રાજ્યપાલશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્ય મંત્રીશ્રીએ કરાવ્યો રંગારંગ પ્રારંભ

Posted on 06, Jan 2019

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પતંગોત્સવ અને પતંગને ગુજરાતની વિશ્વમાં બ્રાન્ડ ઈમેજનો ઉત્સવ વર્ણવતા કહ્યું કે, આ ઉત્સવ ગરીબ પરિવારો માટે આર્થિક આધારનું કેન્દ્ર બન્યો છે, સૌના સાથ – સૌના વિકાસનું દ્રષ્ટાંત બન્યો છે.

શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની વિકાસ પતંગ પણ વિશ્વમાં નવી ઉંચાઈઓ સર કરશે તેવો  વિશ્વાસ વ્યક્ત કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત અને વિકાસ એ હવે એક બીજાના પર્યાય છે.

મુખ્ય મંત્રીશ્રીએ રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીની પ્રેરક ઉપસ્થિતિમાં સાબરમતી રિવરફ્રન્ટનાં સાનિધ્યે આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવનો રંગારંગ પ્રારંભ કરાવ્યો હતો.

વર્ષના પ્રારંભે જાન્યુઆરી મહિનામાં મેરેથોન, વાયબ્રન્ટ ગુજરાત સમિટ અને શોપિંગ ફેસ્ટીવલ સાથે પતંગોત્સવ જેવો આ જનઉમંગ કાર્યક્રમ યોજીને ગુજરાતે પોતાની એક આગવી વિકાસગાથા રચી છે એમ તેમણે ઉમેર્યું હતું.   

તેમણે સૂર્યના મકર રાશિમાં સંક્રાંતિના ઉત્તરાયણ ઉત્સવને પ્રકૃતિ-પર્યાવરણની ઉપાસના સાથે ઉર્ધ્વ ગતિ નવી દીશામાં જવાનો અવસર પણ ગણાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ સનાતન કાળથી પ્રકૃતિ પૂજાના આપણા સંસ્કાર વારસાને ઉત્તરાયણનું પતંગ પર્વ વધુ ઉન્નત બનાવે છે, તેમ પણ સૌ નાગરિકોને ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવતાં ઉમેર્યું હતું.

શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉત્તરાયણનું પતંગ પર્વ સમરસતાનું પર્વ પણ બન્યું છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે “એક ભારત – શ્રેષ્ઠ ભારત” ની કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું.

આ પ્રસંગે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ સંચાલિત સ્ટેટ ઈન્સ્ટીટ્યુટ ઓફ હોટલ મેનેજમેન્ટ અને આંતરરાષ્ટ્રીય ઈન્સ્ટીટ્યુટ વચ્ચે સ્ટુડન્ટ સ્ટડી એક્સચેન્જના લેટર ઓફ ઈન્ટેન્ટ  પણ હસ્તાક્ષર કરીને આદાન – પ્રદાન થયું હતું.

આ પતંગોત્સવમાં ૪૫ દેશોના અને ભારતના વિવિધ ૧૩ રાજ્યોના તેમજ ગુજરાતના ૧૯ શહેરોના ૫૦૦ જેટલા આંતરરાષ્ટ્રીય પતંગબાજોની પોતાના પતંગની આગવી ઓળખ સાથેની પરેડ-માર્ચ પાસ્ટ પણ યોજવામાં આવી હતી.

અમદાવાદના મેયર શ્રીમતી બીજલબેન પટેલે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિ કલા, સંસ્કૃતિ અને પરંપરાથી ધબકતી રહી છે. ભારતીયોના જીવનમાં તહેવારોનું મહાત્મ્ય પ્રકૃતિ  સાથે વણાયેલું રહ્યું છે. કાશ્મિર થી કન્યાકુમારી સુધી ઉત્તરાયણ પર્વની ભારે ઉમંગ સાથે દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે.  

મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓના સેવા વસ્તી વસાહતના ૨૦૦૦ બાળકોએ યોગ નિદર્શન દ્વારા સૂર્યોપાસના કરી હતી. 

       પતંગોત્સવના આ અવસરે મંત્રીશ્રીઓ સર્વ શ્રી કૌશિકભાઇ પટેલ, ઇશ્વરસિંહ પટેલ,  સંસદસભ્ય શ્રી ડૉ. કીરીટભાઈ સોલંકી, ધારાસભ્ય સર્વ શ્રી અરવિંદભાઇ પટેલ, જગદીશભાઇ પંચાલ, રાકેશભાઈ શાહ, પ્રવાસન વિભાગના અગ્ર સચિવ શ્રી એસ.જે.હૈદર, પ્રવાસન વિભાગના એમ.ડી. શ્રી જેનુ દેવન, યુવક સેવા વિભાગના કમિશ્નર શ્રી સતિષ પટેલ, કલેક્ટરશ્રી ડો. વિક્રાંત પાંડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.એમ. બાબુ, વિવિધ દેશોના હાઇકમિશનરશ્રીઓ-પ્રતિનિધિઓ સહિત ઉત્સવપ્રેમી નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે.

Source: Information Department, Gujarat