સાબરકાંઠા જિલ્લાના વદરાડ ખાતે ભારત-ઇઝરાયેલના સહયોગથી તૈયાર થયેલા સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ ખાતે પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ઇઝરાયલના વડા શ્રીયુત બેન્જામીન નેતાન્યાહુએ પ્રગતિશીલ ખેડુતો સાથેના સંવાદ દ્વારા તેમની સાફલ્યગાથા જાણી હતી. ભારત-ઇઝરાયલની સહભાગીદારી અને કૃષિ ક્ષેત્રે ઇન્ડો-ઇઝરાયલના સહકારના ૨૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. ખેડુતોએ આ સેન્ટર ઓફ એક્સલન્સથી કૃષિ-આર્થિક ક્ષેત્રે આવેલા પરિવર્તનને દોહરાવ્યું હતું.
પ્રાંતિજ તાલુકાના મામરોલી ગામના વતની ઘનશ્યામભાઇ પટેલે જણાવ્યું હતું કે અગાઉ હું પરંપરાગત અને ચીલાચાલુ પધ્ધતિથી ખેતી કરતો હતો. સેન્ટર ઓફ એક્સલન્સની મુલાકાત અને તાલીમથી ધરૂ ઉછેર દ્વારા ઓફ સીઝન પાક લેવાનું શરૂ કર્યુ અને ઉનાળાના દિવસોમાં પણ કોબી અને ફલાવર ઉત્પાદિત કરી બજારમાં મુક્યા. તેઓ કહે છે કે મેં એક હેકટર જમીનમાં ધરૂ દ્વારા ખેતી કરીને વર્ષે રૂ.દોઢ કરોડની કમાણી કરી છે.
હિંમતનગરના મયુર પટેલને બિયારણનો વેપાર છે. આ વેપારને કારણે તેઓ ઘણાં દેશોમાં ફર્યા છે. ઘણી નર્સરીની મુલાકાત લીધી છે પરંતું આ કેન્દ્રની મુલાકાતને કારણે બિયારણ ઉત્પાદનમાં ટેકનોલોજીના ઉપયોગને જાણવા મળ્યો. તેઓ કહે છે કે ’’ અહીં તાલીમ મેળવીને મે અધતન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા નર્સરી શરૂ કરી અને મને છ મહિનામાં રૂ. ૩૦ લાખનો ફાયદો થયો.’’
આવું જ વિજાપુર તાલુકાના માઢી ગામના ખેડુત રાકેશ પટેલ કહે છે તેઓ જમીનમાં કયારા બનાવી પરંપરાગત પધ્ધતિથી ધરૂ ઉછેર કરતા પણ આ સેન્ટર ઓફ એક્સલન્સની તાલીમ અને ટેકનોલોજીના જ્ઞાન દ્વારા સોઇલ લેસ કલ્ચર પધ્ધતિથી દોઢ હેકટરમાં ધરૂ ઉછેર્યા અને વર્ષે રૂ. એક કરોડ ચાલીસ લાખનું ટર્ન ઓવર કર્યુ.
પ્રાંતિજ તાલુકાના મોટીદાઉ ગામના સરોજબેન પટેલ પરંપરાગત ખેતી કરતા હતા. આ સેન્ટરની મુલાકાત બાદ અહીંની ગ્રીન હાઉસ ટેકનોલોજી જેવી અનેકવિધ કૃષિ પધ્ધતિની જાણકારી મેળવી. સરોજબેને ખીરા કાકડી અને ગલગોટા જેવા સામાન્ય પાકનું પણ આધુનિક ટેકનોલોજીની મદદથી ઉત્પાદન શરૂ કર્યુ અને સૌના આશ્વર્ય વચ્ચે એક એકરમાંથી તેમણે વર્ષે રૂ.૧૦ લાખનું ઉત્પાદન મેળવ્યું. તેઓ કહે છે ’’ખેડુતોએ અને ખાસ કરીને મહિલા ખેડુતોએ અધતન કૃષિ ટેકનોલોજી વિશે જાણકારી મેળવી આગળ વધવું જોઇએ’’.
નર્મદા જિલ્લાના ગંગાપુરના કરીયાભાઇ વસાવાએ પણ નર્સરીમાંથી તાલીમ મેળવી મરચાં-રીંગણ-કોબી ફલાવરની પ્લગ નર્સરી કરી અને ૨૫ લાખ જેટલું વળતર મેળવ્યું. તેઓ પણ કહે છે કે હવે ટેકનોલોજીની માહિતી દ્વારા ખેડુતોએ પ્રગતિશીલ બનવું પડશે.
આથી એક ડગલું આગળ પ્રાંતિજ તાલુકાના મામરોલી ગામના ખેડુત શ્રી સમીરભાઇ પટેલે જયારે આ સેન્ટરમાં તાલીમ મેળવી ૧૨ એકર જમીનમાં ફ્લાવરનું વાવેતર કરીને ૪૯૦ ટનનું ઉત્પાદન મેળવ્યું અને ૪૫ લાખ રૂપિયાનું ટર્ન ઓવર કર્યુ ત્યારે અન્ય ખેડુતમિત્રોએ પણ તેમની જેમ જ આધુનિક ખેતીનો રાહ અપનાવવા તૈયારી દર્શાવી.
ખેડુતોની આ કૃષિ પ્રગતિને સાંભળીને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ઇઝરાયલના પ્રધાનમંત્રીશ્રી નેતાન્યાહુએ ધરતીપુત્રોના પ્રગતિશીલ અભિગમને બિરદાવ્યો હતો.
Source: Information Department, Gujarat