સ્વસ્થ ખોરાક અંગેની જનજાગૃતિ અર્થે સ્વસ્થ ભારત યાત્રાના ઉપક્રમે “સ્વસ્થ ભારત મેળો” યોજાયો

Posted on 05, Dec 2018

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં સ્વસ્થ ભારત મેળાના અવસરે રી યુઝ્ડ કૂકિંગ ખાદ્ય તેલમાંથી સસ્તું બાયો ડીઝલ બનાવીને ક્રૂડ ઓઇલ પરનું ભારણ ઘટાડી ખાડીના તેલની કસર થાળીના તેલથી પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રીયુઝ્ડ કુકિંગ ખાદ્ય તેલ  વેપારીઓ પાસેથી એકઠું કરીને એમાંથી બાયો ડીઝલ બનાવવા માટે રુકો  (રિયુઝ ઓફ કુકિંગ ઓઇલ સોફ્ટવેર બાયોડિઝલ એસોસિએશન ઓફ ઇન્ડિયા)  દ્વારા બનાવવામાં આવ્યું છે.

રાજ્યમાંથી આવું  વપરાયેલ કુકિંગ ઓઇલ  એકત્ર કરી તેમાંથી બાયો ડીઝલ બનાવવાની યોજના  શરૂ કરવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી.

આ હેતુસર શરૂઆતના તબક્કે એક મોબાઈલ વેન ફરતી કરીને આવા બળેલા રીયુઝ કુકિંગ તેલને એકઠું કરવામાં આવશે એમ તેમણે કહ્યું હતું

મુખ્યમંત્રીએ ઈટ રાઈટ ઈન્ડિયા અંતર્ગત સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે યોગ્ય ખાન પાન આહાર આદતો અને પોષક આહારની હિમાયત કરતા કહ્યું કે, વધુ પડતો તેલનો ઉપયોગ ગુજરાતીઓનો સહજ સ્વભાવ છે પરંતુ  આજના સ્ટ્રેસ અને ફાસ્ટ લાઈફના યુગમાં એના કારણે કોલેસ્ટ્રોલ વધવું ડાયાબિટીસ, લીવર, સ્વાદુપિંડના રોગો  વધે છે.  હવે સ્વસ્થ અને નીરોગી જીવન માટે જન જાગૃતિ કેળવવા સ્વસ્થ ભારત યાત્રા  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી દેશભરમાં શરૂ થઇ છે.

વિજયભાઈએ 2022 માં દેશની  આઝાદીના 75 વર્ષ થાય ત્યારે  ભારત સ્વસ્થ,  સ્વચ્છ અને પર્યાવરણ પ્રિય રાષ્ટ્ર તરીકે જગત ગુરુ બને તેવી વડાપ્રધાનની સંકલ્પનામાં આ યાત્રા અને સ્વસ્થ ભારત મેળાથી સૌ દેશવાસીઓ જોડાય તેવું આહવાન કર્યું હતું.

તેમણે કહ્યું કે, એક સંશોધન અનુસાર છેલ્લા વીસ વર્ષમાં આપણા દૈનિક કેલેરીના વપરાશમાં ૪૦૦ કેલેરીનો વધારો થયો છે. તેની સામે દૈનિક વપરાશ ૧૦૦ કેલેરી જેટલો ઘટ્યો છે.

ગુજરાતના મોટા શહેરોમાં છેલ્લા વીસ વર્ષમાં રેસ્ટોરન્ટ, ફાસ્ટફુટ અને જોઈન્ટ્સની સંખ્યામાં ૧૦૦ ગણો વધારો થયો છે. ઉપવાસમાં પણ જાતભાતનાં ફરાળી ખોરાક લેવાય છે. તેથી ડાયાબીટીસ, સ્વાદુપીંડ, પિત્તાશય, આંતરડાના રોગ ઘર કરી જાય છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

રુકો અને એફ.ડી.સી.એ. વચ્ચે મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં એમ.ઓ.યુ. થયા હતા મુખ્યમંત્રીશ્રીએ રૂકો સાથે સંકળાયેલા વિવિધ એન.જી.ઓ. ના પ્રતિનિધિઓનું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રતિક આપી સન્માન કર્યું હતુ.

મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂકો અંગેની એપ્લીકેશન લોન્ચ કરાઈ હતી જેને ગુજરાતમાં પ્રથમ દિવસે જ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આ એપ્લીકેશન  દ્વારા ૪૭૧૪૬ લીટર વપરાયેલ રાંધણ તેલની રિકવેસ્ટ મળી છે.

        આ પ્રસંગે આરોગ્ય રાજ્ય મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીએ જણાવ્યું હતુ કે, લોકોને આરોગ્યની સસ્તી સારી અને ઝડપી સેવા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. રાજ્યના નાગરિકની તંદુરસ્તી અને આરોગ્ય જળવાય તે માટે અનેક પ્રકારની યોજનાઓ અમલી બનાવી છે. પરંતુ તેથી આગળ વધી રાજ્ય સરકારે રાજ્યનો નાગરિક બિમાર જ ન પડે તે દિશામાં સ્વસ્થ ભારત અભિયાન દ્વારા લોકોમાં જનજાગૃતિ લાવવામાં આવી રહી છે તેમ તેમણે જણાવ્યું હતુ. લોકોને સારૂ ખાવાનું મળે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે સ્ટ્રીટ થી હોટલ સુધીનાં ફુડ પીરસનાર એકમો પર તપાસ પણ ધરવામાં આવે છે. તેમ તેમણે જણાવ્યું હતું.

Source: Information Department, Gujarat