Latest News

છોટાઉદેપૂરમાં ૧૩૧ કરોડ રૂપિયાના ૭૦ વિકાસ કામોની ભેટ આપતાં મુખ્યમંત્રીશ્રી

  દરેક સમાજ-વંચિત-પીડિત-અંતરિયાળ વિસ્તારના છેવાડાના માનવી સુધી વિકાસ યોજનાઓ સુપેરે પહોચાડી ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જીન બન્યું છે:- મુખ્યમંત્રીશ્રી 

  -: શ્રી ભૂપેન્દ્ર પટેલ :-

  • વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન-વિઝનરી લીડરશીપમાં ગુજરાત દેશ-દુનિયામાં વિકાસનું રોલ મોડેલ
  • વિકાસનો મુખ્ય આધાર પાણી છે-આપણી અગાઉની પેઢીએ પાણી વારસામાં આપ્યું-આપણે આવનારી પેઢી માટે એ પાણી સુરક્ષિત રાખવાનું છે
  • આદિજાતિ વિસ્તારોના સર્વગ્રાહી વિકાસ માટે સરકાર સદાય પડખે ઊભી છે.
  • આદિજાતિ બાળકો ઘર આંગણે શિક્ષણ મેળવી ડૉક્ટર-ઇજનેર-પાયલોટ બન્યા છે
  • આદિજાતિ વિસ્તારોમાં મોબાઇલ કનેક્ટીવીટી માટે પ૦૦ મોબાઇલ ટાવર ઊભા કરવાની નેમ-આ વર્ષના બજેટમાં રૂ. ૧૦૦ કરોડ ફાળવ્યા છે
  • પાણી-વીજળી બચાવીપર્યાવરણ જાળવી આપણે આઝાદીના અમૃત મહોત્સવે રાષ્ટ્રસેવા કરી શકીયે

  ************

  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે હરેક સમાજ, જાતિ, વંચિત, પીડિત, શોષિત કે અંતરિયાળ વિસ્તારો સુધી સરકારની યોજનાઓનો લાભ સુપેરે પહોચાડી આપણે ગુજરાતને વિકાસનું ગ્રોથ એન્જીન બનાવ્યું છે.

  વિકાસની ખૂટતી તમામ કડી પૂર્ણ કરી આદિજાતિ વિસ્તારોને પણ વિકાસની મુખ્યધારામાં લાવ્યા છીયે. હજુ પણ જરૂરિયાત મુજબના કામો પૂર્ણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

  આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને વિઝનરી લીડરશીપમાં વિકાસની રાહે તેજ ગતિએ દોડતું ગુજરાત આજે એટલે જ દેશ-દુનિયામાં વિકાસનું ગ્રોથ એન્જીન સમું રોલ મોડેલ છે.

  મુખ્યમંત્રીશ્રી આદિજાતિ વિસ્તાર છોટાઉદેપૂર જિલ્લામાં ૧૩૧ કરોડ રૂપિયાના ૭૦ જેટલા વિવિધ વિકાસ કામોના ઇ-લોકાર્પણ અને ખાતમૂર્હત સંપન્ન કરવા અવસરે સંબોધન કરી રહ્યા હતા.

  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. ૮૪.પ૬ કરોડના ખર્ચે નવનિર્મિત ૩ જૂથ પાણી પુરવઠા યોજનાઓના લોકાર્પણ સાથે બે પશુદવાખાના, ૨ ગ્રામ્ય માર્ગો અને ૪પ નવિન આંગણવાડીઓ આદિજાતિ જિલ્લાને ભેટ ધરી હતી. મુખ્યમંત્રીશ્રીએ વિવિધ લાભાર્થીઓને ‘મા’ કાર્ડ, ગંગાસ્વરૂપા બહેનોને પેન્શન સહાય ફાળવણી પત્ર, ભુલકાંઓને કિટ વગેરે અર્પણ કર્યા હતા.

  મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વિકાસનો મુખ્ય આધાર પાણી છે. ગુજરાતે બે-અઢી દાયકા પહેલાં પાણીની યાતના જોઇ છે, તંગી ભોગવી છે. હવે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના દ્રષ્ટિવંત આયોજનથી ઘરે-ઘરે પાણી પહોચતું થયું છે, પુરતું પાણી લોકોને મળે છે.

  ‘‘આપણને આપણી આગલી પેઢીએ પાણી આપ્યું છે ત્યારે હવે આપણે પણ તેનો સુઆયોજિત અને વિવેકપૂર્ણ ઉપયોગ કરીને આવનારી પેઢી માટે પાણી સુરક્ષિત રાખવાનું છે’’ એવો સ્પષ્ટ મત મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો.

  તેમણે કહ્યું કે, મહાવીર સ્વામીએ આપણને પાણી ‘ઘી’ની જેમ વાપરવા સૈકાઓ પહેલાં સલાહ આપેલી તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પાણીને પારસમણિ સમાન ગણાવે છે ત્યારે એ પાણી વેડફાય નહિ, તેનો બગાડ થાય નહિં અને સૌને પુરતું પાણી મળી રહે તેવી સહિયારી જવાબદારી આપણે નિભાવવાની છે.

  મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, પાણી, શિક્ષણ, આરોગ્ય, વીજળી, માર્ગો દરેક સુવિધા છેક અંતરિયાળ ગામો સુધી પહોચાડવાની સફળતા આપણે શ્રી નરેન્દ્રભાઇના દિશાદર્શનમાં મેળવી છે. આદિજાતિ બાળકો હવે ઘરઆંગણે શાળાઓમાં અંગ્રેજી માધ્યમમાં ભણતા થયા છે. એટલું જ નહિ, ડૉક્ટર, ઇન્જીનીયર, પાયલોટ જેવા ઉચ્ચ કારકીર્દી ક્ષેત્રોમાં પણ જોડાય છે.

  શ્રી ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ વનબંધુ વિસ્તારોના સર્વાંગી વિકાસ કામો માટે સરકાર સદાય તત્પર છે અને આદિજાતિઓની પડખે છે તેની વિશદ ભૂમિકા આપી હતી.

  તેમણે કહ્યું કે, દેશમાં ૨૦ પરિવારો હોય ત્યાં વીજળીનું કનેક્શન આપવાની જોગવાઇ છે, પણ રાજ્ય સરકારે આદિવાસી પરિવારોની નિવાસ પદ્ધતિને ધ્યાને રાખીને માત્ર ૧૦ ઘર હોય તેવા ફળિયા વિસ્તારોને પણ વીજ જોડાણથી આવરી લેવામાં આવે છે.

  મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આદિજાતિ વિસ્તારોના બાળકો, વિદ્યાર્થીને ઓનલાઇન અભ્યાસમાં કનેક્ટીવીટીની વધુ સુવિધા આપવા મોબાઇલ કનેક્ટીવીટી માટે પ૦૦ નવા મોબાઇલ ટાવર ઊભા કરવાના છીયે. આ માટે બજેટમાં આ વર્ષે ૧૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

  મુખ્યમંત્રીશ્રીએ આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે આદિજાતિ વિસ્તારના આ વિકાસ કામો અમૃત પર્વ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

  તેમણે ઉમેર્યુ કે, આઝાદી માટે સ્વાતંત્ર્યવીરોએ લડત ચલાવી હતી અને આઝાદી પછી દેશની રક્ષા માટે સરહદે સૈનિકો રાષ્ટ્રસેવા કરે છે તેમ આપણે સૌ પાણી બચાવી, વીજળી બચાવી, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીને પણ દેશ સેવા કરી શકીયે.

  સૌને સાથે મળીને વિકાસ કામોમાં આગળ વધવા અપિલ કરતાં મુખ્યમંત્રીશ્રીએ આ વિસ્તારને મળેલી પશુદવાખાના, આંગણવાડી, શાળાના ઓરડા વગેરેની વિકાસ ભેટથી વિકાસની ગતિમાં વધુ વેગ આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

  તેમણે છોટાઉદેપૂર જિલ્લા પંચાયતને ભારત સરકાર દ્વારા ર૦ર૧ના વર્ષમાં દીનદયાળ સશક્તિકરણ પુરસ્કાર મળવા અંગે પણ સૌ કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા.

  ઘેર ઘેર પીવાનું ચોક્ખું પાણી ઉપલબ્ધ કરાવવું એ રાજ્ય સરકારનું લક્ષ્ય છે એનો ઉલ્લેખ કરતાં આરોગ્ય અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લામાં અંદાજે રૂ. ૨૫૦ કરોડના ખર્ચે પાણી પુરવઠાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. માતા નર્મદાનું પાણી આ વિસ્તારમાં આપવાનો વ્યાપક પ્રબંધ કર્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન રાજ્યના ૧૪ જિલ્લામાં વસતા આદિજાતિ પરિવારોને ઉન્નત સમાજની હરોળમાં મૂકવાનું હતું. તે રાજ્ય સરકાર સાકાર કરી રહી છે. ૨૦૦૧ પછી ગુજરાત અને ભારતના વિકાસનો સૂર્યોદય થયો, ગુજરાતના વિકાસનું મોડેલ આજે વિકાસનો પ્રેરણા સ્ત્રોત બન્યું છે. છોટાઉદેપુર જિલ્લાના તમામ ગામો અને તમામ ઘરો સુધી નળ થી પાણી પહોંચાડવાનું આયોજન કર્યું છે, તેની સાથે સિંચાઇ સુવિધાનો પણ લાભ આપવામાં આવશે. આદિવાસી ઉત્કર્ષ એ આ સરકારની પ્રથમ અગ્રતા છે તેવી લાગણી વ્યક્ત કરતા જિલ્લા પ્રભારી અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે જણાવ્યું કે ડાયાલિસિસ સેન્ટર સહિત સૌને ઘરઆંગણે આરોગ્ય સુવિધાઓ આપવામાં આવી રહી છે. ડિજિટલ શિક્ષણનો વ્યાપ વધારવા રાજ્ય સરકારે અંબાજી થી ઉમરગામ સુધીની આદિવાસી પૂર્વ પટ્ટીમાં ૫૦૦ મોબાઈલ ટાવર ઊભા કરવાનું આયોજન કર્યું છે. તેમણે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા વિકાસલક્ષી આયોજનોની વિગતવાર જાણકારી આપી હતી.

  આ વિકાસ પર્વમાં વિરાટ માનવ મહેરામણની સાથે સંખેડાના ધારાસભ્ય શ્રી અભેસિંહ તડવી, છોટાઉદેપુર જિલ્લા પંચાયત અધ્યક્ષ મલકાબેન પટેલ, ઉપાધ્યક્ષ રમણભાઈ બારીયા, પૂર્વ ધારાસભ્યો જયંતીભાઈ રાઠવા, શંકરભાઈ રાઠવા, રમેશભાઈ મિસ્ત્રી, શ્રી રશ્મિકાંત વસાવા, જશુભાઇ રાઠવા, રાજેશ પટેલ, ડો. જિગીષા શેઠ સહિત પદાધિકારીઓ અને મહાનુભાવો, વિવિધ તાલુકા પંચાયતોના પ્રમુખો, જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, જીલ્લા કલેકટર શ્રી સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગંગાસિંહ સહિત પ્રશાસન અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

  Source: Information Department, Gujarat