Latest News

અમદાવાદમાં નવીનીકરણ પામેલ AMTSના હેરિટેજ લાલદરવાજા ટર્મિનસનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ

  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ :-

  • મેટ્રો, બી.આર.ટી.એસ, ઇલેક્ટ્રિક બસ સહિતની આધુનિક પરિવહન સુવિધાઓ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની અમદાવાદને ભેટ
  • ગ્રીન મોબિલિટી માટે વર્તમાન બજેટમાં ૫૦ ઈલેક્ટ્રિક બસો માટે ૨૪ કરોડ રૂપિયાની જોગવાઈ
  • રાજ્ય સરકાર પરંપરાના ગૌરવ અને પ્રકૃતિની જાળવણી સાથે પ્રગતિના સંકલ્પ સાથે કાર્યરત

  રૂપિયા ૮.૮૦ કરોડના ખર્ચે નવનિર્મિત લાલ દરવાજા હેરિટેજ AMTS ટર્મિનસ ૧૧,૫૮૩ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે


  અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવીનીકરણ પામેલા હેરિટેજ લાલ દરવાજા ટર્મિનસના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, લાલ બસ એ અમદાવાદની ઓળખ છે. તેમણે કહ્યું કે, શરીરમાં લાલ રંગના લોહીનું મહત્વ છે, એવું જ મહત્વ શહેરી જીવનમાં આ લાલ બસનું છે.

  દરરોજ દોઢ લાખ જેટલા પ્રવાસીઓની અવર-જવર ધરાવતા આ બસ ટર્મિનસનું નવનિર્માણ હેરિટેજ સિટી અમદાવાદને શોભે એવી હેરિટેજ થીમ પર થયું છે. દેશની આઝાદીના ૭૫ વર્ષ અને AMTSની સ્થાપનાના ૭૫ વર્ષ બેય સુભગ સમન્વય પ્રસંગે તેમણે આનંદ વ્યક્ત કરી સહુને અભિનંદન પાઠવ્યા હતા.

  વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં રાજ્યમાં પરિવહન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો વિશે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, એક સમય હતો કે જ્યારે તૂટેલી ફુટેલી અને કંગાળ હાલત રાજ્યની બસ સર્વિસની ઓળખ હતી પરંતુ ૨૦૦૧ માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિનો સૂર્યોદય થયો અને સમયને અનુરૂપ બદલાવો આવ્યા છે.

  તેમણે કહ્યું કે અમદાવાદના નાગરિકોને લાલ બસથી હટકે મેટ્રો, બી.આર.ટી.એસ, ઇલેક્ટ્રિક બસ સહિતની આધુનિક પરિવહન સુવિધાઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ભેટ છે. આ સુવિધાઓનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, હાલમાં અમદાવાદ શહેરમાં એ.એમ.ટી.એસ.ની ૨૦૦ ઈલેક્ટ્રિક, ૯૦૫ સી.એન.જી અને ૧૩૦ ડિઝલ એમ કુલ ૧૨૩૫ બસ અમદાવાદના લાખો નાગરિકોની સેવામાં કાર્યરત છે.

  અમદાવાદના હૃદય સમા વિસ્તાર લાલ દરવાજા ખાતે રૂપિયા ૮.૮૦ કરોડના ખર્ચે AMTSના હેરિટેજ લાલદરવાજા ટર્મિનસનું નવનિર્માણ કરાયું છે. સમગ્ર પરિસર ૧૧,૫૮૩ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ ટર્મિનસમાં હેરિટેજ બિલ્ડીંગ ૨,૫૮૮ ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર કરાઈ છે. જેમાં ઓફિસ સ્ટાફની બિલ્ડીંગ, પ્રવાસીઓ માટે પાણીની વ્યવસ્થા, કેશ કલેક્શન માટે કેબિન, મીટીંગ હોલ, પ્રવાસીઓ માટે વેઇટિંગ એરિયા, પ્રવાસીઓની સુવિધા માટે પબ્લિક ઇન્ફોર્મેશન સિસ્ટમ, કેમેરા, કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ તથા પ્રવાસીઓને લાલ દરવાજાથી શરૂ થતી અને પસાર થતી બસના સમયની જાણકારી આપવા એલ.ઇ.ડી સ્ક્રીન ઊભી કરવામાં આવી છે.

  રાજ્ય સરકાર પરંપરાના ગૌરવ અને પ્રકૃતિની જાળવણી સાથે પ્રગતિનો સંકલ્પ લઈને કાર્યરત હોવાનું જણાવી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ વર્ષના ઐતિહાસિક બજેટમાં રાજ્ય સરકારે પર્યાવરણપ્રિય વાહનવ્યવહાર માટે ૫૦ ઈલેક્ટ્રિક બસો માટે ૨૪ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

  આ ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિકને ટાળવાની વડાપ્રધાનશ્રીની અપિલનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે,અહીં આજે સી.એસ.આર. હેઠળ ઓટોમેટિક પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીનનું લોકાર્પણ પણ થયું છે, તે પ્લાસ્ટિકથી થતાં પ્રદૂષણને નાથવામાં સરકાર સાથે સમાજની ભાગીદારી દર્શાવે છે.

  ઉલ્લેખનીય છે કે આ મશીન કાંકરિયા અને અટલ બ્રિજ ખાતે મુકવામાં આવનાર છે. જેનાથી પ્લાસ્ટિક બોટલનું રિસાયકલિંગ થશે અને સ્વચ્છતા પણ રહેશે. આ ઉપરાંત હેરિટેજ લૂક સાથે બનાવાયેલા ટર્મિનસ પર ૧૯૪૭થી આજદિન સુધીના અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ઇતિહાસને પ્રદર્શિત કરાયો છે. જેનું નિરીક્ષણ પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.

  આજના સમારોહમાં ડે.મેયર શ્રીમતી ગીતાબેન પટેલે સ્વાગત સંબોધન કર્યું હતું. આ તકે સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રીઓ અમિતભાઇ શાહ, શ્રી બાબુભાઇ જે. પટેલ, શ્રી અમૂલભાઈ ભટ્ટ, ડૉ પાયલબેન કુકરાણી, શ્રી દર્શનાબેન વાઘેલા, શ્રી કંચનબેન રાદડિયા તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, મનપાના દંડક શ્રી અરુણસિંહ રાજપૂત, સત્તાપક્ષના નેતા શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, અમદાવાદ મહાનગરપાલિકા કમિશનર શ્રી એમ.થેન્નારસન, મનપાની વિવિધ સમિતિઓના ચેરમેન, વિવિધ વોર્ડના કાઉન્સિલશ્રીઓ તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

  Source: Information Department, Gujarat