Latest News

મુખ્યમંત્રીશ્રીની બ્રિટીશ પાર્લામેન્ટના ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગૃપના સદસ્યો સાથે ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક

  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં પ્રો-એક્ટીવ પોલિસી મેકીંગ-ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી એપ્રોચ-રોબસ્ટ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લોજિસ્ટીક્સ ઇન્ફ્રાસ્ટ્રકચરને કારણે ગુજરાત મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે-: મુખ્યમંત્રીશ્રી

  ગુજરાતની સૌર ઊર્જા અગ્રેસરતા સોલાર રૂફટોપ-ગ્રીન ગ્રોથ-વેસ્ટ ટુ એનર્જી અને લોજિસ્ટીક્સ સપ્લાય ચેઇનની સુદ્રઢ વ્યવસ્થાથી પ્રભાવિત થતા બ્રિટીશ પાર્લામેન્ટના ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગૃપના સદસ્યો

  શ્રી ભૂપેન્દ્ર પટેલ :-

  • ગુજરાતમાં વ્યાપાર-ઉદ્યોગ માટે એવું સાનુકુળ વાતાવરણ છે કે અહિં એકવાર પોતાનો વ્યવસાય-ઉદ્યોગ શરૂ કરનારા ગુજરાતમાં જ સ્થાયી થઇ જાય છે અન્ય કયાંય જતા નથી
  • યુ.કે ની બેસ્ટ ગ્લોબલ યુનિવર્સિટીઝને ગિફટ સિટીમાં તેમના કેમ્પસ શરૂ કરવા અનુરોધ
  • વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે આમંત્રણ

  ——————–
  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બ્રિટીશ પાર્લામેન્ટના ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગૃપના ૮ જેટલા પાર્લામેન્ટ્રી મેમ્બર્સની ગાંધીનગરમાં મહત્વપૂર્ણ મુલાકાત બેઠક યોજાઇ હતી.

  આ ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગૃપ યુ.કે ભારત અને ગુજરાત વચ્ચે ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સંદર્ભમાં ભારતની મુલાકાતે છે તે દરમ્યાન ગુજરાત પ્રવાસ અંતર્ગત આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને મળેલા આ ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગૃપમાં બ્રિટીશ પાર્લામેન્ટના કોન્ઝરવેટીવ પાર્ટી, લેબર પાર્ટી, સ્કોટિશ નેશનલ પાર્ટી અને અપક્ષ-ક્રોસ બેંચના મળીને કુલ-૮ મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટનો સમાવેશ થાય છે.

  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની ભૂમિ ગુજરાતમાં આ ડેલિગેશનનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યુ હતું.

  તેમણે ગુજરાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને દિશાદર્શનમાં ગુજરાત દેશના સર્વગ્રાહી વિકાસનું રોલ મોડેલ સ્ટેટ બન્યું છે તેની વિશદ ભૂમિકા આ ડેલિગેશન સાથેની બેઠક દરમ્યાન આપી હતી.

  મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇની વિઝનરી લીડરશીપને કારણે દેશ-વિદેશ સાથે વેપાર-ઉદ્યોગ વ્યાપકપણે વિકસ્યો છે અને ગુજરાત તેમના નેતૃત્વમાં અન્ય રાજ્યો અને રાષ્ટ્રો સાથે હંમેશા ઉષ્માપૂર્ણ સંબંધો માટે તત્પર છે.

  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રો-એક્ટીવ પોલિસી મેકીંગ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી એપ્રોચ તેમજ રોબસ્ટ ઇન્ડસ્ટ્રીયલ અને લોજિસ્ટીક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાપૂર્ણ ગુણવત્તાયુકત સમાજજીવનને કારણે ગુજરાત મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે તેની વિસ્તૃત છણાવટ બ્રિટીશ પાર્લામેન્ટના આ સભ્યો સમક્ષ કરી હતી.

  તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે વેપાર, ઉદ્યોગ, મેન્યૂફેક્ચરીંગ હરેક ક્ષેત્રે ગુજરાત અન્ય રાજ્યો કરતાં આગળ રહેલું છે અને વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે વિદેશી રોકાણોની પહેલી પસંદગીનું રાજ્ય બન્યું છે.

  તેમણે કહ્યું કે, ગુજરાતમાં એવું સાનુકૂળ વાતાવરણ વ્યાપાર-ઉદ્યોગ માટે બન્યું છે કે એકવાર ગુજરાતમાં પોતાનો વ્યવસાય, ઉદ્યોગ શરૂ કરનારા રોકાણકારો પછી ગુજરાતમાં જ સ્થાયી થઇ જાય છે-અન્ય કયાંય જતા નથી.

  મુખ્યમંત્રીશ્રીએ સોલાર તથા વિન્ડ એનર્જી ઉત્પાદનમાં અને ગ્રીન-કલીન ઊર્જામાં ગુજરાત દેશમાં ૧પ ટકા જેટલું યોગદાન આપે છે તેની પણ વિગતો આપી હતી.

  મુખ્યમંત્રીશ્રી સાથેની આ બેઠક દરમ્યાન બ્રિટીશ પાર્લામેન્ટના આ ઓલ પાર્ટી ડેલિગેશનના સદસ્ય સાંસદોએ ખાસ કરીને સોલાર રૂફટોપ, ગ્રીન ગ્રોથ, વેસ્ટ ટુ એનર્જી, સ્ટીલ પ્લાન્ટ સહિત ગુજરાતમાં ઉદ્યોગો માટે કન્ડ્યુસીવ એટમોસ્ફિયર વિશે જાણવામાં ઊંડો રસ દાખવ્યો હતો.

  ગુજરાત પાસે લોજિસ્ટીક્સ ઇન્ફ્રાસ્ટ્રકચર અને સપ્લાય ચેઇનની જે સુદ્રઢ વ્યવસ્થા છે તેનાથી પણ તેઓ પ્રભાવિત થયા હતા અને ગુજરાત ગ્લોબલ ગેટ-વે બની શકે તેમ છે તેવો મત દર્શાવ્યો હતો.

  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ડેલિગેશનના સદસ્યોને ગિફટ સિટીની વર્લ્ડકલાસ સુવિધાઓ અને IFSC, વગેરેની પ્રત્યક્ષ અનૂભુતિ કરવાનો અનુરોધ કર્યો હતો.

  મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ઉચ્ચશિક્ષણની વર્લ્ડકલાસ સુવિધાઓ અને સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઝની વિશેષતાથી પણ આ ડેલિગેશનને માહિતગાર કર્યુ હતું.

  તેમણે આ અંગે વધુમાં ઉમેર્યુ કે, ગિફટ સિટી નજીક ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી યુ.કે ની યુનિવર્સિટી ઓફ એડનબર્ગ સાથેના સહયોગથી આકાર પામી છે.

  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે યુ.કે ની બેસ્ટ ગ્લોબલ યુનિવર્સિટીઝ પણ ગિફટ સિટીમાં પોતાના કેમ્પસ શરૂ કરે તેવો પણ અનુરોધ કર્યો હતો.

  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આકાર પામેલી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતનું આમંત્રણ પણ મુખ્યમંત્રીશ્રીએ આપ્યું હતું.

  નાણાં-ઊર્જા મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ, ઉદ્યોગ અને ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ. જે. હૈદર, ઉદ્યોગ કમિશનરશ્રી સંદિપ સાંગલે, ઇન્ડેક્ષ્ટ-બી ના એમ.ડી. શ્રી ગૌરાંગ મકવાણા સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા અને ચર્ચા-પરામર્શમાં સહભાગી થયા હતા.

  Source: Information Department, Gujarat