‘યંગ ગુજરાત-ન્યુ ઇન્ડિયા યુવા ઉદ્યોગ સાહસિકોના આઇડીયાઝ, ઇનોવેશનના એક્સપીરીયન્સ શેરીંગનો નવતર કાર્યક્રમ

Posted on 29, Nov 2018

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના યુવા ઉદ્યોગ સાહસિકો યંગ એન્ટરપ્રેનીયોર્સના સામર્થ્યને નિખાર આપવા ‘વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ’ નો નવો વિચાર અમલમાં મૂકવાની નેમ વ્યક્ત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પરંપરાગત બીબાંઢાળ વ્યવસાયની સાથે હવે સમય સાથે ચાલીને નવી પ્રોડક્ટ અને નવા ઇનોવેશનથી ગુજરાતને વિશ્વની સ્પર્ધામાં અગ્રેસર બનાવવું છે.

જો સમય સાથે નહિં ચાલીએ તો આપણે પાછળ રહી જશુ એવો સ્પષ્ટ મત તેમણે દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદમાં યંગ ગુજરાત ન્યુ ઇન્ડિયા તહેત રાજ્યના યુવા ઉદ્યોગ  સાહસિકો સાથે રસપ્રદ વાર્તાલાપ-ઇન્ટરેક્શન કરીને તેમના નવા વિચારો જાણવાનો અભિનવ ઉપક્રમ યોજ્યો હતો.

આના પરિણામે રાજ્યની ઔદ્યોગિક વિકાસ યાત્રા સહિત સર્વગ્રાહી વિકાસને વેગ મળશે અને વાયબ્રન્ટ સમિટ સાથે નવી ઇકોનોમીને બુસ્ટ મળશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ ડાયલોગ અને વૈચારિક આદાન-પ્રદાનનો સિલસીલો સરકાર ચાલુ રાખશે.        સરકારનું મન ખુલ્લું છે અને સુચારૂ સૂઝાવને આવકારીને યોગ્ય પ્રક્રિયા કરીશું.

આ યુવાશક્તિ જ નવી સોચ, નવા વિચારો, નવા આવિષ્કારો સાથે નયા ભારત – ન્યુ ઇન્ડિયા માટે ‘યંગ ગુજરાત ન્યુ ઇન્ડિયા થી શેપિંગ એ ન્યુ ઇન્ડિયા’ ના ધ્યેય સાથે અવ્વલ રહે એવું આહવાન તેમણે કર્યું હતું.

ટેકનોલોજી અપગ્રેડેશન અને ડીઝીટલ ઇકોનોમી તથા ઇન્ટેલીજન્સી સાથે જૂની પરંપરાઓનો સમન્વય સાધી પરિવર્તનની લહેર ચલાવવી જ પડશે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.

જૂની પેઢીનો અનુભવ અને નવી પેઢીની પરિવર્તન આહલેકનો સમન્વય કરવો એ હવે સમયની માંગ છે.

આજે મોનોપોલીનો જમાનો નથી અને વૈશ્વિક હરિફાઇનો માહોલ છે ત્યારે રાજ્યના યુવા સાહસિકોના આઇડીયાનો અમલ કરીને ઔદ્યોગિક વિકાસના નવા આયામો પ્રસ્થાપિત કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્ય સરકારે ‘પોલીસી ડ્રિવન્સ’ ને પ્રાધાન્ય આપ્યું છે તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પેટ્રોલપંપોના લાઇસન્સ રિન્યુઅલ પ્રથા દૂર કરી છે. જી.ડી.સી.આર., એન.એ ઓનલાઇન શરૂ કર્યું છે. આ બધા નિર્ણયો કરીને રાજ્યમાં  ઉદ્યોગ ને મોકળાશ આપી છે. મહેસૂલી નિયમોને સરળ અને ઓનલાઇન કર્યા છે.

પાણી, વીજળી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવી પાયાની સવલતો પણ ત્વરાએ ઉપલબ્ધ થઇ જાય છે. એમ. એસ. એમ. ઈ. સેક્ટરને પણ પ્રોત્સાહન આપી યુવા રોજગારીના અવસર આપ્યા છે.

આ બધાને કારણે ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટિમેન્ટ બન્યું છે અને તમારા જેવા યુવા સાહસિકો તેને વધુ ઉજ્જવળ બનાવશે. સરકાર આ માટે તમારી સાથે છે એમ તમણે કહ્યું હતું.

આજની કોન્કલેવમાં યુવા સાહસિકોના નવા વિચારોને આવકારી તેના પરિણામલક્ષી અમલ માટે રાજ્ય સરકારનું મન ખુલ્લું છે એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતમાં આપણે નવી પોલીસીઝ અને સરળીકરણ લાવ્યા છીએ. હવે જમીન માટે ઓન લાઈન પરમિશન મળે છે.

મુખ્ય સચિવ ડો.જે એન સિંહે જણાવ્યું હતું કે વિશ્વ આજે  ઈન્ડસ્ટ્રીયલાઇઝેશન ૪.૦  તરફ ડગ માંડી રહ્યું છે.

આવનારા સમયને ધ્યાનમાં રાખીને ઉદ્યોગ સંચાલન માટે નવા આયામો નિર્માણ કરીને નયા ભારતનું નિર્માણ શેપિંગ આ ન્યુ ઇન્ડિયામાં ગુજરાતના યુવા ઉદ્યોગકારોના યોગદાનને આપણે મોટા પાયે જોડવું છે..

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘ દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વમાં ભારત નવા સીમા ચિન્હો પ્રસ્થાપિત કરી રહ્યું છે.

ઘરેલુ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં ૩જા સ્થાને પહોંચ્યું છે તેની પણ વિગતવાર ભૂમિકા મુખ્ય સચિવે આપી હતી.

તેમણે કહ્યું કે, રાજ્યના યુવા ઉદ્યોગ સાહસિકો માટે પણ વિશાળ તકો રહેલી છે. મેગા ઇન્ડસ્ટ્રીઝ અને એમ. એસ. એમ. ઈ. ભારતના ઔદ્યોગિક વિકાસના પાયા છે ત્યારે રાજ્યના ઉદ્યોગોની વિકાસ કુચે આ પાયાને વધુ મજબૂત બનાવ્યા છે.

ડો.સિંહે જણાવ્યું કે, રાજ્યના યુવા ઉદ્યોગ સાહસિકો માટે ગુજરાત સરકારે અનેક મહત્વના નિર્ણયો કર્યા છે.

રાજ્ય સરકાર યુવા ઉદ્યોગ સાહસિકોને પુરતી તકો અને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે એટલું જ નહીં એગ્રીકલ્ચર રૂરલ ડેવલપમેન્ટ સહિત સર્વગ્રાહી વિકાસને પ્રાધાન્ય આપી ઉદ્યોગકારો માટે પણ પોઝિટિવ એટીટ્યુડ  ધરાવે છે.

તેમણે આ યુવા ઉદ્યોગકારો આવનારા દિવસો માં ગુજરાત ને  વિકાસ ના નવા સીમાચિહ્નો પાર કરાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ઉદ્યોગ અગ્ર સચિવ શ્રી મનોજ કુમાર દાસે ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ખ્યાતિ પામ્યું છે અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ નું સુચારુ વાતાવરણ ગુજરાતમાં છે તે જ  યુવા ઉદ્યોગકારો ને રાજ્ય માં ઇનોવેશન માટે પ્રેરિત કરે છે તેની વિશદ છણાવટ કરી હતી.

રાજ્યભરના યુવા ઉદ્યોગ સાહસિકો, એમ.એસ.એમ.ઇ. ક્ષત્રે કાર્યરત યુવાનો આ કોન્કલેવમાં જોડાયા હતા.

આ કોન્કલેવમાં અરવિંદ લિમિટેડ, અદાણી ગ્રુપ, ક્લેરીસ ગ્રુપ, ટોરેન્ટ જેવા પ્રતિષ્ઠિત ઉદ્ોગ ગૃહોની યુવા પેઢીના ઉદ્યોગ સંચાલકોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.

આ ઈન્ટરએક્શન મીટમાં નાણાં ના અધિક મુખ્ય સચિવ શ્રી અરવિંદ અગ્રવાલ, જી.એ.ડી.ના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતા સીંઘ તેમજ ઉદ્યોગ કમિશનર, પ્રવાસન અગ્ર સચિવ, આઇ.ટી અગ્રસચિવ અને જી.આઇ.ડી.સી.ના એમ.ડી. સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા.

Source: Information Department, Gujarat