અક્ષરધામથી વિશ્વની સૌ પ્રથમ ટેલિરોબોટીક કોરોનરી ઇન્ટરવેન્શન સર્જરી સફળતાપૂર્વક સંપન્ન

Posted on 05, Dec 2018

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં ગાંધીનગરના અક્ષરધામ સંકુલ ખાતે પ્રતિષ્ઠિત તબીબ ડૉ. તેજસ પટેલે વિશ્વની સૌ પ્રથમ ટેલિરોબોટીક કોરોનરી ઇન્ટરવેન્શન સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.

ડૉ. તેજસ પટેલે અક્ષરધામથી ૩ર કિ.મી. દૂર એક મહિલાની આ સર્જરી અક્ષરધામ બેઠા ઇન્ટરનેટથી કમાન્ડ આપીને ટેલિરોબોટીકસ દ્વારા પૂર્ણ કરાવી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ ઘટનાને સમગ્ર માનવજાત માટે ઐતિહાસિક ગણાવતાં કહ્યું કે, વિશ્વની પ્રથમ ટેલિરોબોટીક કોરોનરી ઇન્ટરવેન્શન સર્જરી માટે ગાંધીનગર-ગુજરાત નિમિત બન્યા તે સાડા ૬ કરોડ ગુજરાતીઓ માટે ગૌરવની ઘટના છે.

તેમણે મેડિકલ વર્લ્ડમાં ઇતિહાસ સર્જનારા ડૉ. તેજસ પટેલ અને ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે આ ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશનનો ઉપયોગ રાજ્યના છેવાડાના ગરીબ-વંચિત માનવી સુધી પહોચાડીને જરૂરતમંદ વ્યકિતઓની સર્જરી શસ્ત્રક્રિયા પાર પાડવામાં ગુજરાત સરકાર ડૉ. તેજસ પટેલની તજ્જ્ઞતાના સહયોગથી આગળ વધવા વિચારાધિન રહેશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ અક્ષરધામને ધર્મ અને વિજ્ઞાનના સમન્વયકારી સ્થાન વર્ણવતા ઉમેર્યુ કે, ધર્મ સત્ય તરફ લઇ જાય છે તો વિજ્ઞાન સત્યને સંપૂર્ણ રીતે સાકાર કરીને પ્રસ્તુત કરે છે.

એ અર્થમાં આ સર્જરી અક્ષરધામમાંથી થઇ તે જય જવાન-જય કિસાન- જય વિજ્ઞાનને ચિરતાર્થ કરે છે એમ તેમણે ઉમેર્યુ હતું.

આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા યુ.એસ.એ.ના તબીબ તજ્જ્ઞ માર્ક પોલાન્ડ, ડૉ. સમીર પંચોલી, અક્ષરધામના સ્વામિશ્રીઓ ઇશ્વરશરણ સ્વામિ, આનંદ સ્વરૂપ સ્વામિ, બ્રહ્મવિહારી સ્વામિ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ. તેજસ પટેલે આ ઐતિહાસિક સર્જરીનો શ્રેય આધુનિક જ્ઞાન-વિજ્ઞાન તબીબી ટેકનોલોજી સાથે પૂજ્ય પ્રમુખ સ્વામિ મહારાજના કૃપા આશિષને આપ્યો હતો.

Source: Information Department, Gujarat