સુરત મહાનગરમાં રૂ. ૧૦૮૨ કરોડના વિવિધ પ્રકલ્પોની ડિજીટલ અનાવરણવિધિ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

Posted on 31, Aug 2019

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં વિકાસની ગતિશીલતા સાથે પર્યાવરણની ખેવના કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા સ્પષ્ટપણે કહ્યું કે રાજ્યના દરેક શહેરોમાં “અર્બન ફોરેસ્ટ” ઊભા કરી હરિયાળા નગરો-મહાનગરો બનાવવા છે.

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે સિમેન્ટ-કોન્ક્રિટના જંગલો વચ્ચે વસતા શહેરોમાં આવા અર્બન ફોરેસ્ટ શુદ્ધ હવા અને પર્યાવરણ પ્રિયતામાં વૃદ્ધિ કરે તેવી આપણી નેમ છે.

મુખ્યમંત્રીશ્રીએ સુરત મહાનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના રૂ. ૯૭૧ કરોડના કામો સહિત રૂ. ૧૦૮૨ કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતાં.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યના પ્રત્યેક પરિવારના ‘ઘરના ઘર’ના સ્વપ્નને સાકાર કરવાં પાકા મકાનની છત્રછાયા મળે તે માટે રાજય સરકાર સંકલ્પબદ્ધ છે, ત્યારે વિકાસની નવી વ્યાખ્યા આપનારા ગુજરાતે ઘરવિહોણા પરિવારો માટે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાખો આવાસોની પારદર્શક ફાળવણી કરી છે.

તેમણે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોન વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.૨૮૨.૨૨ કરોડના ખર્ચે નિર્મિત થનાર કેટેગરી EWS-2 ના કુલ ૩૯૫૧ આવાસોની કોમ્પ્યુટરાઈઝડ ડ્રો દ્વારા ફાળવણી તથા રૂ.૧૭૫.૫૧ કરોડના ખર્ચે નવનિર્મિત આવાસોનું લોકાર્પણ, લાભાર્થીઓને ચાવી અર્પણવિધિ તેમજ રૂ.૫૧૩.૬૧ કરોડના ખર્ચે નિર્મિત થનાર આવાસોનું ખાતમુહૂર્ત અને રૂ.૧૧૦ કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત તકતીઓની અનાવરણ વિધિ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશના પ્રત્યેક પરિવારને ઘરનું ઘર મળે તેવા પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્નને સાકાર કરવાના અભિયાનમાં સૂર પૂરાવતાં રાજ્ય સરકારે પાકા અને સુવિધાયુક્ત આવાસોનું નિર્માણ કરવાં જવાબદારીભર્યા પ્રયાસો કર્યા છે.

ભૂતકાળની સરકારોમાં મહાનગરપાલિકાઓ માટે વિકાસકીય ગ્રાન્ટ પ્રાપ્ત કરવી દુષ્કર હતી, જ્યારે વિકાસને વરેલી વર્તમાન સરકારે શહેરી વહીવટીતંત્રને પ્રજાના સપના-આશા અને આકાંક્ષાઓને પૂરી કરી શકે તેવા વિકાસકાર્યો કરવાની, સ્વતંત્ર નિર્ણયો લેવાની છૂટ આપી છે. પરિણામે શહેરોમાં આવાસીય સુવિધાઓ સહિત રોડ, વિજળી, પાણી, ડ્રેનેજ, શિક્ષણની લોકભોગ્ય સુવિધાઓમાં અનેકગણો વધારો થયો હોવાનું મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું.

શ્રી વિજયભાઈએ રાજ્યની નગરપાલિકાઓમાં વપરાયેલા ટ્રીટેડ વોટરનો પુનઃ ઉપયોગ થાય તેવું અસરકારક આયોજન આ વર્ષના અંત સુધીમાં પાર પડશે એમ જણાવતાં ગુજરાતને પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગની હિમાયત કરી રાજ્યને પાણીદાર બનાવવાની નેમ પણ વ્યક્ત કરી હતી.

રાજયની ૪૫ ટકા વસ્તી મહાનગરોમાં વસવાટ કરતી હોય ત્યારે અર્બન ડેવલપમેન્ટને ધ્યાને રાખી ગટર, રસ્તા, પાણી જેવી તમામ સુવિધાઓ તરફ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. રાજયની ૧૬૨ નગરપાલિકાઓ, ૧૦ થી ૧૫ હજારની વસ્તી ધરાવતા ગામડાઓમાં ડ્રેનેજ સહિતની સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સુવિધા ઉભી કરી વપરાયેલા પાણીનો ફરીવાર ઉપયોગ થાય તે દિશામાં રાજય સરકાર મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે તેની ભૂમિકા તેમણે આપી હતી.

દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સ્થાન જાળવી રાખવા બદલ મુખ્યમંત્રીશ્રીએ સુરતવાસીઓ અને પાલિકાને અભિનંદન આપતા કહ્યું કે, સ્માર્ટ સિટી બનવા તરફ પ્રયાણ કરી રહેલા સુરતમાં ઝુંપડપટ્ટીઓનું પ્રમાણ ખુબ ઘટ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ વિકાસની સાથે પર્યાવરણની ચિંતા કરીને ૧૦ કરોડ વૃક્ષોના વાવેતરના નિર્ધાર સાથે ‘‘ગ્રીન ગુજરાત કલીન ગુજરાત’’ના મંત્ર સાથે હરિયાળુ સુરક્ષા કવચ ઉભુ કરવા અંગેની ભૂમિકા આપતા જણાવ્યું કે, શહેરોમાં લીલાછમ જંગલોનું નિર્માણ થાય તેવી આપણી નેમ છે. ધુમાડાઓ બંધ કરીને ઈલેકટ્રિક બસો, ઈ-વાહનોનો વધુને વધુ ઉપયોગ કરીને સ્વચ્છ અને પ્રદુષણમુકત વાતાવરણનું નિર્માણ થાય તે માટેની આગેવાની ગુજરાત લેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો

૨૦૨૨ સુધીમાં બે લાખ મકાનોની અગાશીઓ પર રૂફટોપ યોજના હેઠળ સોલાર પેનલો મૂકી ૩૦ હજાર મેગાવોટ ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવાની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે એમ તેમણે કહ્યું હતું.

આ પ્રસંગે આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે રાજય સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રીની આગેવાની હેઠળ ૬૦૦થી વધુ જનહિતલક્ષી નિર્ણયો લઈને ફાસ્ટટ્રેક સરકારની અનુભૂતિ આમ જનતાને કરાવી છે. ભ્રષ્ટાચારની નાબુદી માટે તમામ વિભાગોની કામગીરી ઓનલાઇન કરી છે, જેના કારણે ભ્રષ્ટાચારની બારીઓ બંધ કરીને ઈમાનદારી પૂર્વકના નિર્ણયો રાજય સરકારે લીધા હોવાની વિગતો મંત્રીશ્રીએ આપી હતી.

મેયરશ્રી જગદીશભાઈ પટેલે જણાવ્યું હતું કે, દુનિયાના તેજીથી વિકસતા શહેરોમાં સુરત અગ્રેસર છે ત્યારે વિકાસની સાથે તાલ મિલાવીને મહાનગરપાલિકાએ ૧.૧૨ લાખ જેટલા ગરીબ પરિવારોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કર્યું છે.

આ પ્રસંગે ગુજરાત મ્યુ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી, સાંસદ શ્રીમતિ દર્શનાબેન જરદોશ, શ્રી સી.આર.પાટીલ, ધારાસભ્ય સર્વશ્રી પૂર્ણેશભાઈ મોદી, હર્ષ સંઘવી, મુકેશભાઈ પટેલ, વિનોદભાઈ મોરડીયા, વિવેકભાઈ પટેલ, અરવિંદ રાણા, કાંતિભાઈ બલર, પ્રવીણભાઈ ઘોઘારી, મ્યુ.કમિશનરશ્રી એમ.થેન્નારસન, પોલીસ કમિશનર શ્રી સતિશ શર્મા, જિલ્લા કલેકટર શ્રી ડો. ધવલ પટેલ, પાલિકાના વિવિધ સમિતિઓના અધ્યક્ષશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, આવાસો મેળવનાર લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat