મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાષ્ટ્રના વિકાસ માટે ન્યાયતંત્રની ભૂમિકા અતિ મહત્વની છે. આ માટે
ગુજરાતમાં rule of law પ્રત્યે આદર વધે અને લોકોને ઝડપી ન્યાય થકી રામરાજ્યની કલ્પના સાકાર થાય તે માટે સરકાર કટિબદ્ધ છે.
મુખ્યમંત્રીશ્રીએ આજે રાજકોટ ખાતે અંદાજિત રૂપિયા ૧૧૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર જિલ્લા ન્યાયાલયના આધુનિક
ભવનનું ભૂમિપૂજન કર્યું હતું. તેમની સાથે સુપ્રીમકોર્ટના ન્યાયાધીશશ્રી એમ.આર.શાહ તેમજ હાઇકોર્ટ મુખ્ય ન્યાયધીશશ્રી વિક્રમ નાથ
જોડાયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ન્યાયમંદિરો સમયની સાથે આધુનિક બને અને તેમાં ન્યાય મેળવવા આવતા લોકોને વધુ
સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકારે સમયોચિત ફેરફારો કરી સમગ્ર રાજ્યમાં ન્યાયાલયોના આધુનિક ભવનોનું નિર્માણ કાર્ય
આરંભ્યું છે. જે અન્વયે રાજકોટ જિલ્લા ન્યાયાલયના આધુનિક ભવનના નિર્માણ માટે રૂપિયા ૧૧૮ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
તેમણે સૌરાષ્ટ્રના કેન્દ્ર સમા રાજકોટના થયેલા ઝડપી વિકાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, વિશ્વના ફાસ્ટ ગ્રોઈંગ સિટીમાં
ગુજરાતના રાજકોટ અને સુરત શહેરનો સમાવેશ થયો છે. રાજકોટના વિકાસ માટે નવું એરપોર્ટ, મેટોડા ખાતે નવી જીઆઇડીસી અને
એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ થનાર છે, તેવા યોગ્ય સમયે જિલ્લા ન્યાયાલયના નિર્માણનું યોગ્ય કાર્ય થઈ રહ્યું છે. આ તમામ કાર્યો આવનારા
દિવસોમાં સૌરાષ્ટ્રના વિકાસના દ્વાર ને વધુ મજબૂત બનાવશે, તેવી નેમ પણ તેમણે આ તકે વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વિકાસનો આધાર એ કાયદો વ્યવસ્થા ઉપર નિર્ભર રહેલો છે, ન્યાય તંત્ર મજબુત હશે તો રાજ્ય સુખી
બનશે. આથી જ રાજ્ય સરકાર ન્યાયતંત્રને પૂરતી મદદ કરવા માટે હંમેશા કટિબદ્ધ રહી છે અને રહેશે.
તેમણે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકાસની રાજનીતિના સિધ્ધાંતને
અપનાવી રાજ્ય સરકાર ગુજરાતમાં વિકાસને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા તરફ આગળ વધી રહી હોવાનું પણ જણાવ્યું હતું.
કાયદા મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ પ્રસંગે રાજ્યની તમામ ન્યાયાલયો સહિતની સરકારી કચેરીઓ અદ્યતન ટેકનોલોજી
યુક્ત સુવિધાઓ સાથે નિર્માણ કરવામાં આવી હોવાનું જણાવતા કહ્યું હતું કે, સામાન્ય માણસની સુવિધાઓને રાજ્ય સરકારે હંમેશા પ્રાધાન્યઆપ્યું છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈના નેતૃત્વમાં રાજ્યમાં ન્યાયપાલિકા વધુ સુદઢ બને તે માટે આ વર્ષે બજેટમાં રૂ. ૧૬૮૦ કરોડની
ફાળવણી કરવામાં આવી હોવાનું જ્યારે રૂ. ૧૫૬ કરોડના ખર્ચે રાજકોટ જિલ્લાની તાલુકા અદાલતોને સુવિધાયુક્ત બનાવી હોવાનું પણ
તેમણે ઉમેર્યું હતું.
સુપ્રીમકોર્ટના જસ્ટિસશ્રી એમ.આર.શાહે સમગ્ર દેશમાં ગુજરાતના ન્યાયાલયો આધુનિક અને શ્રેષ્ઠ સુવિધાસભર હોવાનું તેમજ
અહીંનું વાતાવરણ સુયોગ્ય હોવાનું જણાવ્યું હતું. તેમણે ન્યાય પ્રણાલી પર લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે ન્યાયતંત્રને મળેલ સત્તાનો
સદઉપયોગ કરી લોકોને સાચો ન્યાય મળી રહે તેવા ન્યાયતંત્રના અભિગમ ઉપર ભાર મૂકયો હતો.
રાજ્ય હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશશ્રી વિક્રમ નાથે ગુજરાત રાજ્યમાં કાયદો, વ્યવસ્થા, અનુશાસન તેમજ ન્યાય પ્રણાલી શ્રેષ્ઠ
હોવાનું જણાવી રાજકોટ ખાતે અત્યાધુનિક જિલ્લા કોર્ટ ભવન બનતા ફેમિલી કોર્ટ સહિત તમામ કોર્ટ એક જ સંકુલમાં જોડાઈ જશે જેથી
ન્યાય પ્રક્રિયા ઝડપી બનશે તેમજ લોકોની સુવિધામાં વધારો થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
હાઇકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી એસ.એચ.વોરાએ પ્રાસંગિક પ્રવચનમાં લોકોને ઝડપી અને યોગ્ય ન્યાય મળી રહે તેમજ ન્યાય પ્રણાલી
વધુ પ્રભાવી બને તે માટે દિશા નિર્દેશ કર્યો હતો. જયારે સ્વાગત પ્રવચન કરતા રાજકોટ ડીસ્ટ્રીકટ પ્રિન્સિપલ ન્યાયમૂર્તિશ્રી ગીતા ગોપીએ
આધુનિક કોર્ટ બિલ્ડીંગના નિર્માણ માટે પ્રતિબધ્ધતા દેખાડનાર મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માની આવનારા સમયમાં આ કોર્ટ બિલ્ડીંગ શ્રેષ્ઠ સુવિધાઓ પુરી પાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પ્રારંભે મુખ્યમંત્રીશ્રી તેમજ મહાનુભાવોએ કોર્ટ બિલ્ડીંગના મોડેલનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે બિલ્ડીંગનું
શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત તેમજ તક્તિનું અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, પ્રદેશ ભાજપ અગ્રણીશ્રી નીતિનભાઈ ભારદ્વાજ, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણી,શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ડી.કે.સખીયા, મેયર શ્રીમતી બિનાબહેન આચાર્ય, શ્રી રાજુભાઇ ધ્રુવ, જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ઉદિત અગ્રવાલ, પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, પૂર્વ ધારાસભ્યશ્રી ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat