ખેલ મહાકુંભના પગલે ગુજરાતે છેલ્લા ત્રણ વર્ષમાં વિવિધ રમતમાં ૭૦૦ જેટલા મેડલ મેળવ્યા

Posted on 11, Oct 2019

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનોમાં રમતગમત પ્રત્યે રસ રૂચિ વધે અને તેની સાથે સાથે રમતનું કૌશલ્ય બહાર આવે તેમજ રાજ્યના યુવાનો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં ખેલ મહાકુંભના પગલે  ગુજરાતના યુવાનો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેમનું રમત સામર્થ્ય પુરવાર કરી શક્યા છે એમ તેમણે ઉમેર્યું હતું

મુખ્યમંત્રીશ્રીએ આજે અમદાવાદ ખાતે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને ક્લેરિસ ગ્રુપના ઉપક્રમે યોજાયેલા ટી- ટ્વેન્ટી સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ટુર્નામેન્ટમાં યમાંથી ૫૬ જેટલી ટીમો ભાગ લઈ રહી  છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ  રાજયમાં ખેલ મહાકુંભ શરૂ કર્યો હતો. પ્રતિવર્ષ અંદાજે ૪૦ લાખ જેટલા યુવાનો – રમતવીરો તેમાં સહભાગી થાય છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ૩૮૦ ગોલ્ડ, ૨૦૮ સિલ્વર અને બ્રોન્ઝ મળી કુલ ૭૦૦ જેટલા મેડલ મેળવ્યા છે તે જ પુરવાર કરે છે કે ખેલ મહાકુંભના પગલે ગુજરાતની રમત પ્રતિભા બહાર આવી છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફૂટબોલ રમતનું વિશેષ મહત્વ છે ત્યારે ગુજરાતમાં પણ આ રમત વિકસે અને રાજ્યના ખેલાડીઓ તેમાં અગ્રેસર બને તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ ટુર્નામેન્ટના આયોજન બદલ તેમણે આયોજકોને અભિનંદન આપ્યા હતા .

કલેરિસ ગ્રુપના ચેરમેન શ્રી અર્જુન હાંડાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની શારીરિક ક્ષમતા ખીલે અને પ્રતિભા બહાર આવે તે માટે આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે તેમણે ટુર્નામેન્ટની વિગતો આપી હતી.

આ પ્રસંગે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રેસિડન્ટ એડીટર શ્રી હરીત મહેતા, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચિવ શ્રી સી.વી.સોમ, કર્ણાવતી ક્લબના પ્રેસિડન્ટ શ્રી જયેશભાઇ મોદી તેમજ ફૂટબોલના યુવા ખેલાડીઓ વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat