ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.માં ‘તેજ-તૃષા પ્રતિભા શોધ-2019, ‘ગુરુકુળ’ મોડલ લર્નર સપોર્ટ સેન્ટર અને ‘અત્રી’ સ્પેશિયલ લર્નર સપોર્ટ સેન્ટરનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઉદઘાટન

Posted on 01, Dec 2019

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી જણાવ્યું છે કે, જે લોકોને જ્ઞાન પ્રાપ્ત કરવું છે પણ દરરોજ કોલેજમાં જઇને ક્લાસ અટેન્ડ નથી કરી શકતા. આવા લોકો ઘરે બેસીને અભ્યાસ કરીને પોતાની ડિગ્રી પ્રાપ્ત કરી શકે તે માટે ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપનાથી ઘરે બેઠા અભ્યાસ સુવિધા પૂરી પાડવા કરવામાં આવી છે.

શ્રી વિજયભાઈ રૂપાણીએ આ સંદર્ભમાં કહ્યું કે, આ યુનિવર્સિટી ગુજરાતના છેવાડાના વિસ્તારમાં રહેતા શિક્ષણથી માટે ઉત્સુક જનસમૂહ, અભાવગ્રસ્ત સમૂહ, તથા અભ્યાસ વિષયમાં રસરુચિ ધરાવતા વ્યક્તિઓ તેમના ઘર આંગણે જ્ઞાન અને પ્રમાણપત્ર બંને મેળવી શકે તે હેતુથી નવા પ્રકલ્પો શરૂ કરવા સતત પ્રયત્નરત છે તે અભિનંદન ને પાત્ર છે.

મુખ્યમંત્રીશ્રી શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતિ અજુ શર્મા ની પ્રેરક ઉપસ્થિતિમાં ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમા   તેજ તૃષા પ્રતિભાશોધ સ્પર્ધા-2019નું તથા 'ગુરુકુળ’ મોડલ લર્નર સપોર્ટ સેન્ટર અને  અત્રી& સ્પેશિયલ સપોર્ટ સેન્ટર નું ઉદઘાટન કરતા સંબોધન કરી રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આપણી શિક્ષણ પદ્ધતિ માત્ર હેતુ લક્ષી કે વ્યવસાય લક્ષી શિક્ષણ નહિ વ્યક્તિના સમગ્ર જીવન ઘડતરની એક પ્રક્રિયા છે. પ્રાચિન શિક્ષણ પદ્ધતિ, શિક્ષણ પ્રણાલી, ગુરકુળ પદ્ધતિ અને આશ્રમ પદ્ધતિને પરિણામે આજે પણ ગુરુ-શિષ્યની પવિત્ર પરંપરા વિકસિત થઇ છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આજના યુગમાં યુનિવર્સિટીઓ આપણી સમાજિક ચેતના કેન્દ્ર શક્તિ બનીને ઊભી છે. આ યુનિવર્સિટીઓ જ્યાં સુધી શક્તિશાળી નહીં બને ત્યાં સુધી સમાજ અને રાષ્ટ્ર શક્તિશાળી અને સામર્થ્ય વાન નહીં બની શકે.
ગુજરાતના વિકાસની વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો સંપૂર્ણ વિકાસ થઇ થઇ રહ્યો છે ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ, આર્થિક વિકાસ, ઔદ્યોગિક વિકાસ, કૃષિલક્ષી વિકાસ સાથે સોશિયલ સેક્ટરના વિકાસની પણ આવશ્યકતા છે. અને સોશિયલ સેક્ટરમાં શિક્ષણ એક મહત્વનું પાસુ છે. એટલા માટે શિક્ષણ આપણી વ્યવસ્થાનો એક ભાગ છે.

શિક્ષિત અને દિક્ષિતનો ભાવાર્થ સમજાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વ્યક્તિના જીવન ઘડતરમાં શિક્ષા અને દિક્ષા બંને ખુબ મહત્વના છે. વ્યક્તિને શિક્ષાની સાથે દિક્ષા પણ લેવી અનિવાર્ય છે. એટલા માટે શિક્ષા અને દિક્ષાની ચિંતા પણ સોશિયલ સેક્ટરમાં વિકાસની સાથે અનિવાર્ય છે.

ગુજરાતમાં સેક્ટરાલ યુનિવર્સિટીનો કોન્સેપ્ટ વિકસાવીને આપણે યુવાશક્તિને સમાયાનુકુલ શિક્ષણ આપી સજજ બનાવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણનો વ્યાપક એ સર્વત્ર થવો જોઇએ. જે વ્યક્તિને શિક્ષણ મેળવવું હોય એ વ્યક્તિ શાળા કે કોલેજમાં ન આવી શકે પણ ઘરે બેઠા પણ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તેવી વ્યવસ્થા આ યુનિવર્સિટીએ ઊભી કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં બે દાયકા પહેલા માત્ર 9 યુનિવર્સિટીઓ હતી, આજે 67 જેટલી યુનિવર્સિટીઓ વિકસિત થઇ છે.
તેમણે કહ્યું કે ઓપન યુનિવર્સિટીની ખાસિયત એ છે કે, અન્ય યુનિવર્સિટી જેમ તેને શિક્ષણ ના વ્યાપની કોઈ મર્યાદા કે સીમા નથી નડતી.
મુખ્યમંત્રીશ્રીએ આ યુનિવર્સિટીના નવા પ્રકલ્પોથી અભ્યાસ ઉત્સુક યુવાઓ અને લોકો ને છલાંગ લગાવવાનું પીઠબળ પૂરું પાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારના સહયોગની પણ તેમણે તત્પરતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ યુનિવર્સિટીમાં 'મોડલ લર્નર સપોર્ટ સેન્ટર ગુરુકુળ'નું ઉદઘાટન થવાથી યુનિવર્સિટી ખાતે અત્યાધુનિક અને ગુજરાતમાં મોડલ રૂપ બની શકે તેવો અભ્યાસ કેન્દ્ર શરૂ કરાશે.
શિક્ષણ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સારુ શિક્ષણ અને ગુણવત્તાને ધ્યાનમાં રાખીન આજે લોકો શિક્ષણ મેળવવા ગુજરાતમાં આવી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મોટ વિચારની સાથે ડો.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીની રચના કરી છે. ઘરે બેઠા પણ દરેક લોકોને શિક્ષણ મળી રહી તે વડાપ્રધાનશ્રીનું વિઝન રહ્યું છે.

આ પ્રસંગે કુલ સચિવ ડોક્ટર ભાવિન ત્રિવેદી, કુલપતિ અમી ઉપાધ્યાય, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્મા તેમજ ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના પ્રોફેસર્સ, સભ્યો, હોદ્દેદારો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat