મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે હડમતાળા પોલિસ સ્ટેશનનું લોકાર્પણ

Posted on 08, Jan 2019

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટથી હડમતાળા સુધી ગેસ પાઇપલાઇનને સૈધ્ધાંતિક મંજૂરી આપી હતી. હડમતાળા ખાતે પોલિસ સ્ટેશનનું લોકાર્પણ કરતી વખતે મુખ્યમંત્રીશ્રીએ કરેલી આ જાહેરાતને ઉપસ્થિત વિશાળ જનમેદનીએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સગૌરવ જણાવ્યું હતું. કે કાયદો અને વ્યવસ્થાની નિયંત્રિત પરિસ્થિતિથી ગુજરાતને નવી ઓળખ સાંપડી છે તથા શાંતિ અને સુલેહની રાજય સરકારની નીતિને સમગ્ર દશમાં માન્યતા પ્રાપ્ત થઇ રહી છે.

છેલ્લા ૧૫ વર્ષોમાં તમામ ક્ષેત્રોમાં ગુજરાત રાજયનો વિકાસ સમગ્ર દેશ માટે નેત્રદિપક રહયો છે. એ વાતની મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિતોને સદ્રષ્ટાંત પ્રતીતિ કરાવી હતી. સંસ્કારિતા તથા અસ્મિતાની જાળવણી સાથે રાજયમાં પ્રવર્તતી એખલાસભરી પરિસ્થિતિની પણ તેમણે આ તકે વિશેષ સરાહના  કરી હતી

મુખ્યમંત્રીશ્રીએ પોલિસતંત્રને વધુ સુદ્રઢ બનાવા માટે રાજયસરકારે લીધેલા શ્રેણીબધ્ધ પગલાની વિગતો તેમના પ્રવચનમાં વણી લીધી હતી તથા ઉદ્યોગો-ખેડૂતો-આમ જનતાને સુરક્ષિત કવચ પુરૂ પાડવા તથા રાજયમાં ગુનાખોરી ડામવા માટે  કોઇ કસર છોડવામાં નહીં આવે, તેવી પ્રતિબધ્ધતા  શ્રી રૂપાણીએ દોહરાવી હતી.

રાજયમાં તાજેતરમાં ઘટેલ વિવિધ હાઇ પ્રોફાઇલ  ગુનાઓના પોલિસ વિભાગે કરેલ ત્વરિત પર્દાફાશ  બદલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇએ રાજય પોલિસ વિભાગની પીઠ થાબડી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્રના ઔદ્યોગિક  માંધાતાઓને જરૂરી સવલતોની રાજયસરકાર પાસે સત્વરે દરખાસ્ત કરવાની ટકોર કરી હતી. અને રાજયભરમાં  ઔદ્યોગિક વિકાસ માટે અમલી બનાવાયેલી વિવિધ યોજનાઓની વિગતો ટાંકી રાજયના ઔદ્યોગિક વિકાસ પ્રત્યેની તેમની ખેવના  પ્રતિબિંબિત કરી હતી. સૌરાષ્ટ્રના ઉદ્યોગજગતની  પ્રગતિની  ઝાંખી પણ મુખ્યમંત્રીશ્રીએ સવિસ્તર રજૂ કરી હતી.

રાજયની પીવાના પાણીની સમસ્યાનું આવનારા પાંચ વર્ષમાં કોઇ પણ ભોગે નિરાકરણ લાવવા, રાજયભરમાં આઠ ડીસેલીનેશન પ્લાન્ટ મારફતે દરિયાનાં ખારાં પાણીને મીઠું કરવા તથા ઉદ્યોગોને  આધુનિકતમ ટેકનોલોજી પુરી પાડવા મુખ્યમંત્રીશ્રીએ  ખાત્રી ઉચ્ચારી હતી.

આગામી તા. ૧૮ થી ૨૦ જાન્યુઆરી દરમ્યાન યોજાનારા વાઇબ્રન્ટ સમિટ થકી ગુજરાતના    વિદેશ વેપારને વધુ વિકસિત કરવાની મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે નેમ વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પાંચ એપ્રેન્ટિસને નિમણૂંકપત્રો એનાયત કર્યા હતા, હડમતાળાના મજૂર એસોસીએશને એકત્ર કરેલા રૂ. એક લાખ એકાવન હજાર મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ ’’મુખ્યમંત્રીશ્રી રાહત નિધિ’’માં સગૌરવ સ્વીકાર્યા હતા. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા બની વિશ્વ સ્તરે ગોંડલનું નામ રોશન કરનાર ચાર બાળકોનું મુખ્યમંત્રીશ્રીએ શિલ્ડ એનાયત કરી યથોચિત સન્માન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ મુખ્યમંત્રીશ્રીનું પુષ્પગુચ્છ તથા સ્મૃતિચિહન વડે બહુમાન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીની લોકકલ્યાણ-લક્ષી કાર્યવાહી ઉજાગર કરતી ડોકયુમેન્ટ્રીનું પણ આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું.

ધારાસભ્ય તથા પૂર્વ મંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલ પ્રાસંગિક પ્રવચનમાં સૌરાષ્ટ્રવાસીઓના ખમીરની પ્રશંસા કરી હતી. અને રાજયસરકાર દ્રારા અમલમાં મુકાયેલી વિવિધ લોકકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી આપી, આ યોજનાઓનો લાભ લેવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના હડમતાળા ગામ ખાતે રૂ. ૩૫ લાખના ખર્ચે  નિર્માણ પામેલા પોલિસ સ્ટેશન લોકલ  ક્રાઇમ બ્રાંચની ફિલ્ડ ઓફિસનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રીશ્રીએ નવનિર્મિત પોલિસ સ્ટેશનની વિઝિટરબુકમાં નોંધ પણ કરી હતી. કાર્યક્રમ સ્થળે આવી પહોંચેલા મુખ્યમંત્રીશ્રીનું એસ.આર.પી.બેન્ડની સુરાવલિઓ તથા હડમતાળાના ઉર્ધોગપતિઓએ પુષ્પગુચ્છ થકી વિશિષ્ટ સ્વાગત કરાયું હતુ. મુખ્યમંત્રીશ્રીએ એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્યોશ્રી ગોવિંદભાઇ પટેલ, તથા લાખાભાઇ સાગઠિયા, ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી ગોપાલભાઇ શીંગાળા, ગોંડલ ન.પા. પ્રમુખશ્રી અશોકભાઇ પીપળિયા, જેતપુર ડાઇંગ એસો.ના પ્રમુખશ્રી રાજુભાઇ હીરપરા, પૂર્વ ધારાસભ્યશ્રી જયરાજસિંહ જાડેજા તથા ડો. ભરત બોધરા, અગ્રણીશ્રી જેન્તીભાઇ ઢોલ, ડી.કે.સખિયા, શ્રી નલિન ઝંવેરી, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, ડી.અઇ.જી.શ્રી સંદિપસિંહ, રાજકોટ ગ્રામ્યના પોલિસ અધિક્ષકશ્રી બલરામ મીના, પ્રાંત અધિકારીશ્રી રાજેન્દ્રસિંશહ રાયજાદા, અગ્રણી ઉદ્યોગપતિઓ, હડમતાળા ઇન્ડ. એસો.ના સભ્યો, ગ્રામજનો, વગેરે ઉપસ્થિત રહયા હતા.

 

સોનલ/બાદી

Source: Information Department, Gujarat