Latest News

વાપી તાલુકાના ૨પ ગામોની રૂા.૧૧૬ કરોડની પાણી પુરવઠા યોજનાનું ખાતમૂહૂર્ત

મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનમાં  ગુજરાતની જનતા જનાર્દનનો પરસેવો એળે નહી જાય, જળ અમૃત બનીને ગુજરાતની પ્‍યાસી ધરતીને તૃપ્‍ત કરશે એમ દઢવિશ્વાસ પુર્વક જણાવ્‍યું હતું.

મુખ્‍યમંત્રીએ વલસાડ જિલ્લાના વાપી ખાતે સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ તળાવ ઊંડા કરવાની કામગીરી દરમિયાન પુજા-અર્ચના કરી, શ્રમિકોને સુખડી અને છાસનું વિતરણ કર્યું હતું. તેમણે વાપી તાલુકાના ૨પ ગામોને આવરી લેતી રૂા.૧૧૬.૪૨ કરોડની પાણી પુરવઠા યોજનાનું પણ કરાયા ખાતે ભુમિપુજન કર્યું હતું. રાજય આદિજાતિ મંત્રી રમણલાલ પાટકર પણ આ અવસરના ભાગીદાર બન્‍યા હતા.

મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, ભારતમાં સૌથી મોટું જળ અભિયાન છે, સરકાર સાથે રાજયની જનતા જનાર્દનની ઇચ્‍છા શકિત જોડાયેલી છે. જળ અભિયાન જન અભિયાન બન્‍યું છે. લોકભાગીદારી સાથે ગુજરાતની ધન્‍ય ધરાને સંતુષ્‍ઠ કરવાની અભિયાન ઉપાડયું છે, સરકાર કયારેય પાછી પાની નહીં કરે.

સુદઢ અને સમૃદ્ધ ગુજરાતનું નિર્માણ કરવું એ રાજય સરકારની પ્રાથમિકતા છે. વોટબેંકની રાજનીતિ નહી, પરંતુ  સામાજિક જનચેતના સાથે રાજયની જનતાની સેવા કરવાની નેમ લીધી છે. ગુજરાતને સુજલામ સુફલામ બનાવવાની સાથે ભાવી પેઢી બને તેવા નિશ્વય અને પ્રતિબધ્‍ધતા સાથે સરકારી આગળ વધી રહી હોવાનું મુખ્‍યમંત્રીશ્રીએ વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું હતું.

સુજલામ સુફલામ જળસંચય અભિયાનમાં ગુજરાતમાં લોકભાગીદારી દ્વારા થઇ રહેલા કાર્યોની મુખ્‍યમંત્રીશ્રીએ સરાહના કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, ૧ લી મેથી શરૂ થયેલા અભિયાનમાં ૪૬૦૦ જેસીબી, ૧પ હજાર ડમ્‍પર અને ટ્રેકટર સરકાર સાથે સ્‍વૈચ્‍છિક સંગઠનો જોડાયા છે. મનરેગા યોજના હેઠળ  ત્રણ લાખથી વધુ શ્રમિકોને રોજગારીનો અવસર મળ્‍યો છે. વર્ષો પછી તળાવો, ખેતલાવડી, વન તલાવડીઓમાં ૧૧ હજાર લાખ ઘનફૂટ પાણીની સંગ્રહશકિતન લક્ષ્યાંકનો નિર્ધાર મુખ્‍યમંત્રીશ્રીએ વ્‍યકત કર્યો હતો. ૧૩ હજાર તળાવોને ઊંડા કરવાની સાથે સાડા પાંચ હજાર નહેરની સફાઇ થઇ રહી છે.

સુજલામ સુફલામ સમાપન સમારોહ ૩૧ મીના રોજ યોજવાની મુખ્‍યમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્‍યું કે રાજયના તમામ જિલ્લામાં મા નર્મદાના પવિત્ર જળ વડે પુજન-અર્ચન કરીને ગુજરાતની ધરતી પાણીદાર બને અને ભુતકાળના દુષ્‍કાળના ઓછાયા દૂર થાય તે માટે ધરતીમાતાની પુજા થશે.

ગુજરાતની જનતાની પીવાના પાણીની મુશ્‍કેલી ન રહે તે માટે સરકારે સુનિશ્વત આયોજન  થયું છે. વાપી તાલુકાના ૨પ ગામોને રૂા.૧૧૬.૪૨ કરોડના ખર્ચે પીવાના પાણીની સુવિધામાં વધારો થશે, એમ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

વહીવટીતંત્ર દ્વારા મુખ્‍યમંત્રીશ્રીનું પાઘડી પહેરાવીને સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

વલસાડના સાંસદ ડો. કે.સી.પટેલે જણાવ્‍યું હતું કે, ગુજરાત વિકાસના પંથે જઇ રહ્યું છે. જળસંચય અભિયાન એ ઐતિહાસિક નિર્ણય સાથે રાજય સરકારનું ક્રાંતિકારી પગલું છે. આવનારા ભવિષ્‍યને ખ્‍યાલ રાખીને જળઅભિયાનનું પગલું આવકારદાયક છે.

પારડીના ધારાસભ્‍ય શ્રી કનુભાઇ દેસાઇએ જણાવ્‍યું હતું કે, સમગ્ર ગુજરાતમાં જળઅભિયાન કાર્ય થઇ રહયું છે. આફતને અવસરમાં પલટાવવાની કુનેહ દર્શાવી છે. જળસંચયનું આ લોકભાગીદારી સાથે ભગીરથ કાર્ય છે.

સુજલામ સુફલામ જળસંચય અભિયાન કાર્યક્રમ અવસરે વલસાડ ધારાસભ્‍ય ભરતભાઇ પટેલ, ધરમપુર ધારાસભ્‍ય શ્રી અરવિંદભાઇ પટેલ, અગ્રણી કિરણબેન પટેલ, બરોડા પાણી પુરવઠા ઝોન-૧, ના ચીફ એન્‍જિનયર ભરતભાઇ પટેલ, કરાયા ગામના સરપંચ શીતલબેન પટેલ સહિત મહાનુભાવો, ગામજનો જોડાયા હતા.

વલસાડ કલેકટર સી.આર.ખરસાણે સૌને આવકારી વલસાડ જિલ્લામાં થઇ રહેલા ૭પ૨ કામોની રૂપરેખા આપી હતી. જયારે આભારવિધિ જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇએ આટોપી હતી.

Source: Information Department, Gujarat