Latest News

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામકની કચેરીની ઓચિંતી મુલાકાતે

  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરની પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામકની કચેરીની ઓચિંતી મુલાકાતે મંગળવાર તા.૨૮-૦૨-૨૦૨૩ ના રોજ સાંજે પહોંચ્યા હતા.

  વિધાનસભાનું અંદાજપત્ર સત્ર હાલ ચાલી રહ્યું છે ત્યારે મંગળવારે બે બેઠકો હોવાથી મુખ્યમંત્રીશ્રીના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ સમગ્ર દિવસ દરમિયાન વિધાનસભા કાર્યાલયમાં ઉપસ્થિત રહેવાના હતા.

  મુખ્યમંત્રીશ્રી પોતાના આ પૂર્વનિર્ધારિત કાર્યક્રમમાં અચાનક જ ફેરફાર કરીને કોઈને જાણ કર્યા વગર સાંજના સમયે જૂના સચિવાલયના બ્લોક નંબર-૧૮માં આવેલી પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામકની કચેરીની ઓચિંતી મુલાકાતે પહોંચી ગયા હતા.

  તેમણે કચેરીના અધિકારી/કર્મચારીઓ સાથે સીધી વાતચીત કરીને કામગીરીની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ કચેરીમાં પોતાના કામ અર્થે આવેલા વરિષ્ઠ પેન્શનર્સ અને અન્ય અરજદારો સાથે પણ સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની આ ઓચિંતી મુલાકાતથી પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામકની કચેરીના કર્મયોગીઓ આશ્ચર્ય અનુભવવા સાથે મુખ્યમંત્રીશ્રીના જનસંવેદનાપૂર્ણ અભિગમથી પ્રભાવિત થયા હતા.

  મુખ્યમંત્રીશ્રીની આ ઓચિંતી મુલાકાતની જાણ થતાં જ મુખ્ય સચિવશ્રી રાજકુમાર, નાણાં વિભાગના અગ્ર સચિવશ્રી ગુપ્તા, અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધાર પણ પેન્શન પ્રોવિડન્ટ ફન્ડ નિયામક કચેરીએ પહોંચ્યાં હતાં અને મુલાકાતમાં જોડાયાં હતાં.

  Source: Information Department, Gujarat