Latest News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં શિબિરના આયોજનને આખરી ઓપ અપાયો

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલી ગુડ ગવર્નન્સની ઉજ્જવળ પરિપાટીને આગળ ધપાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

આગામી તા.૧૯ થી ર૧ મે દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે યોજાશે રાજ્ય સરકારની દસમી ચિંતન શિબિર

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન ર૦૦૩ થી ‘‘ચિંતન શિબિર શરૂ કરાવી છે

આ વર્ષની ચિંતન શિબિરમાં પાંચ જેટલા વિષયો પર જૂથચર્ચા

મુખ્યમંત્રીશ્રી-મંત્રીઓ-વરિષ્ઠ સચિવો-સનદી અધિકારીઓ સહિત ર૩૦ જેટલા લોકો શિબિરમાં જોડાશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ તથા વરિષ્ઠ સચિવશ્રીઓ, વહીવટી, સનદી અધિકારીઓની ત્રિદિવસીય ચિંતન શિબિર આગામી તા.૧૯ થી ર૧ મે-ર૦ર૩ દરમ્યાન કેવડિયા SoU ખાતે યોજાશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ ચિંતન શિબિરની ૧૦મી શ્રેણીનો પ્રારંભ તા.૧૯ મી મે ર૦ર૩, શુક્રવારે કેવડીયા ખાતેથી કરાવશે.

રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ, મુખ્ય સચિવશ્રી તેમ જ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ, મુખ્ય સલાહકાર સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવશ્રીઓ, સચિવો, અગ્ર સચિવો તથા જિલ્લાના કલેક્ટર-ડી.ડી.ઓ., મહાનગરોના કમિશ્નરો, ખાતાના વડાઓ એમ કુલ મળીને ર૩૦ જેટલા લોકો આ ત્રિ-દિવસીય ચિંતન શિબિરમાં જોડાશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આગામી ચિંતન શિબિરના આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન ર૦૦૩થી આ ચિંતન શિબિરની પરંપરા શરૂ કરાવેલી છે.

આ ચિંતન શિબિરની શૃંખલા ગુડ ગવર્નન્સની અનુભૂતિ છેક છેવાડાના માનવીને થાય તેવી સુચારૂ વહીવટી પ્રક્રિયાઓ, નવા વિચારો અને સામુહિક ચિંતન અભિવ્યક્તિના આશયથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી :શરૂ થઈ છે.

ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો દરરોજ સવારે યોગ અભ્યાસ સત્રથી પ્રારંભ થશે.

આ 10મી ચિંતન શિબિરમાં પાંચ મુખ્ય વિષયવસ્તુ સાથેના ચર્ચાસત્રો-ગ્રુપ ડિસ્કશન્સ યોજાશે. તેમાં આરોગ્ય અને પોષણ, શહેરીકરણ અને માળખાકીય વિકાસ, સરકારી અને તમામ સ્વાયત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતાનિર્માણ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો તેમ જ ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય અને ક્ષમતાનિર્માણને આવરી લેવાશે, શિબિરમાં સહભાગી થનારા અધિકારીઓના પ્રત્યેક ગ્રુપમાં 45 એમ પાંચ ગ્રુપમાં ચર્ચાસત્રોમાં જોડાશે અને પોતાના નિષ્કર્ષ-ભલામણો પ્રસ્તુત કરશે. એટલું જ નહીં, વિવિધ વિષયોના તજજ્ઞો આ સત્રોમાં પ્રેરક માર્ગદર્શન આપશે.

આ ત્રિ-દિવસીય ચિંતન-શિબિર દરમિયાન શિબિરાર્થીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ આકર્ષણો અને સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસેલિટીઝની મુલાકાત, લાઈટ એન્ડ સાઉન્ડ શો નિદર્શન તેમ જ નર્મદા આરતીમાં સહભાગીતાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ દ્વારા આ ચિંતન શિબિરના સમગ્ર આયોજનના સુચારુ સંચાલન માટેની વ્યવસ્થાઓ અંગે પણ બેઠકમાં ચર્ચા-પરામર્શ હાથ ધરવામાં આવ્યા હતા.

મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા સહિત વરીષ્ઠ અધિક મુખ્ય સચિવશ્રીઓ, અગ્ર સચિવશ્રીઓ અને સચિવશ્રીઓ આ બેઠકમાં જોડાયા હતા.

Source: Information Department, Gujarat