ભુજ ખાતે રૂ.૧૨૫ કરોડના ખર્ચે સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમૂહૂર્ત

Posted on 08, Dec 2019

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ છેવાડાના ગરીબ માનવીને આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સરકારે નવી હેલ્થ પોલીસી બનાવી છે જેમાં જે કોઇ સંસ્થા સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ શરૂ કરે તેમાં ૨૫ ટકા સબસીડી રાજય સરકાર દ્વારા આપવામાં આવશે. ઉપરાંત હોસ્પિટલની વ્યવસ્થા અને વ્યવસ્થિત ચલાવવા માટે પણ આર્થિક સહયોગ પ્રદાન કરશે તેમ જણાવ્યું હતું.

ભુજ ખાતે શ્રી કચ્છી લેવા પટેલ એજયુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત રૂ.૧૨૫ કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ થનાર શ્રી કે.કે.પટેલ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલના કાર્યક્રમનું ખાતમૂહૂર્ત કર્યા બાદ સંબોધી રહયાં હતાં.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, અગાઉ મેડિકલ કોલેજોમાં ફકત ૯૦૦ સીટ હતી આજે ૫૫૦૦ સીટોનું નિર્માણ કરીને ડોકટરોની ખાધ પૂર્ણ કરવા સરકારના પ્રયત્નો ચાલુ છે ત્યારે સરકાર જે રીતે દર્દીઓને ‘‘મા અમૃતમ’’ જેવી યોજના થકી મફત સારવાર આપી રહી છે તેવી રીતે આ સંસ્થા પણ આ દિશામાં વિચારે.

કચ્છમાં ભૂકંપ, વાવાઝોડું, દુષ્કાળ જેવી અનેક આફતોમાં પણ કચ્છનું ખમીર ડગ્યુ નથી, કચ્છી પટેલ સમાજ, દિલદાર, ભોળા મહેનતું અને સ્વબળે આગળ આવ્યા છે અને વતનનો પોકાર સાંભળીને આરોગ્ય ક્ષેત્રે જે સુવિધા ઉભી કરવા જઇ રહયાં છે તે આવકારદાયક પગલું છે આ ઈશ્વરીય અને સારું કામ છે સરકારે કરવાનું કામ કોઇ સંસ્થા કરે છે તેમાં રાજય સરકાર ચોકકસ સહાયરૂપ થશે. આ હોસ્પિટલમાં નિર્માણમાં દાતાઓ અને અન્ય રીતે મદદરૂપ થનાર સૌને મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યાં હતાં.

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે કચ્છીઓ અને બિનનિવાસી કચ્છીઓ દ્વારા સાહસિકવૃતિથી રોજગારધંધા અને ઉદ્યોગોના વિકાસમાં પોતાનું યોગદાન આપી ગુજરાતના પ્રગતિશીલ જિલ્લા તરીકે કચ્છને પણ સ્થાન અપાવ્યું હોવાનું જણાવ્યું હતું. અંધારીયા ખંડ તરીકે ઓળખાતા આફ્રિકા ખંડમાં પણ પરસેવો પાડીને કચ્છ જિલ્લાની આગવી ઓળખ ઊભી કરી છે. કચ્છીમાડુઓએ પોતાના સાહસ અને ખમીરથી ગુજરાતનો શીરમોર જિલ્લો બનાવ્યો છે.

દાતાઓ અને શ્રેષ્ઠીઓના સહયોગથી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના નિર્માણની સાથે કચ્છ જિલ્લામાં આરોગ્યની સેવાઓ વધુ સુગમ બનશે તેવો નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ હોસ્પિટલના નિર્માણથીકચ્છમાં આરોગ્ય સેવાઓ ઘર આંગણે પ્રાપ્ત થશે. આ હોસ્પિટલ ફક્ત પટેલ સમાજ માટે જ નહીં પરંતુ તમામ ૨૧ લાખ કચ્છીઓને પણ આરોગ્ય  સેવા પ્રાપ્ત થશે તેમ પણ વધુમાં તેમણે જણાવ્યું હતું.

ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંતશ્રી ધર્મનંદનદાસજીએ આશીર્વચન પાઠવી કચ્છ પટેલ સમાજ વધુને વધુ સેવાઓના કામો કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યુ હતુ. ઉપરાંત મુખ્યમંત્રીશ્રી તથા નાયબ મુખ્યમંત્રીશ્રીએ મુખ્ય દાતાશ્રી કે.કે.પટેલ પરિવારજનોનું વિશેષ બહુમાન કર્યુ હતું.

આ પ્રસંગે અન્ન નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણના રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિર, બિન અનામત આયોગના ચેરમેનશ્રી હંસરાજભાઇ ગજેરા, કચ્છ-મોરબી લોકસભા વિસ્તારના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા,જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી લક્ષ્મણસિંહ સોઢા, ધારાસભ્ય સર્વશ્રી ડૉ. નિમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રધ્યુમનસિંહ જાડેજા,સંતોકબેન આરેઠીયા, ખોડલધામ ટ્રસ્ટના નરેશભાઇ પટેલ, હોસ્પિટલના મુખ્યદાતાશ્રી કાનજીભાઇ કુંવરજીભાઇ વરસાણી, જિલ્લા કલેકટરશ્રી એમ.નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રભવ જોશી, પશ્ચિમ કચ્છ પોલીસ વડાશ્રી સૌરભ તોલંબીયા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રવાસન નિગમના ડિરેક્ટરશ્રી કેશુભાઇ પટેલ,પૂર્વ ગૃહરાજ્ય મંત્રીશ્રી અને લેઉઆ પટેલ સમાજના આગેવાન ગોરધનભાઇ ઝડફિયા, અગ્રણી મુકેશભાઇ ઝવેરી, દિલીપભાઇ ત્રિવેદી, ભુજ નગરઅધ્યક્ષા લતાબેન સોલંકી, વેલજીભાઇ રામજીભાઇ પીંડોરીયા, હરીશભાઇ ભંડેરી, ગંગારામભાઇ રામાણી, રમેશભાઇ ચૌધરી, ગોપાલભાઇ ગોરસીયા, કેશરાભાઇ, કચ્છ જિલ્લા ભાજપના અગ્રણીઓ, વિવિધ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat