Latest News

જન ઔષધિ કેન્દ્ર સંચાલકોને જન ઔષધિના વિવિધ પુરસ્કારથી સન્માનિત કરતા મુખ્યમંત્રીશ્રી

  મુખ્યમંત્રીશ્રી :-

  • આરોગ્ય સેવા સહિતની દરેક કલ્યાણ યોજના-જનહિત કાર્યક્રમોમાં નાના માનવી-ગરીબોને કેન્દ્રસ્થાને રાખવામાં આવે છે
  • કલ્યાણ યોજનાઓનો લાભ ૧૦૦ ટકા લાભાર્થીઓ સુધી પહોંચાડવા વડાપ્રધાને સેચ્યુરેશન પોઇન્ટનો અભિગમ અપનાવ્યો છે
  • પ્રધાનમંત્રી જનઆરોગ્ય-‘મા’ યોજનામાં વીમા કવચ રૂપિયા ૧૦ લાખ કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર
  • પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો લાખો પરિવારો માટે સસ્તી-સારી અને ગુણવત્તાયુકત દવાઓ મેળવવાનું સક્ષમ માધ્યમ બન્યા છે

  ———————-

  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, નાનામાં નાના, છેવાડાના, વંચિત કે જરૂરતમંદ સૌના આરોગ્ય સુખાકારીની પ્રતિબદ્ધતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ હોલિસ્ટીક હેલ્થકેરની નવી પરંપરાથી દર્શાવી છે.

  આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગરીબ માનવીને કે મધ્યમવર્ગીય પરિવારોને પાંચ લાખ રૂપિયા સુધીનું આરોગ્યરક્ષા યોજના આયુષ્યમાન ભારત તહેત મળે છે.

  એટલું જ નહિ, જરૂરતમંદ લોકોને સસ્તી અને સારી દવાઓ પણ હવે સરળતાએ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર દ્વારા મળી રહે છે.

  મુખ્યમંત્રીશ્રી જન ઔષધિ દિવસની ઉજવણી અવસરે ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા.

  કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલા તથા આરોગ્યમંત્રી શ્રી રૂષિકેશ પટેલ અને ગાંધીનગરના મેયરશ્રી હિતેશ મકવાણા સહિતના મહાનુભાવો આ અવસરમાં સહભાગી થયા હતા.

  મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં આજે દરેક કલ્યાણ યોજના હોય કે આરોગ્ય સુવિધા સહિતના જનહિતલક્ષી કાર્યક્રમો હોય નાના માનવી, ગરીબોને કેન્દ્રસ્થાને રાખીને જ તેનું આયોજન થાય છે.

  તેમણે જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આવા નાના, છેવાડાના, ગરીબ લોકોને વિકાસની મુખ્યધારામાં લાવવા યોજનાઓના ૧૦૦ ટકા લાભાર્થી કવરેજનો એટલે કે સેચ્યુરેશન લેવલનો અભિગમ અપનાવ્યો છે. મળવાપાત્ર લાભથી કોઇ લાભાર્થી વંચિત ન રહે એવો જનહિત ધ્યેય સેચ્યુરેશન લેવલથી સાકાર થશે.

  શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, કોઇ ગરીબ, મધ્યમવર્ગીય પરિવારોમાં ગંભીર બિમારી આવે એટલે મોંઘી દવાઓના ખર્ચથી બચવા આવા પરિવારો દર્દ સહન કરી લેતા તેવી સ્થિતી હતી.

  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇએ દેશભરમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો શરૂ કરાવીને આવા લાખો પરિવારોને સસ્તી, સારી અને ગુણવત્તાયુકત દવાઓ બજાર કિંમત કરતાં પ૦ થી ૯૦ ટકા જેટલી સસ્તી કિંમતે ઉપલબ્ધ કરાવી છે.

  મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે, વડાપ્રધાને આપેલી સર્વસમાવેશી વિકાસ અને સર્વકલ્યાણની નીતિ રાજ્યની ગૌરવવંતી વિકાસ યાત્રાનો આધાર રહી છે.

  રાજ્ય સરકારે આ વર્ષે પ્રધાનમંત્રી જનઆરોગ્ય-મા યોજના અંતર્ગત પરિવારદીઠ વીમાની વાર્ષિક મર્યાદા બે ગણી એટલે કે પાંચ લાખથી વધારીને ૧૦ લાખ રૂપિયા કરી છે તેની ભૂમિકા પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

  તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં દૂર દરાજના અને છેવાડાના વિસ્તારો સુધી આરોગ્યકેન્દ્રો અને પ્રધાનમંત્રી ભારતીય જનઔષિધ કેન્દ્રોના માધ્યમથી ઉત્તમ આરોગ્ય સારવાર સુવિધાઓ સુલભ બની છે.

  જનઆરોગ્ય સુરક્ષાની આ જ પ્રતિબદ્ધતા વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં જનસહયોગથી આગળ ધપાવી ‘‘સર્વે ભવન્તુ સુખિન, સર્વે સન્તુ નિરામયા’’નો સંકલ્પ ગુજરાતમાં ચરિતાર્થ કરવાની પણ મુખ્યમંત્રીશ્રીએ અપેક્ષા વ્યક્ત કરી હતી.

  આ પ્રસંગે કેન્દ્રીય પશુપાલન મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, લોકોમાં એવી ગેરમાન્યતા છે કે આવી દવાઓ અસરકારક નથી પણ જનરિક દવાઓનો ઉપયોગ ખાલી ભારતમાં જ નહિ પરંતુ અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં પણ થઇ રહ્યો છે .

  ૫૧ જેટલા દેશોમાં જનરિક દવાઓના નિકાસ માટેની માંગ પણ ખુબ જ વધી છે.

  તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારતમાં આજે એવી ઘણી પ્રગતિશીલ ઘટનાઓ બની રહી છે જે વિશ્વના કોઈ ખૂણે બની નથી. એમાંનો જ એક પ્રયોગ એેટલે “પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના” છે.

  તેમણે આ વર્ષના જન ઔષધિ દિવસની ઉજવણીની થીમ ‘સસ્તી પણ-સારી પણ’ અંતર્ગત લોકોમાં જનરિક દવાઓના ઉપયોગનો વ્યાપક પ્રચાર કરવા પણ અનુરોધ કર્યો હતો.

  ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને નજીવા દરે ગુણવત્તાયુક્ત દવાઓ સરળતાથી મળતી થાય તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી દેશમાં જન ઔષધિ કેન્દ્રોનું સુદ્રઢ માળખું ઉભું થયું છે.

  તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૧૪ સુધીમાં દેશભરમાં જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા માત્ર ૯૯ જ હતી, જ્યારે હાલ સમગ્ર દેશમાં ૯૦૦૦થી પણ વધુ કેન્દ્રો કાર્યરત છે.

  માત્ર ગુજરાતમાં જ ૫૧૮ જેટલા જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે, આ કેન્દ્રો પરથી WHO પ્રમાણિત ૧૭૫૦ જેટલી દવાઓ અને ૨૮૦ જેટલી સર્જીકલ સામગ્રી ઉપલબ્ધ છે.

  આરોગ્ય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જન ઔષધિ કેન્દ્રો ઉપર મળતી ગુણવત્તાયુક્ત દવાઓ બજારમાં મળતી બ્રાન્ડેડ દવાઓની સરખામણીમાં ૫૦ થી ૯૦ ટકા જેટલી સસ્તી કિંમતે મળે છે.

  છેલ્લા ૮ વર્ષમાં લોકોને સસ્તી કિંમતે ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ થવાથી દેશના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના દવાના ખર્ચમાં ઘટાડો થયો છે.

  સૌને પોતાની આજુ-બાજુના લોકોને જેનરીક દવાઓ અંગે માહિતગાર કરીને આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત બનાવવાના સંકલ્પને પૂર્ણ કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

  જન ઔષધિ દિવસની આ ઉજવણી અન્વયે મુખ્યમંત્રીશ્રીના હસ્તે જન ઔષધિ કેન્દ્રના સંચાલકોને “જન ઔષધિ સર્વશ્રેષ્ઠ પુરસ્કાર”, “જન ઔષધિ જ્યોતિ પુરસ્કાર” અને “જન ઔષધ મિત્ર” જેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

  રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલે શાબ્દિક સ્વાગત કરીને સૌને જન ઔષધિ પરિયોજનાની વિસ્તૃત માહિતી આપી હતી, તેમજ જી.એમ.એસ.સી.એલ.ના નિયામક શ્રી અજય પ્રકાશે આભારવિધિ કરી હતી.

  આ ઉપરાંત પીએમબીજેપી યોજનાના લાભાર્થી તેમજ જન ઔષધિ કેન્દ્ર સંચાલકે તેમના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

  આ પ્રસંગે આરોગ્ય કમિશનર શ્રીમતી શાહમીના હુસૈન, નેશનલ હેલ્થ મિશનના મિશન ડીરેક્ટર શ્રીમતી રેમ્યા મોહન સહિત વિવિધ પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ, ઔષધિ કેન્દ્રો ચલાવતા ઔષધિ મિત્રો અને મોટી સંખ્યામાં પીએમબીજેપી યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  Source: Information Department, Gujarat