મુખ્યમંત્રીશ્રી :-
સાથ-સહકાર અને સેવાના ૧૦૦ દિવસના દસ્તાવેજ-પુસ્તકનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિમોચન
—————–
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના પ્રથમ ૧૦૦ દિવસ પૂર્ણ થવા અવસરે સાથ-સહકાર અને સેવાના ૧૦૦ દિવસ ઉજવણી પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, નાનામાં નાના માનવીને પણ ‘‘આ ગુજરાત મેં બનાવ્યું છે’’ની અનૂભુતિ સાથે વિકાસની મુખ્ય ધારામાં લાવ્યા છીએ. વિકાસનો સંવાહક-સાથીદાર અને સહભાગી બનાવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લીડરશીપ અને દિશાદર્શનમાં ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બન્યું છે તેમાં સૌના સાથ, સહકાર અને પ્રજાની સેવા ભાવના નિહિત છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે ‘ટિમ ગુજરાત’ના પ્રજાવર્ગોને જે વચનો આપેલાં તે મક્કમતાથી પાળી બતાવ્યા છે-જન જન સુધી વિકાસ પહોંચાડયો છે.
‘‘વચન પાળ્યા છે, પાળીશુ ગુજરાતનું માન-સન્માન વધારીશુ’’ એમ સ્પષ્ટપણે જણાવતાં શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાનશ્રીએ કંડારેલા વિકાસ પથ પર અડગ નિર્ણય કર્યાથી આપણે આગળ વધ્યા છીએ.
પ્રજાએ બે દાયકાના વિકાસમાં વિશ્વાસ-ભરોસો મુકીને અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વના સમર્થનથી આ વર્ષ ચૂંટણીઓમાં પ્રચંડ જનસમર્થન આપ્યું છે તેનો આ તકે તેમણે રૂણ સ્વીકાર કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, સમાજના છેવાડાના માનવી અંતિમ છૌરના વ્યક્તિની ચિંતા કરીને આપણે બહુ આયામી વિકાસ આયોજન પાર પાડયા છે. એટલું જ નહિ, પ્રજાહિતમાં કડક નિર્ણયો પણ લીધા છે. ભરતી પરિક્ષામાં ગેરરીતિ આચરનારા અને પેપર લીક કરનારા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહિનું વિધેયક, યાત્રાધામોમાં ગેરકાયદેસરના દબાણો દૂર કર્યા છે તથા દરિયાઇ સુરક્ષા સુદ્રઢ કરી છે અને માદક દ્રવ્યો સામે ઝિરો ટોલરન્સથી પેશ આવી ડ્રગ્સ વિરોધી ઝૂંબેશ પણ સફળતાથી આદરી છે.
આ સરકાર જનસેવાની સંવેદનશીલતાથી સૌના હિતને અહેમિયત આપે છે તેની વિસ્તૃત ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વ્યાજખોરીના દૂષણથી નાના-ગરીબ લોકોને મુક્તિ અપાવવા રાજ્યમાં ૪ હજાર લોકદરબાર યોજ્યા છે અને પી.એમ. સ્વનિધિ અન્વયે રપ૦ કરોડથી વધુની રકમ લોન તરીકે આપી આવા જરૂરતમંદ લોકોને આત્મનિર્ભર બનાવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, આરોગ્ય, શિક્ષણ અને સલામતિ જેવા પાયાના ક્ષેત્રોમાં લોકહિત કામો સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૩૦ હજાર આવાસો, શ્રમિકોના વેતનમાં રપ ટકાનો વધારો, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદાનો વધુ પાંચ લાખ લોકોને લાભ જેવા ગરીબ કલ્યાણલક્ષી નિર્ણયોથી આ સરકારે જે કહેવું તે કરવું ની નેમ સાકાર કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને ડબલ એન્જીન સરકારના બેવડા વિકાસની નવી ગતિ મળી છે તેનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ૧૦૦ દિવસમાં ૯૦ હજાર કરોડ રૂપિયાના ઔદ્યોગિક રોકાણો માટેના એમ.ઓ.યુ થયા છે તેમજ ગ્રીન ગ્રોથને વેગ આપતાં કચ્છમાં ૪૦ હજાર કરોડનો ગ્રીન એમોનિયા પ્લાન્ટ સ્થાપવા માટે પણ એમ.ઓ.યુ થયેલા છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે આગામી પાંચ વર્ષમાં વિકસીત-ઉન્નત-આત્મનિર્ભર ગુજરાતનું વિકાસ વિઝન પ્રસ્તુત કરતાં કહ્યું કે, ભારતને પાંચ ટ્રિલીયન યુ.એસ. ડોલરની ઇકોનોમી બનાવવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પમાં ગુજરાત અગ્રીમ યોગદાન આપવા સંકલ્પબદ્ધ છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતે આવનારા પાંચ વર્ષમાં સર્વગ્રાહી વિકાસનો રોડમેપ પાંચ સ્તંભના આધારે અત્યારથી જ તય કરી લીધો છે. આ પાંચ સ્તંભમાં ગરીબ અને જરૂરતમંદ વર્ગોની પાયાની સુવિધા-સોશિયલ સિક્યુરિટી માટે બે લાખ કરોડની જોગવાઇ બજેટમાં કરી છે.
આ ઉપરાંત હ્યુમન રિસોર્સીસ ડેવલપમેન્ટ માટે ૪ લાખ કરોડ, વર્લ્ડકલાસ ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવા માટે પાંચ લાખ કરોડ, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટરની આર્થિક પ્રવૃત્તિઓના વિકાસ માટે બે લાખ કરોડ અને ગ્રીન ગ્રોથ માટે બે લાખ કરોડ રૂપિયા સુનિશ્ચિત કર્યા છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત નીતિ આયોગના અહેવાલ અનુસાર ફાયનાન્સિયલ મેનેજમેન્ટમાં પ્રથમ ક્રમે છે અને આપણે દેશના જી.ડી.પી માં ૮.૩૬ ટકાના હાલના યોગદાનને ૧૦ ટકાએ લઇ જવા પણ પ્રતિબદ્ધ છીએ.
તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશના અમૃતકાળમાં ગુજરાતના સર્વપોષી, સર્વસમાવેશી અને સર્વસ્પર્શી વિકાસને સૌના સહયોગથી અમૃતમય બનાવવાની નેમ પણ વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ટિમ ગુજરાત તરીકે સરકારના પ્રતિનિધિઓ, અધિકારીઓ-કર્મયોગીઓ સાથે કર્તવ્યરત રહીને વિકાસ યાત્રા અવિરત રાખી અને ગુજરાતનો વિકાસ દેશ અને દુનિયા માટે પથદર્શક બને તેવું પ્રેરક આહવાન પણ કર્યુ હતું.
આ અવસરે સાથ, સહકાર અને સેવાના ૧૦૦ દિવસ પુસ્તિકાનું વિમોચન પણ તેમણે કર્યુ હતું.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદશ્રી સી.આર.પાટિલ, રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને આમંત્રિતો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય સચિવ શ્રી રાજકુમારે આ પ્રસંગે સૌનું સ્વાગત કરતા જણાવ્યું કે વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ ચોક્કસ સમય મર્યાદામાં છેવાડાના માનવી સુધી પહોંચે તેવા ઉદ્દેશ સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સાથ, સહકાર અને સેવાના ૧૦૦ દિવસ અન્વયે લક્ષ્યાંકો સિદ્ધ કરીને વિકાસ પર્વ ઉજવાઇ રહ્યું છે.
રાજ્યના તમામ વિભાગોની પ્રજાલક્ષી વિકાસ યોજનાઓ માટે નીડ બેઝ્ડ પ્લાનીંગથી વિકાસની ખૂટતી કડીઓ અંગે અસરકારક આયોજન કરીને રાજ્ય સરકાર સર્વસમાવેશક વિકાસનો ધ્યેય સિદ્ધ કરવા આગળ વધી રહી છે તેમાં વહીવટીતંત્રના સંપૂર્ણ સહયોગની ખાતરી તેમણે આપી હતી.
રાજ્યના જિલ્લા મથકોએ જિલ્લા કલેકટરશ્રીઓ અને વહીવટીતંત્રના અધિકારીઓએ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
Source: Information Department, Gujarat