Latest News

વનવાસી ક્ષેત્રે ડાંગમાં દક્ષિણ ગુજરાત પ્રદેશના કૃષિ મહોત્સવનો મુખ્યમંત્રીશ્રીએ પ્રારંભ કરાવ્યો

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વનવાસી ક્ષેત્ર ડાંગમાં દક્ષિણ ગુજરાત પ્રદેશના કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવતાં ડાંગના માજી રાજવીઓ, નાયકો ભાઉબંધોને સરકાર દ્વારા આપવામાં આવતા રાજકીય પેનશન (સાલીયાણા)ની રકમમાં વધારો કરવાની નેમ વ્યકત કરી છે.

    મુખ્યમંત્રીશ્રીએ કૃષિ મહોત્સવ આરંભ સાથે ડાંગમાં વિકાસ પર્વ રૂપે રૂ. ૧૮૮ કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા.

    તેમણે કહ્યું કે, કુદરતી સૌન્દર્ય  અને વિપૂલ વનસંપદા ધરાવતા આ વન પ્રદેશના વન, વન્યજીવોના સંરક્ષણ તથા સંવર્ધન માટે સતત જાગૃત વનવાસી બંધુઓની સમસ્યાઓ પ્રશ્નોનું ત્વરિત નિવારણ લાવવા સરકાર પ્રતિબધધ છે.

    આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે સાપુતારાના વિસ્થાપિતોના પ્રશ્નોનો કાયમી ઉકેલ આવે તે માટે અંદાજે પ૦ કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવીને રોજગાર-વ્યવસાય સહિતના આગવા આયોજન અંગે રાજ્ય સરકાર વિચારાધીન છે.

    મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આદિજાતિ વિસ્તારોમાં આધુનિક ખેતી તથા સિંચાઇ, વીજળી, પીવાના પાણીની જરૂરિયાતો પૂર્ણ કરવાના સઘન કામો આ સરકારે ઉપાડયા છે.

    તેમણે વનવાસી ડાંગ જિલ્લાને ૧૦૦ ટકા ઓર્ગેનિક જિલ્લા તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ સાથે ડાંગ જેવા વનવાસી-ડુંગરાળ વિસ્તારની તમામ જમીન પિયતયુકત બને તે માટે વિશેષ લક્ષ્ય કેન્દ્રીત કરવામાં આવ્યું છે તેની ભુમિકા આપી હતી.

    ગ્રામ્ય વિસ્તારમાં વાડાની જમીન તેનો ભોગવટો ધરાવનાર માલિકના નામે કરવાની દિશામાં રાજ્ય સરકાર પ્રજાભિમુખ અભિગમ સાથે આગળ વધી રહી છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતોની સમૃધ્ધિ માટે વીજળી અને પાણીની બાબતે પણ આ સરકાર સંવેદનશીલતા સાથે કાર્ય કરી રહી હોવાનું જણાવ્યું હતું.

    શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ગૌરક્ષાના કાનૂનને વધુ ધારદાર બનાવવાની સાથે, રાજ્યના તમામ વિસ્તારોમાં દૂર અને ધી ની નદીઓ વહે તે માટે ગૌનસ્લ સુધારવા ક્ષેત્રે પણ અસરકારક કામગીરી હાથ ધરાઇ હોવાનું જણાવ્યું હતું.

    તેમણે ગુજરાતની ભાવિ પેઢીને નશાની પાયમાલીથી બચાવવા માટે ગુજરાત સરકારે નશાબંધી કાયદામાં પણ કડક આમૂલ પરિવર્તન કર્યા હોવાનું જણાવ્યું છે. હાલમાં જ ખાનગી શાળાઓ માટેના ફી નિયમનના કાયદાના અસરકારક અમલીકરણ માટે સરકારની પ્રતિબધધતા તેમણે દોહરાવી હતી.

    શોષિત, પીડિત, વંચિત અને ગરીબ વર્ગ માટે રાજ્ય સરકાર હંમેશા પ્રજાભિમુખ અભિગમ સાથે આગળ રહી છે તેમ જણાવી શ્રી વિજયભાઇ રૂપાણીએ માનવીઓ સહિત રાજ્યના પશુધન માટે પણ આ સરકારે સંવેદના દર્શાવી છે તેમ જણાવ્યું હતું. કૃષિ મહોત્સવ સાથે આયોજિત પશુ આરોગ્ય અને સારવાર મેળાનો ઉલ્લેખ કરીને, મુખ્યમંત્રીશ્રીએ અહી આયોજિત કૃષિ પ્રદર્શનના માધ્યમથી ખેતીલક્ષી અનમોલ જ્ઞાન ખેડુતો, પશુપાલકો અને પ્રજાજનો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે તેમ જણાવ્યું હતું.

    રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ટેકાના ભાવે તુવેર અને મગફળી જેવા ખેત ઉત્પાદનો ખરીદવામાં રાજ્ય સરકારે લીધેલા સમયસરના નિર્ણયને કારણે, ગુજરાતના ખેડૂતોના પરસેવાની કમાણી તેમના પરિવારો સુધી પહોંચી છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ દંડકારણ્યની આ પાવનભૂમિ ઉપર તેમને આવવાનું અને ડાંગી પ્રજાજનોને મળવાનું થયું તે બદલ આભારની લાગણી વ્યકત કરી સૌના કલ્યાણની કામના સાથે, સૌનો સાથ-સૌનો વિકાસ એ વિભાવનામાં સૌને યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

    રાજયના આદિવાસી પ્રજાજનોના ઉત્કર્ષ માટેની શ્રેણીબધ્ધ યોજનાઓ સાથે આગળ વધી રહેલી રાજ્ય સરકાર સાચા અર્થમાં આદિવાસીઓની હિતચિંતક છે તેમ જણાવી આદિજાતિ, વન તથા પ્રવાસન મંત્રી-વ-ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ સરકારના પ્રજાભિમુખ અભિગમને કારણે આજે છેવાડાના માનવીઓ સુધી તેના સૂફળ પહોંચી રહ્યાં છે તેમ જણાવ્યું હતું.

    પ્રાસંગિક ઉદ્દબોધનમાં શ્રી વસાવાએ સેવા સેતુ જેવા કાર્યક્રમોને કારણે છેવાડાના માનવીઓના ઘરઆંગણે વિવિધ સેવાઓ પહોંચાડવાનો સેવાયજ્ઞ શ્રી વિજયભાઇ રૂપાણીની સંવેદનશીલ સરકારે આરંભ્યો છે તેમ જણાવ્યું હતું.

    કૃષિ મંત્રી શ્રી ચીમનભાઇ સાપરિયાએ કૃષિ મહોત્સવના માધ્યમથી છેવાડાના ખેડૂતો અને પશુપાલકોને અમૂલ્ય માર્ગદર્શન મળી રહ્યું છે તેમ જણાવ્યું હતું. શ્રી સાપરિયાએ ગુજરાતના કૃષિ મહોત્સવને પગલે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્તમાન કેન્દ્ર સરકાર, દેશ આખાના કૃષકો માટે કૃષિ મહોત્સવોનું આયોજન કરી રહી છે જે ગુજરાત માટે ગૌરવરૂપ બાબત છે તેમ જણાવ્યું હતું.

    રાજ્ય સરકારના બજેટમાં રૂા. ૮ર કરોડની જોગવાઇ સાથે રાજ્યમાં પ્રથમ ઓર્ગેનિક યુનિવર્સિટીની સ્થાપના માટે સરકારે આગળ વધી રહી છે તેમ જણાવ્યું હતું. કૃષિમંત્રીશ્રીએ ખેડૂતોના હિત માટે રાજ્ય સરકાર અસરકારક પગલાં લઇ રહી છે તેમ પણ ઉમેર્યું હતું. સંસદિય સચિવ શ્રી પૂર્ણેશભાઇ મોદીએ રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાઓને કારણે છેવાડાના માનવીઓના અચ્છે દિન આવ્યા છે તેમ જણાવ્યું હતું.

    સ્વાગત વકતવ્યમાં ડાંગ કલેકટર શ્રી બી. કે. કુમારે ડાંગ જિલ્લાને ત્રણ ત્રણ જિલ્લાના સંયુકત કૃષિ મહોત્સવના આયોજન માટે તક આપવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યકત કરી, દંડકારણ્યની આ પવિત્ર ભૂમિ ઉપર સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

    કાર્યક્રમના અંતે કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામકશ્રી ડો. સુનિલ ચૌધરીએ આભારવિધી આટોપી હતી.

    Source: Information Department, Gujarat