પ્રાકૃતિક ખેતી માનવી અને જમીન બંનેનાં સ્વાસ્થ્ય માટે તેમજ ગાયોના સંવર્ધન માટે લાભદાયી – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
-ઃ મુખ્યમંત્રીશ્રી:-
મુખ્યમંત્રીશ્રીનું ગૌશાળા સંચાલકો, ગૌભક્તો તેમજ પાંજરાપોળ સંચાલકો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું
…….
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, પ્રાકૃતિક ખેતી માનવી અને જમીન બંનેનાં સ્વાસ્થ્ય માટે તેમજ ગાયોના સંવર્ધન માટે લાભદાયી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી રાસાયણીક ખાતર અને દવાઓનો ઉપયોગ ટાળી પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ કરીએ.
મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે આયોજિત શ્રી રામ કથા અંતર્ગત ગૌ મહિમા સત્સંગ સભાને સંબોધન કરતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે પ્રાકૃતિક ખેતી અને ગૌ રક્ષણના માર્ગે ચાલવાનું આહ્વાન સૌને કર્યું હતું
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, અલગ-અલગ સમાજ સમુદાય કે વ્યવસાય-વર્ગમાંથી આવતા આપણા સૌનો ધ્યેય એક જ છે. ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ સૌનુ લક્ષ્ય છે. આ લક્ષ્યની પ્રપ્તિ માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સહાયરૂપ થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ખોખરા હરિહર ધામ ખાતે ચાલી રહેલી શ્રી રામ કથાના વક્તાસંત શ્રી મહામંડલેશ્વરી પૂજ્ય મા કનકેશ્વરી દેવીજી ને સમગ્ર ભારતનું નારી ગૌરવરત્ન ગણાવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, માતૃશક્તિના કંઠેથી મર્યાદાપુરૂષોત્તમ શ્રીરામના જીવન ચરિત્રનું કથન અતિ કલ્યાણકારી છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, હનુમાનજીએ માતૃશક્તિની સેવામાં વિરાટરૂપ ધારણ કરી લંકા જલાવી હતી તેથી ૧૦૮ ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા તેમના એ પરાક્રમનું પ્રતિક છે.
મુખ્યમંત્રીશ્રીએ કાર્યક્રમના પ્રારંભે શ્રીરામ કથાના વ્યાસાશન પર સ્થિત પોથીની આરતી ઉતારી તેનું પૂજન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં શહિદવીર પરિવારજનોને ૧-૧ લાખ રૂપિયાની સહાય નિધિના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
ગૌશાળાના નિભાવ માટે રૂપિયા ૬૦૦ કરોડની બજેટમાં જોગવાઇ કરવા બદલ ગૌશાળા સંચાલકો, ગૌભક્તો તેમજ પાંજરાપોળ સંચાલકો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
ગૌ મહિમા સત્સંગ સભામાં નીજાનંદ સ્વામી મહારાજ, ચૈતન્ય શંભુ મહારાજ તથા અન્ય સંતો મહંતો દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતા. આ સભામાં રામકૃષ્ણાનંદજી મહારાજ, ગૌઋષિ દત્તશરણાનંદજી મહારાજ, મહંતશ્રી મુક્તાનંદજી બાપુ, કનીરામદાસ બાપુ, હરિહરાનંદભારતીજી મહારાજ, શેરનાથજી બાપુ, શ્રદ્ધાનંદજી મહારાજ સહિત મોટી સંખ્યામાં સંતો, મહંતો સમગ્ર ગુજરાતમાંથી ગૌશાળા, પાંજરાપોળના સંચાલકો, ગૌભક્તો તેમજ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રાજ્યના ઉદ્યોગમંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા, ધારાસભ્યશ્રી લલીતભાઇ કગથરા, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી કૈલાશવિજયવર્ગીય, પૂર્વ મંત્રી શ્રી જયંતીભાઇ કવાડીયા, સાંસદ સર્વે શ્રી મોહનભાઇ કુંડારીયા, વિનોદભાઇ ચાવડા, પૂર્વ ધારાસભ્ય શ્રી સર્વેશ્રી કાંતિભાઇ અમૃતિયા, બાવનજીભાઇ મેતલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા કલેકટર શ્રી જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરાગ ભગદેવ, પ્રાંત અધિકારી શ્રી ડી.એ. ઝાલા, અગ્રણી સર્વે શ્રી અજયભાઇ લોરીયા, રાધવજીભાઇ ગડારા, મગનભાઇ વડાવીયા વગેરે ઉપસ્થિત રહયા હતા.
Source: Information Department, Gujarat