ઉપરાંત ધોળાવીરા, સફેદ રણ, માતાના મઢ, હાજીપીર દરગાહ અને ખાવડાને પણ સીધી નેશનલ હાઈવેની રોડ કનેક્ટિવીટી મળતી થશે. નેશનલ હાઈવે દ્વારા 100 જેટલી બોર્ડર આઉટપોસ્ટને પણ કનેક્ટિવીટીનો વ્યૂહાત્મક લાભ મળશે.

    મિત્રો, કચ્છ અને બનાસકાંઠાના પાણીની કુદરતી અછત ધરાવતા સીમાક્ષેત્રો સુધી અને ત્યાંના સરહદના સંત્રી એવા જાંબાઝ જવાનો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ ગુજરાત સરકારે આદર્યો છે. માનનીય શ્રી નરેન્દ્રભાઈએ આપેલા દૂરંદેશી વિચારને અનુસરીને સરહદી વિસ્તારોમાં NCC નો વ્યાપ પણ વધારવામાં આવી રહ્યો છે. NCC ની પ્રવૃત્તિઓ સરહદી યુવાશક્તિમાં દેશપ્રેમ, નિર્ભયતા અને શૌર્ય જેવા ગુણ ખીલવીને સરહદો પર દેશવિરોધી પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

    મારી કચ્છની આ મુલાકાત દરમ્યાન મને સરહદની રખેવાળી કરતા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ના જવાનો અને અધિકારીઓની મુલાકાત લઈ તેમની સાથે સંવાદ કરવાનો અવસર પણ પ્રાપ્ત થયો. સીમા પારની ઘૂસણખોરી અટકાવવા તથા દેશની સુરક્ષા માટે આ જવાનોની કર્તવ્યપરાયણતા સ્પર્શી જાય એવી છે. સૌ જવાનોને મારા વંદન!

    આવનારા દિવસોમાં કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે અનેક નવા સ્થાન, ટુરિસ્ટ પોઈન્ટ તથા સર્કિટ ડેવલપ થવા જઈ રહી છે. ગુજરાતમાં અનેક સ્થાન ઐતિહાસિક તથા પ્રવાસનની દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની દૂરંદેશીપણાની નિશાની સમા “રણોત્સવ”ની જેમ ગુજરાતના અનેક સ્થાન વિશ્વ પ્રવાસન નકશામાં ચમકવા સક્ષમ છે. બનાસકાંઠાના નડાબેટની જેમ કચ્છના ધોરડોમાં બોર્ડર ટુરિઝમનો પણ વિકાસ થઈ રહ્યો છે.

    મિત્રો, હવેના સમયમાં તમે ઐતિહાસિક સ્થાનો, પુરાતત્વીય સ્થાનો, બોર્ડર ટુરિઝમ જેવા પ્રવાસનના નવીન આયામો ગુજરાતમાં વિકસતા જોઈ શકશો. પ્રાકૃતિક અને માનવસર્જિત સૌંદર્ય ઉપરાંત વિવિધ સુવિધાઓથી સજ્જ આ પ્રવાસન સ્થળો સ્થાનિક ભાતીગળ સંસ્કૃતિને માણવાના પણ અનેક અવસર લઈને આવશે. રાજ્ય અને દેશના સહેલાણીઓ ઉપરાંત દુનિયાભરના પર્યટકો આપણા ગુજરાત તરફ આકર્ષાશે. આપ સૌ આપણા ગરવી ગુજરાતના ઐતિહાસિક અને પુરાતત્વીય સ્થાનોની મુલાકાત લેવાનું ચૂકશો નહિ. બાળકોને પણ આ સ્થળો અને તેના ઈતિહાસથી જરૂર માહિતગાર કરશો.

    આપનો,

    ભૂપેન્દ્ર પટેલ

    08/06/2022
  • રાષ્ટ્રીય યુવા દિવસ

    Har ek Kadam Atmanirbharatani Dishama

    નમસ્કાર.

    આપ સૌને રાષ્ટ્રીય યુવા દિવસની શુભકામનાઓ. જેમના પુણ્ય સ્મરણમાં આપણે ભારતમાં યુવા દિવસની ઉજવણી કરીએ છીએ એવા આધ્યાત્મિક ચેતનાના શિખર સ્વરુપ સ્વામી વિવેકાનંદજીને તેમની જન્મજયંતીએ  શત્‌ શત્‌ નમન.

    મિત્રો, આજના અવસરે સોશ્યલ મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી તરીકેની મારી યાત્રાના કેટલાક અનુભવો અને વિચારો આપની સાથે શૅર કરી રહ્યો છું.

    વિવેકાનંદજીએ 1893 માં શિકાગો વિશ્વ ધર્મપરિષદમાં પોતાના સંબોધનની શરૂઆત “લેડીઝ એન્ડ જેન્ટલમેન” શબ્દોથી કરવાના બદલે “સીસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા” એમ કહ્યું હતું. એક નરેન્દ્રનાથે એ સમયે ભારતના સનાતન મૂલ્યોથી સમગ્ર વિશ્વને અભિભૂત કરી દીધું હતું.

    આજે ફરી એકવાર એક નરેન્દ્ર ભારતની અસ્મિતાને વિશ્વમાં બુલંદ બનાવી રહ્યા છે. ફરી એકવાર દુનિયા એક નરેન્દ્રની આહલેકથી “યોગમય” બની છે. એક આગવી ઓળખ સાથે “નૂતન ભારત”નો ઉદય થઈ રહ્યો છે.

    મને ખુશી છે કે ભારતીયો માટે વિકાસનો એક અભૂતપૂર્વ અવસર આવ્યો છે, ત્યારે વિકાસના પર્યાય ગણાતા રાજ્યના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળવાનું સૌભાગ્ય મને સાંપડ્યું છે. સાડા છ કરોડ ગુજરાતીઓના પરિવારના વડા તરીકેની ભૂમિકા પૂરી નિષ્ઠાથી નિભાવવા હું સંકલ્પબદ્ધ છું.

    14 સપ્ટેમ્બર 2021 ના દિવસે મારી મુખ્યમંત્રી તરીકેની નવી યાત્રાની શરૂઆત થઈ. આ યાત્રામાં સહપ્રવાસી તરીકે મને મળી એક યુવા, ઊર્જાવાન અને સતત જનહિતને ધ્યાનમાં રાખીને દિવસ-રાત કામ કરતી ટીમ.

    પદભાર સંભાળ્યો એ દિવસોમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લીધે ખેડૂતો અને કાચા મકાનોમાં રહેતા લોકોને ભારે નુકસાન થયું હતું. અમે લોકો તરત જ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ગયા અને તાત્કાલિક અસરગ્રસ્તોને સહાયની જાહેરાત કરી.

    “સંકટ સમયમાં સાથે રહે એ સરકાર.”

    મારા સૌ નાગરિક ભાઈબહેનોને હું એ ખાતરી આપવા માંગું છું કે સંકટ કોઈપણ હોય ગુજરાત સરકાર સદાય આપની પડખે ઉભી રહેશે. આફતને અવસરમાં કેવી રીતે ફેરવવી એ માનનીય શ્રી નરેન્દ્રભાઈએ આપણને સુપેરે શીખવ્યું છે.

    “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત”ના મંત્ર સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે. અમારે મન વિકાસ એટલે જ સર્વસમાવેશી, સર્વસ્પર્શી, સર્વાંગીણ વિકાસ. એવો વિકાસ જેમાં “સર્વજન હિતાય, સર્વજન સુખાય” ની ભાવના હોય. એવો વિકાસ જેમાં વિદ્યાર્થીઓની વાત હોય... જેમાં કિસાનોની દરકાર હોય, જેમાં ઉદ્યોગજગત માટે અવસર પણ હોય અને જનસામાન્યના આરોગ્યની ચિંતા પણ હોય.

    નાગરિકોની નાનામાં નાની તકલીફ પણ અમારા માટે અગત્યની છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે, શબ્દોની મારામારીના કારણે કે કાયદાના અર્થઘટનના કારણે નાગરિકોને જો મુશ્કેલી પડતી હશે તો અમે એમાં ફેરફાર કરવા પણ તૈયાર છીએ.

    અમે વર્ષો સુધી સામાન્ય નાગરિકની જેમ મંચની સામે બેઠા છીએ. એટલે જ, આજે જ્યારે મંચની ઉપર બેસવાનો અવસર આવ્યો છે ત્યારે અમે પ્રજાને પડતી મુશ્કેલી સમજીએ છીએ. સામાન્ય માણસને પડતી મુશ્કેલીઓથી અમે પરિચિત છીએ અને તેમનું જીવન સુખમય બનાવવા સતત ચિંતીત છીએ.

    મુખ્યમંત્રી તરીકે છેલ્લા 3-4 મહિના દરમ્યાન ગુજરાતના અનેક વિસ્તારોમાં જવાનું થયું, અનેક લોકોને મળવાનું તેમના પ્રશ્નો સાંભળવા-સમજવાનું થયું. પ્રવાસ હોય કે મુલાકાત... અમારો હેતુ સરળ, સહજ પરંતુ મક્કમ અને લોકાભિમુખ વહીવટ આપવાનો છે.

    મિત્રો, આ અરસામાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારી આપણે પૂરજોશથી કરી. દેશ અને દુનિયાના વિવિધ સ્થળોએ સફળ રોડ-શૉ કરીને ગુજરાતમાં મૂડીરોકાણ માટે આપણે દુનિયાભરની કંપનીઓને આમંત્રણ આપ્યું. પ્રિ-સમિટ ઈવેન્ટ્સમાં વિકાસના વિવિધ મુદ્દાઓ પર તજજ્ઞોએ મનોમંથન કર્યું. કમનસીબે, કોરોનાના કારણે જન આરોગ્યને ધ્યાને રાખીને આપણે વાઈબ્રન્ટ સમિટ તો મુલતવી રાખી, પણ ગુજરાતની વાઈબ્રન્સીને આપણે જરા પણ ઓછી થવા નહીં દઈએ. આપણા પ્રયાસો આવનાર સમયમાં અનેકગણું ફળ લઈને આવશે એવો મને વિશ્વાસ છે.

    મિત્રો, કોરોનાના આ કપરા કાળમાં આપણે સૌ સજાગ રહીને નાગરિક તરીકેની આપણી ફરજો નિભાવીએ. રાજ્યના લોકોને કોરોના સામે રક્ષણ આપવાના પ્રયાસોમાં ગુજરાત સરકાર પણ કોઈ કસર છોડશે નહિ. આપણે સૌ સાથે મળીને જાગૃતિ અને સાવચેતી સાથે કોરોનાને મ્હાત આપીયે એવો ખાસ આગ્રહ આપને કરવા માંગું છું.

    બે દિવસ બાદ ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે. ઉત્સવો ઉત્સાહની સાથે જવાબદારી પણ લાવે છે. આપણી મજા બીજા કોઈની સજા ન બને એ પણ ધ્યાન રાખવું જોઈએ. ઉત્તરાયણના દિવસો દરમ્યાન ગુજરાત સરકારે અબોલ પક્ષીઓ માટે કરુણા અભિયાન શરૂ કર્યું છે. આ દિવસો દરમ્યાન ક્યાંય પણ ઘાયલ પક્ષી નજરે પડે તો 1962 હેલ્પલાઈન પર સંપર્ક કરશો. વોટ્સએપ નંબર 8320002000 ઉપર ‘Karuna´મેસેજ ટાઇપ કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મેળવી શકાશે.

    મિત્રો, આવનાર સમયમાં આવી જ રીતે મારા વિચારો આપની સાથે શૅર કરતો રહીશ. મળતા રહીશું.

    આપ સૌને ઉત્તરાયણ પર્વની ખૂબ શુભકામનાઓ.  

    આપનો,

    ભૂપેન્દ્ર પટેલ

    09/06/2022