Latest News

ગાંધીનગર જિલ્લાના સરઢવમાં પ્રભાત ફેરી-ગ્રામસભા-વૃક્ષારોપણ અને શાળાના જન્મદિન ઉજવણીમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતી

આઝાદીનો અમૃત મહોત્સવ

આઝાદીના લડવૈયાઓના ત્યાગ-તપસ્યાના સ્મરણ સાથે હવે ‘‘લીવ ફોર ધ નેશન’’ની પ્રેરણા આપતો રાષ્ટ્ર સેવા ઉત્સવ બન્યો:-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશમાં થઈ રહેલી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અન્વયે ગાંધીનગર જિલ્લાના સરઢવ ગામે ૧રમી એપ્રિલ મંગળવારે વહેલી સવારે પહોંચ્યા હતા અને પ્રભાત ફેરીમાં જોડાઈને ગ્રામજનોના જન ઉમંગમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીશ્રીની આ પહેલને ગ્રામજનોએ વ્યાપક પ્રતિસાદ આપ્યો હતો અને સરઢવના અબાલ વૃદ્ધ સૌ ગ્રામજનો આ પ્રભાત ફેરીમાં ઉમટી પડ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ પ્રભાતફેરી માર્ગમાં લોકો વચ્ચે જઈને તેમની સાથે વાતચીત કરી અભિવાદન ઝીલ્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે ગામોમાં પ્રભાત ફેરી, ગામ તળાવ નિર્માણ અને ગામને ગૌરવ અપાવનારા ગામના વ્યક્તિ વિશેષ, નિવૃત ઉચ્ચ અધિકારીઓ, શિક્ષકોના સન્માન, શાળાનો જન્મદિવસ, વૃક્ષારોપણ સહિતના વિવિધ જનવિકાસ કામો લોકભાગીદારીથી આ જનઉત્સવ અંતર્ગત ઉજવવા માટે જે આહવાન કર્યું છે તેને  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સરઢવના ગ્રામજનો સાથે સાકાર કર્યું હતું.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પશુ આરોગ્ય માવજતને પણ આવરી લેવા પ્રેરણા આપી છે. મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરના સરઢવ પશુ આરોગ્ય કેન્દ્રની પણ આ અન્વયે મુલાકાત લીધી હતી.

પશુઓનું રસીકરણ, સઘન સારવાર, માવજત કરીને ગ્રામીણ અર્થતંત્રના આધાર સમા પશુઓના સ્વાસ્થ્યની કાળજી લેવાના ભાવ સાથે મુખ્યમંત્રીશ્રીએ આ પશુ દવાખાનામાં નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અન્વયે સરઢવના ૧૮૦૦ પશુઓના રસીકરણથી પશુરોગ નિયંત્રણનો પ્રારંભ કરાવ્યો હતો અને આ વેળાએ ગૌ પૂજન પણ કર્યું હતું.

શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રભાત ફેરીના પ્રારંભ પૂર્વે સરઢવના અંબાજી માતા, રણછોડરાય મંદિર સહિતના મંદિરોમાં મંગળા આરતી કરી દર્શન અર્ચન કર્યા હતા અને ગામમાં નવિન આર.ઓ પ્લાન્ટનું પણ લોકાર્પણ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ગામના પ્રગતિશીલ ખેડૂતો જેમણે પ્રાકૃતિક ખેતી  સફળતા પૂર્વક અપનાવી છે તેમનું પણ સન્માન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે ગ્રામજનોને સંબોધન કરતાં કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવના અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇએ વિકાસના ઉત્સવની પ્રેરણા આપણને આપી છે.

મહાત્મા ગાંધીજીએ ગામડાને ભારતનો આત્મા કહ્યો છે ત્યારે સર્વાંગી ગ્રામવિકાસના કાર્યોને આપણે પ્રાથમિકતા આપી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

આઝાદીનો અમૃત મહોત્સવ આવા ગ્રામીણ વિકાસ કામો માટે નવી જનચેતનાનો અવસર બન્યો છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, આઝાદીનો અમૃત મહોત્સવ આપણને હવે લીવ ફોર ધ નેશન દ્વારા દેશ સેવાની પ્રેરણા આપે છે.

તેમણે કહ્યું કે, પાણી, વીજળી, પેટ્રોલ બચાવીને પણ આપણે રાષ્ટ્રસેવા કરી શકીએ તેમ છીયે.

શિક્ષણ મંત્રી શ્રી જિતુભાઇ વાઘાણીએ ગુજરાત દેશના વિકાસનું અને સુશાસનનું જે રોલ મોડેલ બન્યુ છે તેના પાયામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇનું વિઝનરી નેતૃત્વ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની કર્મઠતાનો સમન્વય છે તેમ જણાવ્યું હતું.

તેમણે સુશાસન સપ્તાહ ઉજવીને રાજ્યભરમાં કરોડો રૂપિયાના વિકાસ કામો, આવશ્યક ન હોય તે સિવાયના કામો એફિડેવિટમાંથી લોકોને મુક્તિ, તલાટી દ્વારા આપવામાં આવતા દાખલાની મર્યાદા ત્રણ વર્ષ કરવા જેવા અનેક જનહિતલક્ષી નિર્ણયોની ભેટ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે તેનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી સરઢવ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત માધ્યમિક શાળાના જન્મદિવસની ઉજવણીમાં પણ શાળા સંકુલમાં જઇને જોડાયા હતા અને શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ એવા વરિષ્ઠ નાગરિકો, નિવૃત શિક્ષકો વગેરેનું સન્માન ગૌરવ કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રી સાથે આ અવસરે ધારાસભ્ય શ્રી શંભૂજી ઠાકોર, પૂર્વ મંત્રી શ્રી વાડીભાઈ પટેલ, સરપંચ શ્રી કિરીટભાઈ પટેલ, સંગઠનના પદાધિકારીઓ તેમજ ગામના વરિષ્ઠ અગ્રણીઓ, શાળાના છાત્રો ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Source: Information Department, Gujarat