મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ લોકશાહીની ચોથી જાગીર – ચોથા આધારસ્તંભ સમા મીડિયા – પત્રકારિતામાં પદાર્પણ કરતાં નવયુવાનોને રાષ્ટ્રહિત – સમાજહિત – લોકહિત મધ્યનજર રાખીને સત્યનિષ્ઠ – મૂલ્યનિષ્ઠ પત્રકારિતા દાયિત્વ નિભાવવાનું પ્રેરક આહવાન કર્યું છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આજના ૨૧મી સદીના મીડિયા – કોમ્યુનિકેશનના યુગમાં વ્યક્તિગત કારકિર્દી સાથે રાષ્ટ્રહિતને કેન્દ્રસ્થાને પણ રાખવું તે સમયની માંગ છે.
આજે એ.એમ.એ. ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમના ૧૦મા પદવીદાન સમારોહમાં મુખ્ય મંત્રીશ્રીએ સંબોધન કરતાં જણાવ્યું કે, આજે પ્રિન્ટ, ઇલેકટ્રોનિક તથા ડિજીટલ મીડિયા ના યુગમાં અનેક નવા અખબારો, ચેનલો આવી રહી છે ત્યારે પત્રકારત્વના ક્ષેત્રમાં આવતા વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક દ્દષ્ટિકોણ સાથેની સમજ સાથે આવે તે જરૂરી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, બુલેટ કરતાં બેલેટમાં વધુ શક્તિ છે પરંતુ આ શક્તિના સ્ત્રોત એવા નાગરિકોને જાગૃત અને સજાગ કરવાની જવાબદારી માધ્યમો નિભાવે તે આજની નિતાંત આવશ્યકતા છે.
લોકોને સાચી વાત, વાજબી તર્કબધ્ધ વાતથી અવગત કરવાની જવાબદારી માધ્યમોની છે ત્યારે આ માધ્યમોના પાયારૂપ પત્રકારોને તૈયાર કરવાની જવાબદારી જર્નાલિઝમનો અભ્યાસ કરાવતી સંસ્થાઓ લોકશાહીના શ્રેષ્ઠ પ્રહરીઓ તૈયાર કરે તે જરૂરી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વિન્સ્ટન્ટ ચર્ચિલના કથન ‘‘ લોકશાહી ખરાબ છે, પરંતુ લોકશાહીથી બીજી એકેય વ્યવસ્થા સારી નથી ’’ ને ટાંકતા તેમણે કહ્યું કે, જ્યારે જગતમાં લોકશાહી સર્વશ્રેષ્ઠ છે ત્યારે લોકશાહીના તમામ અંગો સુમેળથી કાર્ય કરે તો જ તે મજબૂત રીતે આગળ વધી શકે.
મુખ્ય મંત્રીશ્રીએ પત્રકારત્વમાં ઉતીર્ણ વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પત્રકારત્વ વ્યવસાય પ્રત્યેની પ્રતિબધ્ધતાના શપથ પણ લેવડાવ્યા હતા.
ટોરેન્ટ ગ્રુપના ચેરમેન શ્રી સુધીરભાઇ મહેતાએ પત્રકારત્વ એ સર્જનાત્મક ક્ષેત્ર છે અને સર્જનાત્મકતાની કોઇ સીમા હોતી નથી તેમ જણાવી નવા વિચારો સાથે વિદ્યાર્થીઓને આગળ વધવા શીખ આપી હતી.
સંસ્થાના નિયામક શ્રી શિરીષ કાશિકરે સંસ્થાની પ્રવૃત્તિ અને પ્રગતિની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રી પ્રદિપભાઇ જૈન, શ્રી સુનિલભાઇ મહેતા, શ્રી અશ્વીનભાઇ શાહ, શ્રી ભરતભાઇ પટેલ, પત્રકારત્વના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat