અર્બન કચ્છ ટુરિસ્ટ રિસેપ્શન અને રીફ્રેશમેન્ટ સેન્ટરનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

Posted on 13, Feb 2020

કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કચ્છ સ્થિત ધોરડો ખાતે યોજાયેલ અખિલ ભારતીય પ્રવાસન મંત્રીઓની પરિષદના ઉદઘાટન કાર્યક્રમમાં પધારેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અર્બન કચ્છ ટુરિસ્ટ રિસેપ્શન અને રીફ્રેશમેન્ટ સેન્ટરનું ઉદઘાટન કરી વિલેજ આર્ટની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ અર્બન કચ્છ ટુરિસ્ટ રિસેપ્શન સેન્ટરની મુલાકાત લઇ આર્ટ વિલેજના પ્રદર્શનને નિહાળ્યું હતું.

આ ટુરિસ્ટ રીફ્રેશમેન્ટ સેન્ટરમાં કચ્છી હેન્ડીક્રાફ્ટનું પ્રદર્શન, વેચાણ તથા આ સ્થળે આવતા પ્રવાસીઓ માટે રીફ્રેશમેન્ટ સેન્ટરની સુવિધા ઉભી કરવામાં આવી છે. જ્યાં બાળકોના મનોરંજન માટે અલગથી ચિલ્ડ્રનપાર્ક  પણ બનાવવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગ્લોબલ આર્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જેમાં ૧૯ દેશોના આર્ટિસ્ટોએ ભાગ લીધો છે. તેમના દ્વારા તૈયાર કરાયેલ કલાકૃતિ સંગ્રહિત કરીને આ પ્રતિકૃતિઓનું પ્રદર્શન આ આર્ટ વિલેજમાં યોજવામાં આવેલ છે. જેમાં યુ.કે., યુ.એસ.એ., ઓસ્ટ્રેલિયા, જર્મની, જાપાન, ચાઇના,  બ્રાઝિલ અને અન્ય દેશોના કલાપ્રેમીઓ સામેલ છે.

આ પ્રસંગે પ્રવાસન મંત્રીશ્રી જવાહર ચાવડા, રાજ્ય મંત્રી શ્રી વાસણભાઈ આહિર, કેન્દ્રીય પ્રવાસન રાજયમં ત્રી શ્રી પ્રહલાદસિંહ પટેલ, ધારાસભ્ય શ્રી નીમાબેન આચાર્ય, પ્રવાસન વિભાગના સેક્રેટરી શ્રી મમતા વર્મા, મેનેજિંગ ડિરેક્ટર શ્રી જૈનુ દેવન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat