Latest News

રાજ્યના ૬૧ લાખ APL-1 પરિવારોને એપ્રિલ માસની જેમ મે માસમાં પણ વિનામૂલ્યે રાશન પૂરું પડાશે

    • સસ્તા અનાજની દુકાનો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ૩૫ લાખ પરિવારોને રાશન પૂરું પડાયું : આવતીકાલે પોપ અપ રાઉન્ડ યોજાશે
    • ૬૧ લાખ કુટુંબો પૈકી ૪૨ લાખ લોકો એટલે કે ૭૦ ટકા પરિવારો લાભાન્વિત : 30 ટકા સુખી-સંપન્ન લોકોએ પોતાનો લાભ જતો કર્યો
    • અમદાવાદ શહેર માટે નવી તારીખો હવે પછી જાહેર કરાશે

    …..

    મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું છે કે કોરોનાની મહામારીમાં કોઈપણ વ્યક્તિ ભૂખ્યું ન સુવે એવો રાજ્ય સરકારનો નિર્ધાર છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ આ માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને ૧લી મે, ગુજરાત સ્થાપના દિનથી રાજ્યના ૬૧ લાખ APL-1 પરિવારોને ૧૦ કિલો ઘઉં, ત્રણ કિલો ચોખા, એક કિલો ખાંડ અને એક કિલો દાળ આપવાની જાહેરાત કરી હતી. તેનો બીજો તબક્કો એટલે મે માસનો જથ્થો પણ એ જ રીતે તમામને વિનામૂલ્યે પૂરો પાડવામાં આવશે.

    તેમણે ઉમેર્યું કે અમદાવાદ શહેર સિવાયના તમામ વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનો પરથી યોગ્ય સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આ જથ્થાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ૩૫ લાખ કુટુંબોએ આ જથ્થો મેળવી લીધો છે અને આજ સાંજ સુધીમાં તમામને પહોંચતો કરી દેવામાં આવશે. જ્યારે તારીખ ૭, ૮, ૯, ૧૦ અને ૧૧ દરમિયાન કોઇ કારણોસર જે કુટુંબો જથ્થો લેવાનું ચૂકી ગયા હોય તેવો માટે આવતીકાલે પોપ અપ રાઉન્ડ પણ યોજવામાં આવશે. અમદાવાદ શહેર માટે આ જથ્થાના વિતરણની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

    શ્રી અશ્વિની કુમારે કહ્યું કે એપ્રિલ માસમાં APL-1 ૬૧ લાખ કુટુંબો પૈકી ૪૨ લાખ કુટુંબોએ આ યોજનાનો લાભ મેળવ્યો હતો એટલે કે ૭૦ ટકા APL-1  પરિવારો લાભાન્વિત થયા હતા. જ્યારે ૩૦ ટકા સુખી-સંપન્ન પરિવારોએ મુખ્યમંત્રીશ્રીની અપીલના કારણે આ જથ્થો જતો કર્યો છે. એ જ ટ્રેન્ડ મે મહિનામાં પણ જોવા મળી રહ્યો છે. એ માટે રાજ્ય સરકારવતી સૌનો આભાર પણ તેમણે વ્યક્ત કર્યો છે.

    Source: Information Department, Gujarat