Latest News

ગુજરાતની નારી શક્તિની ઓલિમ્પિકમાં પસંદગી બદલ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા

    ગુજરાત રાજ્યના ઇતિહાસમાં ૬૦ વર્ષમાં પ્રથમવાર ગુજરાતના ખેલાડીઓ વિશ્વ કક્ષાની રમત-ગમત સ્પર્ધા ઓલમ્પિક રમતોમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે

    ગુજરાતની નારીશક્તિની સ્પોર્ટસ ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ: ગુજરાતની દીકરીઓ આગામી ટોક્યો ઓલમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં ભાગ લેવા પસંદગી પામી

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની રમતવિરાંગનાઓને અભિનંદન પાઠવ્યા

     ટોક્યો ઓલમ્પિકમાં કૌવત ઝળકાવી અવ્વલ સ્થાન મેળવવા શુભેચ્છાઓ પાઠવી

    ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદના ૬૦ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યના ૬ ખેલાડીઓ આગામી ઓલિમ્પીક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે.

    તા.ર૩મી જુલાઇથી ટોકિયો ખાતે યોજાનારી ઓલિમ્પીક ગેઇમ્સ ર૦ર૧માં ગુજરાતની એકસાથે ૬ નારીશક્તિ – મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે.

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની નારી શક્તિની સ્પોર્ટસ ક્ષેત્રની આ અભૂતપૂર્વ સિદ્ધિ માટે આ છ રમતવિરાંગનાઓને અભિનંદન પાઠવ્યા છે અને ટોક્યો ઓલમ્પિકમાં કૌવત ઝળકાવી અવ્વલ સ્થાન મેળવી ભારત અને ગુજરાતનું નામ રોશન કરવાની શુભેચ્છાઓ પાઠવી છે.

    ગુજરાતની છ દીકરીઓ જેમાં માના પટેલ સ્વિમિંગમાં, એલાવેનિલ વાલારિવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનીસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટન રમતમાં ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિક ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે.

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ ગૌરવવંતી દિકરીઓને પ્રોત્સાહિત કરતાં કહ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભ જેવા આયોજનોને પ્રેરણા આપીને ગુજરાતના યુવાવર્ગને રમત-ગમત ક્ષેત્રે પ્રેરિત કરવાની સુદિર્ઘ નિતી-રિતી ગુજરાતને આપી છે જેના સુખદ પરિણામો મળી રહ્યા છે. છેલ્લા બે દાયકાથી રમત-ગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહન, સહાય અને તાલીમ આપવાની રાજ્ય સરકારની નીતિનું આ પરિણામ છે.

    રાજ્યમાં સ્પોર્ટ્સનું વૈશ્વિકકક્ષાનું માળખું ઉભું કરી ગુજરાતને ઓલમ્પિક સ્પર્ધાઓના આયોજન કરવા સક્ષમ બનાવવાની અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોમ્પિટ કરે તેવા રમતવીરો તૈયાર કરવાની સરકારની નેમમાં આ સિદ્ધિ નવું બળ પુરુ પાડશે.

    અત્રે ઉલ્લેખનિય છે કે, ટોક્યો ઓલમ્પિક -૨૦૨૧ રમતો આ વર્ષે તા.ર૩મી જુલાઇ ૨૦૨૧થી જાપાનના ટોક્યો ખાતે યોજાવાની છે.

    Source: Information Department, Gujarat