વર્ષ ર૦ર૩-ર૪ દરમિયાન અગ્રિમ ક્ષેત્રે રૂ. ર.૯૮ લાખ કરોડનો સંભવિત ધિરાણ અંદાજ રજૂ કરતું સ્ટેટ ફોકસ પેપર
કૃષિ-સંલગ્ન ક્ષેત્રો માટે રૂ. ૧.૨૮ લાખ કરોડ-એમ.એસ.એમ.ઇ માટે રૂ. ૧.૪૨ લાખ કરોડનો ધિરાણ સંભવિતતા અંદાજ
-ઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :-
—————
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ (NBARD) દ્વારા ર૦ર૩-ર૪ના વર્ષ માટેની એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતા દર્શાવતા સ્ટેટ ફોકસ પેપરનું વિમોચન ગાંધીનગરમાં આયોજીત સ્ટેટ ક્રેડીટ સેમિનારમાં કર્યુ હતું.
નાબાર્ડ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાઓ માટે મૂલ્યાંકન કરાયેલા એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતાનું આ ફોકસ પેપર તૈયાર કરવામાં રાજ્ય સરકારના સંબંધિત વિભાગો, બેન્ક્સ અને અન્ય હિસ્સેદારો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો.
આ સ્ટેટ ફોકસ પેપર વિમોચન વેળાએ નાણાં મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ પણ સહભાગી થયા હતા.
નાબાર્ડ દ્વારા અગ્રિમ ક્ષેત્રે વર્ષ ર૦ર૩-ર૪ માટે રાજ્યની ધિરાણ સંભવિતતા જે રૂ. ર.૯૮ લાખ કરોડ દર્શાવવામાં આવી છે તેમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં રૂ. ૧.૨૮ લાખ કરોડ, MSME સેક્ટર માટે રૂ. ૧.૪૨ લાખ કરોડનો હિસ્સો ધરાવે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ફોક્સ પેપરનું વિમોચન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નાનામાં નાના ગ્રામીણ-છેવાડાના માનવીઓ, પશુપાલકો, માછીમારોને ધિરાણ યોજનાઓનો વ્યાપક લાભ આપી મુખ્ય પ્રવાહમાં લાવવાની નેમ રાખી છે.
આ સંદર્ભમાં નાબાર્ડ જેવી કૃષિ-ગ્રામીણ વિકાસ ક્ષેત્રે અગ્રેસર બેન્ક્સ સહિતની બેન્ક્સ તેમને વધુ ધિરાણ આપવા પર ફોક્સ કરે તે આવશ્યક છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે નાબાર્ડના આ ફોક્સ પેપરમાં કૃષિ ક્ષેત્રે રાજ્યના સમગ્ર પ્રાયોરિટી સેક્ટરના ૪૩ ટકા અને MSME ક્ષેત્રે ૪૭ ટકાના ધિરાણ સંભવિતતા અંદાજની સરાહના કરી હતી.
તેમણે કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારોની કૃષિ-ગ્રામીણ વિકાસની વિવિધ યોજનાઓ બેંકોના ધિરાણ સહકારથી જ સફળ થઇ શકે છે. બેન્ક્સ આવી યોજનાઓમાં વ્યાપક સહયોગ કરે તે અપેક્ષિત છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે દેશ વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં અમૃતકાળમાં પ્રવેશયો છે.
આ અમૃતકાળ વિકસીત ભારત માટે વિકસીત ગુજરાતનો પણ અમૃતકાળ બને તે માટે બેન્કસ, સરકાર સૌ સાથે મળીને આગળ વધે તેવું પ્રેરક આહવાન કર્યુ હતું.
નાબાર્ડના ચીફ જનરલ મેનેજર શ્રી ડૉ. જ્ઞાનેન્દ્ર મણિ એ આ ડૉક્યુમેન્ટ અંગે કહ્યું કે, બેન્ક્સ દ્વારા તૈયાર કરવામાં આવતા એન્યુઅલ ક્રેડીટ પ્લાન માટેનો તે આધાર બને છે. આ ઉપરાંત આ ડૉક્યુમેન્ટમાં ક્ષેત્રીય મુદ્દાઓ અને વિકાસની સંભાવનાઓને સાકાર કરવા માટેના સૂચનો પણ પ્રકાશિત કરાય છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના ચીફ જનરલ મેનેજર શ્રી સુરેન્દ્ર રાણાએ રાજ્યના પ્રાયોરિટી સેક્ટર્સ અને અન્ય યોજનાકીય ધિરાણ-સહાય વગેરેમાં એસ.બી.આઇ ના પ્રદાનની ભૂમિકા આપી નાબાર્ડના ફોક્સ પેપરની પ્રસંશા કરી હતી.
આ સ્ટેટ ક્રેડીટ સેમિનારમાં મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, ગૃહ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, કૃષિના અધિક મુખ્ય સચિવશ્રી મુકેશ પુરી તેમજ સંબંધિત વિભાગોના અગ્ર સચિવશ્રીઓ-સચિવશ્રીઓ અને વિવિધ બેન્ક્સ ના હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat