એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રીશ્રી

Posted on 12, Dec 2019

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સને વેગ આપવાની નેમ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, રાજ્ય સરકારના બધા વિભાગોની ચેલેન્જીસના સોલ્યુશન આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ દ્વારા લાવી શકાય તે હેતુસર રાજ્યની યુનિવર્સિટીઓ અને કંપનીઓ જે ઈનોવેશન અને યુવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપે છે તેમના સંયોજનથી એક કોન્ફરન્સ યોજી બધાના ઇન્વોલ્વમેન્ટથી આ ચેલેન્જીસના ઉપાયો આપણે લાવવા છે.

તેમણે જ્ઞાન-વિજ્ઞાન અને શોધ-સંસાધનના ઉપયોગથી અને આઇ.ટી. ક્ષેત્રના નવા સંશોધનો દ્વારા માનવજાતના કલ્યાણ માટે ગુજરાત અગ્રેસર બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સાયન્સ સીટી ખાતે વાયબ્રન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ-૨૦૧૯ને ખુલ્લી મુકતા જણાવ્યું કે, યુવાનોની શક્તિ-સામર્થ્ય દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કલ્પના મુજબના નવા ભારતના નિર્માણમાં યુવાનોની અહમ ભૂમિકા બની રહેવાની છે.

તેમણે કહ્યું કે, આજના યુવાનોમાં પૂરતું સાહસ, ધગશ અને કંઈક નવું શોધવાની તમન્ના છે. ત્યારે યુવાનોને બળ આપવા આવી સમિટના ચર્ચા-મંથન ખૂબ ઉપયોગી બની રહેશે.

શોધ-સંશોધનની જરૂરીયાત સમજાવવા તેમણે કહ્યું કે, જરુરિયાત સંશોધનની જનની છે. જરૂરીયાત ઉભી થાય તો વિચાર આવે અને તેમાંથી નવું સંશોધન થતું હોય છે. ગુજરાત સ્વાસ્થ્ય, ઉર્જા, ખેતી, દવા, કાપડ, સેવાક્ષેત્ર અને ઉદ્યોગમાં અગ્રેસર છે ત્યારે નવા સંશોધનો દ્વારા માનવ વિકાસ માટેની નવી ઊંચાઇઓ પ્રાપ્ત કરી શકાશે.

શ્રી વિજયભાઈએ કહ્યું કે, વિજ્ઞાનમાં નવા પ્રયોગો હોય છે પરંતુ તેમાં નિષ્ફળતા હોતી નથી. સતત પ્રયોગથી સફળતા મળે જ છે.

તેમણે આજની સમિટમાં થનારા ચર્ચા-મંથન દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ગુજરાત દેશમાં અગ્રેસર રહેશે તેવી મક્કમતા વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું કે, અત્યાર સુધી આપણે વિદેશી ટેક્નોલોજીની આયાત કરતા હતા, પરંતુ આજે ગુજરાત એકલામાં ૫ હજાર ટેકનોલોજી સ્ટાર્ટઅપ કંપનીઓ દ્વારા નીત-નવા સંશોધનો દ્વારા આપણે વિદેશમાં  ટેકનોલોજીની નિકાસ કરીએ તેવા વાતાવરણનું નિર્માણ કર્યું છે.

આ માટે રાજ્યમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન, ઉદ્યોગ-સાહસિકતાને પ્રોત્સાહન આપવા આઇ-ક્રીએટ જેવી સંસ્થાઓનું નિર્માણ કર્યું છે, જેના દ્વારા આજનો યુવાન જોબ સિકર નહીં, જોબ ગીવર બને. તેમના ઉદ્યમ દ્વારા દેશને વિશ્વમાં મહાસત્તા બનાવવી છે.

શ્રી વિજયભાઇએ સ્ટાર્ટઅપ અંગેના એક્ઝિબિશનની મુલાકાત લઇ યુવા સાહસિકોના શોધ-સંશોધન તથા નૂતન વિચારોની સરાહના કરી તેમની સાથે સંવાદ કર્યો હતો.

મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમે જણાવ્યું કે, ગુજરાત પોલીસી ડ્રીવન સ્ટેટ છે. આંતરમાળખાની દ્રષ્ટિએ દેશભરમાં ગુજરાત પ્રથમ હરોળનું રાજ્ય છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. આઇ.ટી.ક્ષેત્રમાં છેલ્લા બે દાયકામાં ભારત વિશ્વસ્તરે ઊભરી આવ્યું છે તેમાં ગુજરાત કોઈ રીતે પાછળ રહ્યું નથી.

સ્વાસ્થ્ય, આંતર-માળખું, રોડ- રસ્તા બધામાં ગુજરાત આગળ છે ત્યારે આઈ.ટી. ટેકનોલોજીનો ઉપયોગ તેને વધુ ઊંચાઈ આપશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

એમેઝોન ગુજરાતના પ્રેસિડેન્ટશ્રી રાહુલ શર્માએ જણાવ્યું કે, ઇન્ટરનેટથી સઘળી માહિતી સાર્વજનિક બની છે. જ્યારે ડેટા ક્લાઉડથી કમ્પ્યુટર-વિજ્ઞાનની પ્રાયોગિક તકનીક અને તેની સઘળી માહિતી આજે સાર્વજનિક બની છે. વિદ્યાર્થીઓ અને યુવા સ્ટાર્ટઅપ સાહસિકો ડેટા ક્લાઉડની મદદથી વિવિધ તકનીકનો ઉપયોગ નજીવા મૂલ્યે કરી શકે છે. આવનારો યુગ મશીન લર્નિંગ, આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો છે, જે માટે એમેઝોન દ્વારા પૂરું પાડવામાં આવતું પબ્લિક ડેટા ક્લાઉડ ઉચ્ચ કક્ષાની સવલત છે એમ તેમણે ઉમેર્યુ હતુ.

ગેસિયાના ચેરમેન શ્રી મૌલિક ભણસાલીએ વાયબ્રન્ટ સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી સમિટ-૨૦૧૯ની પૂર્વભૂમિકા આપતા જણાવ્યું કે, આ સમીટમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ૮૦ થી વધુ વક્તાઓ વિવિધ વિષય પર માર્ગદર્શન આપવાના છે. ઔદ્યોગિક જગતના વ્યવહારુ પ્રશ્નો અને તેના ઉકેલ માટે તકનીકી સ્ટાર્ટઅપને પીઠબળ પૂરું પાડવા માટેનું વાતાવરણ સર્જવા આ સમિટ એક શરૂઆત છે. આ સમિટ થકી ગુજરાતમાં સ્ટાર્ટ-અપ માટેનું વાયબ્રન્ટ વાતાવરણ વધુ સઘન બનશે તેમ તેમણે જણાવ્યું હતું.

વિજ્ઞાન અને તકનીકી વિભાગના સચિવ શ્રી હારિત શુક્લાએ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રથમ રહ્યું છે. આ સ્થાન જાળવી રાખવા રાજ્યનું વિજ્ઞાન અને તકનીકી વિભાગ કટિબદ્ધ છે. આ સાથે જ તેઓએ વાયબ્રન્ટ સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી સમિટ-૨૦૧૯ના તમામ સહયોગીઓનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે આઈ.આઈ.ટી. ગાંધીનગર ખાતે વિક્રમ સારાભાઈ ચેર આપવામાં આવી છે તે અંતર્ગત વિજ્ઞાન અને તકનીકી વિભાગ તથા આઇ.આઇ.ટી.ગાંધીનગર વચ્ચે એમ.ઓ.યુ.ની આપ-લે થઇ હતી.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ.કે.દાસ, બ્રિટિશ ડેપ્યુટી કમિશનર ટુ ગુજરાત શ્રી પીટર કુક, નાસકોમના કો-ફાઉન્ડરશ્રી હરીશ મહેતા, ઉચ્ચઅધિકારીશ્રીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે સાયન્સ સિટી ખાતે આયોજિત ત્રિદિવસીય વાયબ્રન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમીટ-૨૦૧૯ ના ઉદઘાટન અવસરે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનું ખાતમુહૂર્ત કર્યુ હતું.

સાયન્સ સિટી ખાતે ‘એક્વેટિક ગેલેરી’ અને ‘રોબોટિક ગેલેરી’ બાદ આ ત્રીજી સાયન્ટિફિક ગેલેરી બની રહેશે. આ ગેલેરી અંદાજિત રૂ. ૧૫૦ કરોડના ખર્ચે નિર્મિત થશે.

એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીની ડિઝાઇન વૈશ્વિક કક્ષાની છે, જેમાં યુવાધનને સાયન્સ અને ટેકનોલોજીમાં રસ દેખાડવા અને પ્રોત્સાહિત કરવા ડિજિટલ પ્લેનેટોરિયમ સાથે અત્યાધુનિક નિદર્શન, સ્પેસ ઓબ્ઝર્વેટરી અને આઉટરિચ એક્ટિવિટીઝ હશે.

આ ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, અગ્ર સચિવ શ્રી એમ.કે.દાસ, બ્રિટિશ ડેપ્યુટી કમિશનર ટુ ગુજરાત શ્રી પીટર કુક, નાસકોમના કો-ફાઉન્ડરશ્રી હરીશ મહેતા, ઉચ્ચ અધિકારી શ્રીઓ, ઉપસ્થિત રહ્યા હતા

Source: Information Department, Gujarat