મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સતત આઠમી વિડીયો કોન્ફરન્સ કેબિનેટ બેઠક મંત્રીશ્રીઓ જિલ્લા મથકેથી કેબિનેટ બેઠકમાં જોડાયા

Posted on 20, May 2020

  • નાના-ગરીબ-રોજીંદુ કમાઇને રોજ ખાનારા વ્યકિતઓ અને સામાન્ય-મધ્યમવર્ગીય પરિવારોની રોજિંદી જરૂરિયાતોનો સર્વગ્રાહી ખ્યાલ રાખી લોકડાઉન-4 નવા સ્વરૂપે આવ્યું છે
  • કોરોના સાથે સુરક્ષિત રહીને જીવીએ અને જનજીવન ઝડપભેર પૂર્વવત થાય તેવું કરીએ
  • જનજીવન સામાન્ય થાય તે માટે લોકડાઉનની છૂટછાટો છે-લોકો સોશિયલ ડિસ્ટન્સ-ફરજીયાત માસ્ક-ભીડભાડ ન કરવાના નિયમોનું સ્વયં શિસ્તથી પાલન કરે
  • આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના નાના વેપારી-વ્યકિતગત કારીગરો-નાના ધંધા વ્યવસાયો માટે આશીર્વાદ બનશે

…..

-: મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ આપી વિગતો :-

…….

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી સતત આઠમી વિડીયો કોન્ફરન્સ બેઠકમાં તેમણે રાજ્યમાં ચોથા તબક્કાના લોકડાઉનમાં અપાયેલી છૂટછાટો તેમજ આ લોકડાઉનના અમલીકરણ અંગેની સર્વગ્રાહી સમીક્ષા મંત્રીશ્રીઓ-જિલ્લા તંત્રો સાથે કરી હતી.

પ્રવર્તમાન કોરોના વાયરસ સંક્રમણની અને લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના નાગરિકો પ્રજાવર્ગોની આરોગ્ય સુખાકારી, અનાજ પુરવઠો સહિતની જનહિત બાબતોની સામૂહિક મંથન-ચિંતનની ચર્ચા-વિચારણા માટે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કેબિનેટ બેઠક યોજવાની શૃંખલાની આઠમી કડી આજે સંપન્ન થઇ હતી.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા ગાંધીનગરથી તથા રાજ્ય મંત્રીમંડળના અન્ય મંત્રીશ્રીઓ પોતાના જિલ્લા મથકોએ કલેકટર કચેરીથી આ વિડીયો કોન્ફરન્સ કેબિનેટમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ બેઠક અંગેની વિગતો આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ લોકડાઉનની-4 ની વિસ્તૃત ચર્ચા-સમીક્ષા કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આ લોકડાઉન-4 માં નાના માણસો, ગરીબો, રોજનું કમાઇને રોજ ખાનારા તથા સામાન્ય મધ્યમવર્ગના નાગરિકોની જરૂરિયાતોને ધ્યાને રાખીને નવા રૂપરંગ સાથે તેમાં ઘણી છૂટછાટો આપવામાં આવેલી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ છૂટછાટો સાથે રાજ્યમાં જિલ્લા-તાલુકા મથકોએ વ્યવસાય-રોજગાર વેપાર ધંધા શરૂ થયા છે તે અંગેની સ્થિતીની પણ વિગતો મેળવી હતી.

તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, કોરોનાનું સંક્રમણ હજુ ગયું નથી, પરંતુ આપણે હવે કોરોના સાથે, કોરોના સામે સુરક્ષિત રહીને જીવવાનું અને જનજીવન થાળે પડે અને સ્થિતી ઝડપભેર પૂર્વવત થાય તેને જીવન વ્યવસ્થાનો ભાગ બનાવવાનો છે.

મુખ્યમંત્રીશ્રીએ આ સમગ્ર સ્થિતીની સમીક્ષા અને વિગતો મેળવતાં રાજ્યના નાગરિકોને પણ અપિલ કરી કે, લોકડાઉન-4 ની છૂટછાટોથી ધંધા-વ્યવસાય દુકાનો શરૂ થયા છે ત્યારે લોકો બજારો, માર્કેટમાં ઘસારો ના કરે.

તેમણે દુકાનધારકો-વ્યવસાયિકો-વેપારીઓને અનુરોધ કર્યો કે, તેઓ પણ રાજ્ય સરકારે નિર્ધારીત કરેલા નિયમોનું પાલન થાય. તેમની શોપ-દુકાનમાં પાંચ વ્યકિતથી વધુ વ્યકિત એક સાથે ભેગા ન થાય તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગ કડકપણે જળવાય અને માસ્કનો ફરજિયાત ઉપયોગ ગ્રાહકો કરે તે માટે રાજ્ય સરકારને સહયોગ આપે.

મંત્રીમંડળની આ વિડીયો કોન્ફરન્સીંગ બેઠકમાં રાજ્યના નાના દુકાનદારો-વ્યકિતગત વ્યવસાયિકો-વાળંદ, દરજી કામ, પ્લમ્બીંગ કામ, ઇલેકટ્રીશ્યન, રેકડી ફેરી કરનારાઓને લોકડાઉનની સ્થિતીમાંથી પૂન: બેઠા કરવા પાંચ હજાર કરોડની આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની પણ વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ યોજના અન્વયે રૂ. ૧ લાખ સુધીની લોન માત્ર ર ટકા વ્યાજે ત્રણ વર્ષ માટે સહકારી બેન્કો, અર્બન કો-ઓપરેટીવ બેન્કો તથા ક્રેડીટ સોસાયટીઓ આપવાની છે. ૬ ટકા વ્યાજ રાજ્ય સરકાર ભોગવવાની છે. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના ફોર્મ્સનું વિતરણ ગુરૂવાર તા. ર૧મી મે થી આ બધી સહકારી સંસ્થાઓની સમગ્ર રાજ્યની ૯ હજારથી વધુ શાખાઓ પર વિતરણ થવાનું છે.

મુખ્યમંત્રીશ્રીએ આ યોજનાનો લાભ પણ મહત્તમ જરૂરતમંદ વ્યકિતઓને મળે તે માટેની ચર્ચા-વિચારણા કરતાં આ યોજના સાચા અર્થમાં નાના લોકો માટે રોજગારીનો, આવકનો આર્થિક આધાર બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

Source: Information Department, Gujarat