સેવા સેતુના પાંચમા તબક્કાનો અંતરિયાળ વનબંધુ વિસ્તાર દાહોદના અંતેલાથી મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો પ્રારંભ

Posted on 10, Oct 2019

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યવ્યાપી ‘સેવા સેતુ’ કાર્યક્રમનો વનબંધુ વિસ્તાર દાહોદના ગ્રામીણ ક્ષેત્ર અંતેલાથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સેવા સેતુનો આ ઉપક્રમ સામાન્ય-નાના માણસ માટે મોટો કાર્યક્રમ બની ગયો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગરીબ, વંચિત, પીડિત, દલિત, ગ્રામીણ, ખેડૂત જેવા સાવ સામાન્ય વર્ગોને પોતાના નાના-નાના કામો માટે વતન-ગામથી દૂર સરકારી કચેરીઓમાં ધક્કા ન ખાવા પડે તેવા સંવેદનશીલ અભિગમથી આ સેવા સેતુ દ્વારા સરકાર સ્વયં પ્રજાને દ્વાર આવી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, સેવા સેતુના અત્યાર સુધીમાં રાજ્યમાં જે ચાર તબક્કાઓ યોજવામાં આવ્યા છે તેને પ્રચંડ સફળતા મળી છે.

ચારેય તબક્કામાં મળીને ૧ કરોડ પ૩ લાખ નાગરિકો-લોકોની અરજીઓનો સુખદ નિવેડો લાવીને ૯૯ ટકા સિધ્ધિ મેળવવામાં આવી છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.

રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ અપનાવી સેવા સેતુનો કાર્યક્રમ શરૂ કર્યો છે. રાશન કાર્ડ કઢાવવા, આવક-જાતિના દાખલા કઢાવવાના જેવા મહત્વના કામોનો ઘર આંગણે જ સરળતાથી નિકાલ આ સેવા સેતુથી આવે છે એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું કે, સામાન્ય કામો માટે ગરીબ અરજદારોને વચેટિયાઓનો સહારો લેવો પડતો હતો. વચેટિયાઓને ક મને પૈસા આપીને પોતાનું કામ કરાવવું પડતું હતું. તેની સામે રાજ્ય સરકારે નક્કી કર્યું કે, અરજદારને સરકારી કચેરીએ ના આવવું પડે અને સરકારી તંત્ર  અરજદારના ઘરઆંગણા સુધી જાય એવી વ્યવસ્થા સેવા સેતુ કાર્યક્રમથી વિકસાવી છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારની પારદર્શી અને લોકાભિમુખ શાસનપ્રણાલીની પ્રતીતિ સેવા સેતુ કાર્યક્રમ કરાવે છે. સેવા સેતુ કાર્યક્રમમાં અરજદારનું સામાન્ય કામ તેના ઘરની નજીક, એક પણ રૂપિયો કોઇને ય આપ્યા વિના થાય છે.

જિલ્લા દીઠ ૫૦-૬૦ સેજા બનાવીને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. રાજ્ય સરકારની ૫૭ પ્રકારની વિવિધ સેવાઓ નાગરિકોને ઘરથી નજીક મળે છે. વિધવા સહાય, આયુષ્યમાન કાર્ડ, અમૃતમ કાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, વિવિધ પ્રકારના દાખલાઓ તો મળે જ છે, સાથે અબોલ પશુજીવોની જીવદયા સેવાભાવના સાથે પશુઓ માટે આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે તેની ભૂમિકા શ્રી વિજયભાઇ રૂપાણીએ આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ દાહોદ જિલ્લાનો સર્વાંગી વિકાસ કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું કે, દાહોદ જિલ્લાના નાગરિકોને રોજગારી માટે સ્થળાંતર ના કરવું પડે તે માટે રાજ્ય સરકાર વિવિધ પગલાં લઇ રહી છે. કૌશલ્ય વિકાસ, સિંચાઇ માટે પાણી, આરોગ્યની બહેતર સુવિધાઓ આપવામાં આવી રહી છે.

દાહોદ જિલ્લાના ખેડૂતો સારી રીતે કૃષિ પાક લઇ શકે, એક વર્ષમાં ચાર મોસમનો પાક લઇ શકે એ માટે સિંચાઇનું પાણી આપવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પશુપાલન અને ડેરીની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૯૦ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. પીવાના પાણીથી માંડીને શિક્ષણ, આરોગ્યની સુવિધાઓ વધુ સુલભ બનાવવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા ગૌ વંશ હત્યા વિરોધી કાયદો, નશાબંધી કાયદો, મહિલાઓ પ્રત્યેના હિંસાના કાયદા વધુ કડક બનાવવામાં આવ્યા છે તેની છણાવટ તેમણે કરી હતી.

મુખ્યમંત્રીએ સેવા સેતુ કાર્યક્રમ પૂર્વે અંતેલા ગામે યોજાયેલા પશુ આરોગ્ય કેમ્પની મુલાકાત લીધી હતી અને ગૌ પૂજન પણ  કર્યું હતું. પશુઓને ગંભીર બિમારીથી મુક્ત કરવાની શસ્ત્રક્રિયાનું લાઇવ નિરીક્ષણ કર્યું હતું.

રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે આ વેળાએ જણાવ્યું કે, સેવા સેતુના કાર્યક્રમના કારણે છેવાડાના માનવીના પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ આવે છે. લોકોને સરકારી કચેરીઓ સુધી ધક્કા ખાવા પડતા નથી. આ કાર્યક્રમ શરૂ કરવાની બાબત મુખ્યમંત્રીશ્રીની સંવેદનશીલતા દર્શાવે છે. વિધવા સહાય યોજનામાં દીકરાની ઉમર મર્યાદાના નિયમો રદ્દ કરવાના મુખ્યમંત્રીશ્રીના નિર્ણય બદલ તેમણે આભાર દર્શાવ્યો હતો.

સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી અને કહ્યું કે, કડાણા, હાંફેશ્વર ડેમનું પાણી દાહોદ જિલ્લાને આપવાનો મુખ્યમંત્રીશ્રીએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેનાથી પીવાના તથા સિંચાઇના પાણીની સવલત ઉભી થશે.

સેવા સેતુ કાર્યક્રમના ૧૫ લાભાર્થીઓને તેને મળવાપાત્ર લાભ-સહાયનું મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીનું વિવિધ સંગઠનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ વેળાએ ધારાસભ્ય શ્રી રમેશભાઇ કટારા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી યોગેશભાઇ પારગી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અમરસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શંકરભાઇ અમલીયાર, પૂર્વ ધારાસભ્ય શ્રી તુષાર બાબા, કલેક્ટર શ્રી વિજય ખરાડી, રેન્જ આઇજીશ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા

Source: Information Department, Gujarat