ધોરડો ખાતે દેશના વિવિધ રાજ્યના પ્રવાસન સચિવોની અખિલ ભારતીય પરિષદને ખુલ્લી મુકતા મુખ્યમંત્રીશ્રી

Posted on 14, Feb 2020

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ દેશના રાજ્યના પ્રવાસન સચિવોની અખિલ ભારતીય પરિષદને ખુલ્લી મુકતા સ્પષ્ટપણે જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની એક ભારત – શ્રેષ્ઠ ભારત તથા દેશની એકતા અખંડિતતાની સંકલ્પના સાકાર કરવામાં ગુજરાતે પ્રવાસન –  ટુરીઝમના માધ્યમથી લીડ લીધી છે.

મુખ્યમંત્રીશ્રીએ ભારત સરકારના પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કચ્છના સફેદ રણ ધોરડોમાં યોજાઇ રહેલી પ્રવાસન સચિવ શ્રીઓની ત્રિદિવસીય પરિષદનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી પ્રહલાદસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનવ સંસ્કૃતિની સદીઓ પુરાણી સભ્યતા – સંસ્કૃતિને ઉજાગર કરતા પુરાતત્વીય સ્થળોનો વિકાસ થાય તે માટે વડાપ્રધાનશ્રી દ્વારા દેશના પાંચ સ્થળો પૈકી ગુજરાતમાં આવેલા લોથલ અને ધોળાવીરા આઇકોનિક સ્થળ તરીકે પ્રસ્થાપિત થાય તે માટે બજેટમાં વિશેષ જોગવાઇ પણ કરવામાં આવી છે.

ધર્મ – સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે રાષ્ટ્રીય એકતાના ઇતિહાસને પણ પ્રવાસનથી વિશ્વ સમક્ષ ઉજાગર કરવા પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી કેવડિયામાં સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનારા દેશના દરેક રાજ્યના નાગરિકોને અહીં એક અને અખંડ ભારતની પ્રતીતિ થતી રહે તે માટે યુનિટી વોલ અને ભારત ભવનથી પણ પ્રવાસન પ્રવૃત્તિને નવો વેગ મળ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રવાસનનો વિકાસ માટે અનેક શક્યતાઓ રહેલી છે, જેને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક – ઐતિહાસિક સ્થળોના વિકાસની સાથે છેલ્લા ત્રણ વર્ષથી માધવપુર ઘેડ પંથકમાં રુક્ષ્મણી અને શ્રીકૃષ્ણ વિવાહને ઉજાગર કરતા ઉત્સવની ઉજવણી થકી પ્રવાસનને વેગ આપવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.

કચ્છમાં પર્યટનના થયેલા વિકાસનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિના કારણે ભૂકંપ બાદ ધ્વસ્ત થયેલા કચ્છમાં આવેલા પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરતા સ્થળોનો વિકાસ કરી કચ્છના સફેદ રણને દુનિયા સમક્ષ ઉજાગર કરી પર્યટનના માધ્યમથી કચ્છને બેઠું કર્યું છે. જેના કારણે કચ્છ આજે સવાયુ કચ્છ બન્યું છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ હંમેશા કહે છે કે, ટુરિઝમમાં ત્રણ ટી નો સમાવેશ થાય છે. જેમાં ટ્રેડિશન, ટેલેન્ટ અને ટ્રેડ આ ત્રણેય બાબતો પ્રવાસનને વેગ આપવા માટે અતિ આવશ્યક છે. શ્રી મોદીજીએ ગુજરાતની સંસ્કૃતિઓ અને પરંપરાઓને પ્રવાસન સાથે જોડીને રાજ્યમાં ટુરિઝમને એક નવો માર્ગ ચીંધ્યો છે.

આ પ્રસંગે કેન્દ્રીય પ્રવાસન રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલે જણાવ્યું હતું કે, કચ્છનું રણ એ ધરતી ઉપરનું સ્વર્ગ છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈની નીતિ – નિયત અને પુરુષાર્થ થકી કચ્છનું આ સ્થળ આજે પર્યટન ક્ષેત્રે સ્વર્ગ બન્યું છે. પર્યટનની સાથે અહીંની સંસ્કૃતિ લોકો સમક્ષ ઉજાગર થાય અને રોજગાર વધે તે માટેના પ્રયાસો થકી અહીંની જમીન જે રીતે તકદીર બદલાય છે, તેવી જ રીતે આગામી દિવસોમાં કચ્છના અન્ય વિસ્તારોની તકદીર અને તસવીર બદલાશે તેવી અપેક્ષા પણ તેમણે આ તકે વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ગુજરાતના પ્રવાસન મંત્રીશ્રી જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાત પાસે લાંબો દરિયા કિનારો, વિશાળ રણ, વાઈલ્ડ એસ સેન્ચ્યુરી ડુંગરાળ પ્રદેશ તથા અનેકવિધ ધાર્મિક – રક્ષિત સ્મારકો આવેલા છે. આ બધા જ સ્થળો પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. રાજ્ય સરકારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન સાથે ગુજરાતને પર્યટન ક્ષેત્રે આગળ લઈ જવા આગવા પ્રયાસો કર્યા છે, જેના પરિણામે ગુજરાત આજે પર્યટન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે.

આ પ્રસંગે ગુજરાતના અગત્યના પ્રવાસન સ્થાનો પર ઇનોવેટિવ અને ડેકોરેટિવ લાઇટિંગ તથા લાઇટ એન્ડ સાઉન્ડ શો માટેની કન્સલટન્સી સર્વિસ અંગે ભારતીય પ્રવાસન નિગમ અને રાજ્ય પ્રવાસન નિગમ વચ્ચે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમા આઈ.ટી.ડી.સી. ના એમ.ડી. શ્રી કમલા વર્ધન રાવ અને ગુજરાત ટુરિઝમના એમ.ડી. જેનુ દેવન વચ્ચે એમઓયુનો કરાર કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે રાજ્ય મંત્રીશ્રી વાસણભાઈ આહિર, સાંસદશ્રી વિનોદ ચાવડા, ભુજ ધારાસભ્યશ્રી નીમાબેન આચાર્ય, ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, ભારત સરકારના પ્રવાસન વિભાગના સેક્રેટરીશ્રી યોગેન્દ્ર ત્રિપાઠી, ગુજરાતના  પ્રવાસન વિભાગના સેક્રેટરીશ્રી મમતા વર્મા, મેનેજિંગ ડિરેક્ટરશ્રી જૈનુ દેવન, સહિત વિવિધ રાજ્યોના પ્રવાસન વિભાગના સેક્રેટરીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat