Latest News

ગુજરાતના શિક્ષકો સાથેના અનુભવો રાષ્ટ્રીયસ્તરે નીતિ ઘડતરમાં મારા માટે દિશાદર્શક બન્યા છે: વડાપ્રધાનશ્રી

    -: અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું ૨૯મું દ્વિવાર્ષિક રાષ્ટ્રીય અધિવેશન, ગાંધીનગર :-

    -: વડાપ્રધાનશ્રી :-

    • હું આજીવન વિદ્યાર્થી છું
    • માતા-પિતા તરીકે જેવું શિક્ષણ તમને તમારા બાળક માટે જોઈએ છે, તેવું જ શિક્ષણ શિક્ષક તરીકે તમારા વિદ્યાર્થીને પણ આપો
    • શિક્ષક એ એવી વ્યક્તિ છે, જેની સાથે બાળક પરિવાર પછી સૌથી વધુ સમય વીતાવે છે
    • નવી શિક્ષણ નીતિ અનુસાર માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણનો સૌથી વધુ ફાયદો નાનાં ગામડાંઓના શિક્ષકો-વિદ્યાર્થીઓને થશે
    • માત્ર નોકરી માટે નહીં, પરંતુ મનથી આજીવન શિક્ષક બનીને વિદ્યાર્થીને રોજ કંઈક નવું આપવાનું છે
    • નવી શિક્ષણનીતિ પર્સનલ અને પ્રોફેશનલ અભિગમ સાથે લર્ન-અનલર્ન અને રિ-લર્નનો અવસર આપે છે
    • ટેક્નોલૉજીથી માહિતીનો સાગર મળે છે, પરંતુ સાચા દૃષ્ટિકોણ-ડીપ લર્નિંગ માટે ગુરુ જ દિશા બતાવે છે

    શિક્ષક પોતે જ એક સંસ્કૃતિ છે : શિક્ષક બાળપેઢીના સંસ્કાર ઘડતરથી રાષ્ટ્રનિર્માણ કરનારા ભાવિ પેઢીના વિશ્વકર્મા છે : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

    વડાપ્રધાનશ્રીએ ગુણવત્તાયુક્ત શિક્ષણક્ષેત્રે નવી કેડી કંડારી છે : કેન્દ્રીય મંત્રીશ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા

    નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ દેશના ભવિષ્યના ઘડતરમાં મહત્ત્વનો ફાળો આપશે : શ્રી રામપાલ સિંઘ

    ——————
    વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃતકાળમાં વિકસીત રાષ્ટ્ર તરીકે આગળ વધવાના ભારતના સંકલ્પમાં શિક્ષકોની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાવી છે.

    અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના ર૯માં દ્વિવાર્ષિક અધિવેશનનો પ્રારંભ વડાપ્રધાનશ્રીએ ગાંધીનગરના વલાદ થી કરાવ્યો હતો.

    ‘ભારત મેં પરિવર્તનકારી શિક્ષા કે કેન્દ્ર મેં શિક્ષક’ વિષયવસ્તુ સાથે યોજાઇ રહેલા આ અધિવેશનમાં વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં શિક્ષકો સાથેના તેમના અનુભવોને યાદ કરતાં જણાવ્યું કે ગુજરાતના શિક્ષકો સાથેના અનુભવો રાષ્ટ્રીયસ્તરે શિક્ષા નીતિના ઘડતરમાં તેમના માટે દિશાદર્શક બન્યા છે.

    ‘હું આજીવન વિદ્યાર્થી છું’ તેવું ગૌરવભેર જણાવતાં વડાપ્રધાનશ્રીએ શિક્ષકોની મહત્તા દર્શાવતા કહ્યું કે આઝાદીના આ અમૃતકાળમાં વિકસિત રાષ્ટ્ર બનવાના સંકલ્પ સાથે ભારત જ્યારે આગળ વધી રહ્યું છે, ત્યારે તેમાં શિક્ષકોની ભૂમિકા અત્યંત મહત્ત્વની બની રહેવાની છે. દેશ-વિદેશના મહાનુભાવો સાથેના પ્રસંગોની વાત કરતાં તેમણે જણાવ્યું કે વિશ્વના વિવિધ દેશોના રાજપુરુષોએ અનેક વખત તેમના જીવન ઘડતરમાં ગુજરાતના અને ભારતના શિક્ષકોએ મહત્ત્વનું યોગદાન આપ્યું હોવાનું ગર્વભેર જણાવ્યું છે.

    રાષ્ટ્રીયસ્તરે નવી શિક્ષણનીતિ દેશના લાખો શિક્ષકોના અનુભવો અને યોગદાનનો નીચોડ હોવાનું જણાવી વડાપ્રધાનશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના અનુભવો યાદ કરતાં કહ્યું કે આજે ગુજરાતે દેશભરમાં શિક્ષણક્ષેત્રે ટોચનું સ્થાન મેળવ્યું છે, ત્યારે એક સમયે અહીંનો ડ્રોપઆઉટ રેશિયો ૪૦ ટકાની નજીક હતો. જેમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા સૌથી વધુ હતી. જ્યારે આદિવાસી વિસ્તારોમાં વિજ્ઞાનના વિષયો ભણીને ડૉક્ટર કે એન્જિનિયર બનનારા વિદ્યાર્થીઓ નહીંવત હતા. તેની સાથે આજની શિક્ષણનીતિના પરિણામે ડ્રોપઆઉટ રેશિયો ઘટીને ત્રણ ટકાની અંદર આવી ગયો છે, જ્યારે ઉંમરગામ થી અંબાજી સુધી અનેક વિજ્ઞાનશાળાઓ બની છે. જેના પરિણામે અનેક આદિવાસી વિદ્યાર્થીઓ ડૉક્ટર અને એન્જિનિયર બન્યા છે.

    ૨૧મી સદીના બદલાતાં વિશ્વમાં ભારતની શિક્ષા વ્યવસ્થા અને છાત્રાના અભિગમ પરિવર્તનશીલ રહ્યા છે. આ પરિસ્થિતિમાં કેવી રીતે આગળ વધવું એ શિક્ષકો માટે ચિંતનનો વિષય છે. એક સમયે સંસાધનો અને માળખાકીય સુવિધાઓની ઘટ હતી. જે આજે દૂર થઈ છે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓમાં વધેલાં કૂતુહલ અને જિજ્ઞાસા શિક્ષકો માટે પણ પડકારરૂપ બન્યા છે. આજનો ૮-૯ વર્ષનો વિદ્યાર્થી પણ અલગ દૃષ્ટિકોણ અને અભિગમ સાથે શિક્ષકોને પ્રશ્નો પૂછે છે.

    તેમણે ઉમેર્યું કે આજે આપણી પાસે માહિતીના અનેક સ્રોત છે, પરંતુ તેમનો વિવેકપૂર્ણ અને યોગ્ય ઉપયોગ કરવાનું દિશાદર્શન શિક્ષકોએ કરવાનું છે. પરિણામે, શિક્ષકોએ પણ સતત અપડેટ રહેવું અત્યંત જરૂરી છે. શિક્ષકે શિક્ષણ સાથે સ્વયં છાત્રના ગાઇડ અને મેન્ટોર બનવાનું છે અને આ તક નવી શિક્ષણનીતિ પર્સનલ અને પ્રોફેશનલ અભિગમ સાથે લર્ન-અનલર્ન અને રિ-લર્નના માધ્યમથી આપે છે. તેમણે જણાવ્યું કે ટેક્નોલૉજીથી અખૂટ માહિતી મળે છે, પરંતુ આ માહિતીના યોગ્ય ઉપયોગ માટેનો સાચો દૃષ્ટિકોણ શિક્ષક જ આપે છે. એટલું જ નહીં, ડીપ લર્નિંગ દ્વારા લૉજિકલ કન્ક્લુઝન સુધી પહોંચવાનું મહત્ત્વનું કાર્ય પણ ગુરુ જ શીખવે છે અને એટલે જ ૨૧મી સદીમાં શિક્ષકોની ભૂમિકા બૃહદ બની ગઈ છે.

    આ સંમેલનમાં ઉપસ્થિત શિક્ષકોને તેમની ફરજનિષ્ઠા વિશે અવગત કરાવતા વડાપ્રધાનશ્રી મોદીએ કહ્યું કે માતા-પિતા તરીકે આપણે જે શ્રેષ્ઠ શિક્ષણની અપેક્ષા આપણા બાળક માટે રાખીએ છીએ, એવું જ ઉત્તમ શિક્ષણ આપણે પણ આપણા વિદ્યાર્થીને આપવાનું છે. આ જવાબદારી જ આવનારી પેઢીને મજબૂત કરશે. પ્રાથમિક શિક્ષક એ એવી વ્યક્તિ છે, જેની સાથે બાળક પોતાના પરિવાર પછી સૌથી વધુ સમય વીતાવે છે અને તેના આચાર-વિચારમાંથી શીખે છે. ત્યારે ધીરજ, સહાયવૃત્તિ, નિષ્પક્ષતા અને સખ્તાઈની સાથે સ્નેહ જેવા ગુણો વિદ્યાર્થી શિક્ષકમાંથી જોઈને જ શીખશે.

    નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ વિશે વાત કરતાં વડાપ્રધાનશ્રી મોદીએ જણાવ્યું કે ૨૧મી સદીની જરૂરિયાત અનુસાર ટીરિંગ-લર્નિંગના સમાયોજનથી તૈયાર કરાયેલી આ નીતિ પ્રેક્ટિકલ આધારિત છે અને તેના ઘડતરમાં લાખો શિક્ષકોનો પરિશ્રમ સમાયેલો છે. વર્ષો જૂની અંગ્રેજોની શિક્ષણનીતિના સ્થાને આ નીતિમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત માતૃભાષામાં આપવાનું નિયત કરાયું છે. જે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાભદાયી બની રહેશે.

    વડાપ્રધાનશ્રીએ તેમના શિક્ષકો સાથેના વિદ્યાર્થી તરીકેના સંબંધોને યાદ કરતાં જણાવ્યું કે તેઓ આજે પણ તેમના શિક્ષકો સાથે જિવંત સંપર્કમાં છે. ત્યારે શાળાઓના જન્મદિવસ જેવા કાર્યક્રમોના માધ્યમથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવાની જરૂર છે. જેમ રમતવીરો અને તેમના ગુરુ વચ્ચે વ્યક્તિગત અને ગાઢ સંબંધ હોય છે, તેવો જ ઘનિષ્ઠ સંબંધ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે વિકસાવવો પડશે.

    બાળકોની ફિટનેસ અને પોષણના મહત્ત્વની સાથે બંધુત્વ પર ભાર આપતાં શ્રી મોદીએ કહ્યું કે મધ્યાહન ભોજન જેવાં માધ્યમો થકી બાળકોને પોષણક્ષમ ભોજન તો મળે જ છે, પરંતુ માત્ર પેટમાં ભોજન જાય એ જરૂરી નથી, તેમાં ભાવનું પણ મિશ્રણ થાય એ જરૂરી છે. આ માટે આ ભોજનને ભંડારા કે લંગરની ભાવનાથી જોવાની જરૂર છે.

    શિક્ષકો દ્વારા કરવામાં આવતો એક નાનકડો પ્રયાસ પણ સમાજમાં આમૂલ પરિવર્તન આણી શકે છે. ૨૧મી સદીમાં ભારત દેશની મહાન પરંપરા અને ગૌરવને આગળ વધારી નયા ભારતના નિર્માણ માટે શિક્ષકો અગ્રેસર ભૂમિકા નિભાવવા ચિંતન કરે તેમ વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું.

    -: મુખ્યમંત્રીશ્રી :-

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અધિવેશનમાં ઉપસ્થિત દેશભરના શિક્ષકોને સંબોધન કરતા જણાવ્યું કે, શિક્ષણ એક નોબેલ પ્રોફેશન છે, શિક્ષક પોતે જ એક સંસ્કૃતિ છે, શિક્ષકનો દરજ્જો સમાજના દરેક અંગ કરતા નોખો અને વધુ ગરિમામય છે. શિક્ષક બાળપેઢીના સંસ્કાર ઘડતરથી રાષ્ટ્રનિર્માણ કરનારા સેનાની છે. સંસ્કાર-જ્ઞાનનું સંવર્ધન સિંચન કરવાનું ઉમદા કતૃત્વ કરનારા સૌ શિક્ષક ભાવિ પેઢીના વિશ્વકર્મા છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું.

    તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ જ્ઞાનશક્તિ, રક્ષાશક્તિ, જળશક્તિ, ઊર્જાશક્તિ અને જનશક્તિ એમ શક્તિ પંચામૃતના પાયા ઉપર ગુજરાતના સર્વગ્રાહી વૈશ્વિક વિકાસની બૂલંદ ઇમારત ઊભી કરી છે.

    મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારે સ્માર્ટ લર્નિંગ અને સ્માર્ટ સ્કૂલો પર જે વિશેષ ઝોક આપ્યો છે તેની વિગતો આપતા કહ્યું કે, “જ્ઞાનકુંજ” પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની સરકારી શાળાઓમાં ૬૬ હજારથી વધુ ઇન્ટરેક્ટિવ સ્માર્ટ ક્લાસનો વિકાસ અને વધુ ૩૫ હજાર સ્માર્ટ કલાસ વિકસાવવા માટેનું કામ હાથ ધર્યું છે.

    તેમણે ઉમેર્યું કે, ધોરણ ૪ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન અને ગણિત વિષયક સામગ્રી સાથેની લર્નિંગ બાય ડુઈંગ લેબ, ૭૮૦ જેટલી પ્રાથમિક શાળાઓમાં વિકસાવી છે અને ૧ હજાર શાળાઓમાં કામગીરી પ્રગતિમાં છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી અનુસાર ગુજરાતની બધી જ પ્રાથમિક શાળાઓમાં ર૦ર૩-ર૪ ના વર્ષથી બાલવાટિકા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

    મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં પાછલા બે દશકમાં પારદર્શક પદ્ધતિ દ્વારા સવા લાખ જેટલા શિક્ષકોની ભરતી પારદર્શીતાપૂર્વક અને મેરીટના આધારે કરવામાં આવી છે. શિક્ષકોની ભરતીની સાથેસાથે બદલીની સમસ્યાનું પણ સમાધાન લાવી ઓનલાઇન બદલી પ્રક્રિયા અમલી કરી છે.

    મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત સૌ શિક્ષકોને તેમના સામર્થ્ય અને શક્તિના સહારે ઉજ્જવળ ભવિષ્ય નિર્માણથી વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશના અમૃતકાળમાં જ્ઞાનની જ્યોત વધુ પ્રજવલિત કરવાની અપીલ કરી હતી.

    Source: Information Department, Gujarat