પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત એવોર્ડ સમારોહ સંપન્ન

Posted on 08, Jun 2019

Not Available For the sake of viewer convenience, the content is shown below in the alternative language. You may click the link to switch the active language.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની હરણફાળ વિકાસયાત્રા માત્ર આંતરમાળખાકીય વિકાસ પૂરતી સિમિત ન રાખતા કલા, સાહિત્ય, સંગીત, ખેલકૂદ ક્ષેત્રે પણ જનજનને આત્મીય આનંદ અનુભૂતિ કરાવવાના વાતાવરણ નિર્માણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં રાજ્ય સરકારની સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર કલ્ચરલ ફોરમ સહ આયોજિત સમારોહમાં રાજ્ય સરકારના પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત એવોર્ડ ચાર શ્રેષ્ઠત્તમ સંગીતજ્ઞને એનાયત કર્યા હતા.

આ પુરસ્કાર એવોર્ડ હેઠળ રાજ્ય સરકાર રૂા. પાંચ લાખનો પુરસ્કાર, તામ્રપત્ર અને શાલ મુખ્યમંત્રીશ્રી, વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે અર્પણ કર્યા હતા.

જે શાસ્ત્રીય સંગીતજ્ઞને આ પ્રતિષ્ઠિત એવોર્ડથી વિભૂષિત કરવામાં આવ્યા છે તેમાં પદ્મશ્રી અજોય ચક્રવર્તી (વર્ષ ૨૦૧૪-૧૫), પદ્મ વિભૂષણ શ્રી ગુલામ મૂસ્તૂફાખાન (વર્ષ ૨૦૧૫-૧૬), પદ્મશ્રી પંડિત ઉલ્હાસ કાંરાલકર (વર્ષ ૨૦૧૬-૧૭) તથા પદ્મશ્રી શેખરસેન (વર્ષ ૨૦૧૭-૧૮) નો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીશ્રીએ આ સિદ્ધહસ્ત ગાયકો સાથે હિન્દી ફિલ્મ જગતના સુપ્રસિદ્ધ ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિને પણ પ્રશસ્તિપત્રથી વિશેષ સન્માનિત કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ખેલમહાકુંભ અને કલા મહાકુંભના વ્યાપક આયોજનથી નાગરિકો-કલા-રમત પ્રેમીઓમાં પડેલી સુષુપ્ત શક્તિ બહાર લાવી ગુજરાતને આગવું, સંસ્કારી, કલાપ્રેમી બનાવવા રાજ્ય સરકારે  જનભાગીદારી જોડી છે તેની ભૂમિકા આપી હતી.

તેમણે ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના ગૌરવ ઘરેણા પંડિત ઓમકારનાથની સ્મૃતિમાં વર્ષ ૨૦૧૨માં શરૂ કરેલા એવોર્ડ અર્પણની પરંપરા આ સરકાર આગળ ધપાવી રહી છે તેનો પણ ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો.

પ્રારંભમાં રમત-ગમત, યુવક અને સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સચિવ શ્રી આર.સી. મીનાએ એવોર્ડ સમારોહની ભૂમિકા બાંધી વિગતો આપી હતી.

કલ્ચરલ ફોરમના અધ્યક્ષ શ્રી કૃષ્ણકાંત જહાએ ગાંધીનગર અને સમગ્ર ગુજરાત માટે આ ઘટનાને સ્વર્ણમયી ગણાવતા કહ્યું કે, એક સાથે ચાર-ચાર સિદ્ધહસ્ત સંગીતજ્ઞોની પ્રસ્તુતિથી પાટનગરના કલા રસિકો ધન્ય બન્યા છે.

તેમણે ગાંધીનગર કલ્ચરલ ફોરમના રજત જયંતિ વર્ષે આવા શાનદાર અને ગૌરવશાળી સમારોહના સહયજમાન બનવાની મળેલી તક માટે મુખ્યમંત્રીશ્રીનો હ્રદયપૂર્વક આભાર પ્રગટ કર્યો હતો.

આ અવસરે રાજ્ય મંત્રી શ્રી વિભાવરીબહેન, સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ શ્રી પંકજભાઇ ભટ્ટ, ગાંધીનગરના મેયર શ્રીમતી રિટાબહેન, શ્રીમતી અંજલિબહેન રૂપાણી સહિત પાટનગરના સંગીત-કલા રસિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

એવોર્ડ સન્માનિત ચારેય કલાકારો તેમજ શ્રીમતી કવિતા કૃષ્ણમૂર્તિએ પોતાની કલા પ્રસ્તુતિથી સૌને રસભીના કર્યા હતા.

Source: Information Department, Gujarat