વિસાવદરમાં કૃષિ મહાશિબિરમાં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ

Posted on 18, Aug 2019

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતો, ગામડાં, પીડિતો અને શોષિતો માટેની છે. તેમના કલ્યાણ માટે જે કંઇ કરવાનુ થશે તે માટે સરકાર કટીબદ્ધ છે.

એક નયા ભારતનુ નિર્માણ કરીએ જેમાં કોઇ બેકાર ન હોય, ગરીબ ન હોય, ભ્રષ્ટાચાર ન હોય. આપણો ખેડૂત સમૃદ્ધિ પ્રાપ્ત કરે તે દિશામા આગળ વધીએ તેવું આહવાન પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.

ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં પુરતા પ્રમાણમાં વરસાદ પડ્યો છે તેનો લાભ લઇને આપણી ખેતીને સમૃદ્ધ બનાવવા  મુખ્યમંત્રીએ ખેડૂતોને પ્રતિબદ્ધ બનવા અપીલ કરી હતી.

જુનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે કેશુભાઇ માર્કેટીંગ યાર્ડમાં ધી ગુજરાત રાજ્ય સહકારી બેંક લી., જુનાગઢ જિલ્લા સહકારી બેંક લી. અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ  મહાખેડૂત શિબિરમાં અધ્યક્ષ સ્થાનેથી  મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા હતા.

ખેડૂત શિબિરનું મંગલ દીપ પ્રાગટ્ય દ્વારા ઉદ્દઘાટન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કર્યુ હતું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર શહેરો જેવી વ્યવસ્થા ગામડાઓમાં ઉભી કરવા આગળ વધી રહી છે. જેથી ગ્રામ્ય કક્ષાએ વિવિધ તકો ઉપલબ્દ્ધ થાય અને ગામડાઓ ભાંગતા બંધ થાય તે દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે, આઝાદી પછી પાંચ દાયકા સુધી ખેડૂતોના નામે આંદોલનો થયા અને રાજનીતિ ચાલી હતી. પરંતુ ખેડૂત કે ખેતીનો ઉત્કર્ષ થયો ન હતો. આપણા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોની વ્યથા જાણીને ખેતીને સમૃદ્ધ કરવા યોગ્ય કદમો ઉઠાવ્યા છે.

જ્યોતિગ્રામ યોજના દ્વારા ગામડાઓમાં ૨૪ કલાક વીજળી આપીને સરકારે ખેડૂતોની ચિંતા કરી છે. સૌરાષ્ટ્રની મહત્વાકાંક્ષી સૌની યોજનાનો પ્રારંભ પણ શ્રી નરેન્દ્રભાઇએ કરાવ્યો છે તેની ભૂમિકા આપી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ તકે સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતોને ખેત પદ્ધતિમાં બદલાવ લાવીને ડ્રીપ ઇરીગેશન દ્વારા સુક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવીને વર્ષમાં ત્રણ-ત્રણ પાકો લઇને ખેડૂતો સમૃદ્ધ બને એ દિશામાં આગળ વધવા જણાવ્યું હતું. આ ડ્રીપ ઇરીગેશનમાં રાજ્ય સરકાર દ્વારા ૭૦ ટકા સબસીડી આપવામાં આવે છે. જેનો ખેડૂતોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો ૧૦૦ ટકા ડ્રીપ ઇરીગેશન અપનાવીને મહત્તમ કૃષિ ઉત્પાદન મેળવે છે તેનું દ્રષ્ટાંત તેમણે આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ સૌની યોજનાની વિગતો આપતાં જણાવ્યું કે, આ યોજનામાં હાલ ચોથા તબક્કાનું અંતિમ કામ ચાલી રહેલ છે. રૂા. ૧૬ હજાર કરોડની આ યોજના દ્વારા નર્મદાના નીર સિંચાઇ તથા પીવા માટે અપાશે. દુષ્કાળ ભૂતકાળ બને તે દિશામાં સરકાર આગળ વધી રહી છે.

ગત વર્ષે અછતમાં નર્મદાના નીર ૮૦૦૦ ગામડાંઓ અને ૧૧૫ શહેરોને પહોંચાડ્યા હતા તેમજ વિવિધ જળાશયો નર્મદાના નીરથી ભરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ચાલુ વર્ષે સારા વરસાદના કારણે નર્મદા ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઈ ગયો છે ત્યારે ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર-કચ્છના જે જળાશયો અધુરા હશે તે ડેમો નર્મદાના નીરથી ભરવામાં આવશે તેમજ ઉત્તર ગુજરાતની સુજલામ સુફલામ યોજનાના  જળાશયો ભરવામાં આવશે ત્યારે વાસ્તવમાં નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી સમાન બની રહેશે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતોના બાકી વીજ કનેક્શનો આપી દેવામાં આવશે ત્યાર પછી કોઇ ખેડૂતને કૃષિ વીજ કનેક્શન જોતાં હશે તો આઠ દિવસમાં મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવી રહ્યા છીએ.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સરકાર ખેડૂતો માટે વીજ-પાણીની વ્યવસ્થા કરી રહેલ છે. ત્યારે તેની સાથે ખેડૂતોને ચોખ્ખું બિયારણ મળે તેની પણ તકેદારી સાથે વ્યવસ્થા કરી છે.

ખેડૂતોને કૃષિ પેદાશના પુરતા ભાવો મળે તેની પણ સરકાર ચિંતા કરે છે. મગફળી તેમજ અન્ય કૃષિ પેદાશની મોટા પાયે ટેકાના ભાવે ખરીદી  સરકારે કરી છે.

ખેડૂતોને શૂન્ય ટકાના વ્યાજે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. ભારત સરકારની કૃષિ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષ દેશના ખેડૂતોને કુલ રૂ. ૭૫ હજાર કરોડની સહાય આપવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ આ તકે ખેડૂતોને  પ્રેરણા આપતાં કહ્યું કે, દુનિયામાં કઇ વસ્તુની જરૂરીયાત છે, તેને ધ્યાનમાં રાખીને કૃષિ પાકોમાં બદલાવ લાવીને આધુનિક ખેતી તરફ  ધરતી પુત્રોએ આગળ વધવું જોઇએ.

આપણા ખેડૂતો ડોલર કમાતો થાય તે દિશામાં સરકાર કામ કરી રહી છે તેનો ઉલ્લેખ કરતા
શ્રી વિજયભાઈ રૂપાણીએ કૃષિ પેદાશોના સંગ્રહ માટે સરકાર વ્યાપક રીતે ગોડાઉનો તથા કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરશે તેમ પણ ઉમેર્યું હતું.

મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ૦ ટકા વ્યાજે લોન આપવામાં
આવે છે. રીવોલ્વીંગ ફંડ દ્વારા ખેડૂતોની સમસ્યા દૂર થઇ છે. ખેડૂત સન્માનનિધિ યોજના હેઠળ
રૂા. ૬ હજારની સહાય આપવામા આવે છે. આ યોજના હેઠળ રૂા. ૧,૭૦૨ કરોડની સહાય ચુકવવામાં આવી છે.

સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમાએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેકવિધ કૃષિ વિકાસ અંગેની યોજનાઓ બનાવી છે. આગામી વર્ષ ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકારશ્રી યોજનાકીય વિકાસ દ્વારા આગળ વધી રહી છે.

પ્રદેશ ભાજપ ઉપાધ્યાક્ષ શ્રી ગોરધનભાઇ ઝડફીયાએ જમીનને ફળદ્રુપ કરવા ઓર્ગેનિક-પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

તેમણે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે મહત્વકાંક્ષી  સૌની યોજનાની વિગતો આપીને જણાવ્યું કે,
એક વર્ષમાં સૌરાષ્ટ્રના બધા ડેમો નર્મદાના નીરથી ભરવામા આવશે.

પ્રારંભમાં સ્વાગત પ્રવચન વિસાવદર માર્કેટ યાર્ડના પ્રમુખ શ્રી વિનોદકુમાર હપાણી અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કીરીટભાઇ પટેલે કર્યુ હતું.

આ કાર્યક્રમ વિસાવદર માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન શ્રી જયંતીભાઇ ભુવા, સેક્રેટરી શ્રી ગિરિશભાઇ ઉમરેટીયા, જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી એલ.ટી.રાજાણી, વાઇસ ચેરમેન શ્રી મનુભાઇ ખુટી, મેનેજીંગ ડીરેક્ટર શ્રી દિનેશભાઇ ખટારીયા, સી.ઇ.ઓ. શ્રી કે.એસ.ભટ્ટ, માર્કેટ યાર્ડના ડીરેક્ટરો, જુનાગઢના મેયર શ્રી ધીરૂભાઇ ગોહેલ, શ્રી કનુભાઇ ભાલાળા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સેજાભાઇ કરમટા, શ્રી રતીભાઇ સાવલીયા, અગ્રણી શ્રી હરીભાઇ, શ્રી ઘનશ્યામભાઇ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.સૌરભ પારઘી, જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી સૌરભસીંઘ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રવીણ ચૈાધરી તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઇઓ-બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સત્તાધારની સુપ્રસિદ્ધ ધાર્મિક  આપાગીગાની જગ્યાની દર્શનાર્થે મુલાકાત લીધી હતી અને ૯૩ વર્ષની જેફ ઉમર ધરાવતા મહંત
શ્રી જીવરાજબાપુની નાદુરસ્ત તબીયત અંગે ખબર અંતર પૂછયા હતા. આ પ્રસંગે જગ્યાના લઘુમહંત
શ્રી વિજયદાસ બાપુ, મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા, સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat