રાજકોટ તા. ૨૨ જુલાઈ – મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટની જૂની કલેકટર કચેરી ખાતે નિર્માણ પામેલ બે માળની અદ્યતન સ્માર્ટ સબ રજિસ્ટ્રાર ઓફિસનો શુભારંભ થયો હતો. મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ તકતી અનાવરણ કર્યા બાદ આ નવનિર્મિત ભવનનું નિરીક્ષણ કર્યું હતું. આ બિલ્ડિંગમાં સબ રજીસ્ટ્રાર ઝોન-૨(મોરબી રોડ), ઝોન-૮(રૂરલ) અને મોડેલ મદદનીશ નોંધણી નિરીક્ષકની કૂલ ત્રણ કચેરીઓ કાર્યરત રહેશે.
જૂની કલેકટર કચેરીના કેમ્પસ ખાતે સબ રજીસ્ટ્રાર ઓફિસમાં નવા બે માળ રૂ. ૩.૫૨ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે, આ કચેરી વેઇટિંગ રૂમ, રેકોર્ડ રૂમ, ઓફિસર ચેમ્બર, સ્ટાફ રૂમ, લિફ્ટ, કોન્ફરન્સ હોલ, વોટર રૂમ, પાર્કિંગ, પુરુષ અને મહિલા વોશરૂમની તમામ સુવિધાઓથી સજ્જ છે. પ્રથમ માળે વેઇટિંગ રૂમ, રેકર્ડ રૂમ અને બીજા માળે કોન્ફરન્સ હોલ, સ્ટાફ રૂમ, એ.આઇ.જી.આર.શ્રી તેમજ નોંધણી નિરીક્ષકશ્રીની ચેમ્બર કાર્યરત થશે.
આ તકે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા અને મહિલા બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, સાંસદ સર્વશ્રી રામભાઈ મોકરીયા અને મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય સર્વશ્રી ડો.દર્શિતાબેન શાહ, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, રમેશભાઈ ટીલાળા, અગ્રણી સર્વેશ્રી ભરતભાઈ બોઘરા, શ્રી મુકેશભાઈ દોશી, શ્રી રાજુભાઇ ધ્રુવ, કલેકટરશ્રી પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, ડીસીપી ક્રાઇમશ્રી પાર્થરાજસિંહ ગોહિલ, ગુજરાત રાજ્યના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રારશ્રી જેનુ દેવાન, ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રારશ્રી આર.એમ. મછાર, આસિસ્ટન્ટ આઇ.આર. શ્રી એચ.એન.પટેલ, રાજકોટ મદદનીશ નોંધણી સબનિરીક્ષકશ્રી અજયકુમાર ચારેલ, પ્રાંત અધિકારીશ્રી કે.જી. ચૌધરી તથા વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat