મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર થયેલા અમદાવાદમાં તા.૧ થી ૧પ ઓગષ્ટ દરમ્યાન હેરિટેજ મહોત્સવ ઉજવવાની જાહેરાત કરી છે.
શ્રી વિજય રૂપાણીએ અમદાવાદ મહાપાલિકાના તંત્રવાહકો તથા રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો સાથે આ હેરિટેજ મહોત્સવના આયોજન અંગે માર્ગદર્શન આપવા ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારતના પ્રથમ હેરિટેજ સિટીનું ગૌરવ સન્માન યુનેસ્કો તરફથી અમદાવાદને મળ્યુ છે તેની ઉમંગ ઉજવણી ઉત્સવરૂપે જનભાગીદારીથી આ નગરના હેરિટેજ સ્થાનોને સાંકળી લઇને મહાપાલિકાતંત્ર કરે. આ માટે રાજ્ય સરકાર પણ સહાયક બનશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
શ્રી વિજય રૂપાણીએ આ હેરિટેજ મહોત્સવ દરમ્યાન અમદાવાદમાં વસવાટ કરતા તમામ જાતિ-જ્ઞાતિ સમુદાયના વર્ગોને જોડીને સામાજિક સમરસતા-સદભાવના હેરિટેજ યાત્રા યોજવાનું પ્રેરક સૂચન કર્યુ હતું.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, મુસ્લિમ, શીખ, જૈન, સ્વામીનારાયણ સંપ્રદાય સહિતના વિવિધ સમાજવર્ગોના નાગરિકો પરિવારો સ્વયંભૂ આ યાત્રામાં જોડાઇને હેરિટેજ સિટીનું સામાજીક ઐકય ઊજાગર કરશે. તેમણે મહાનગરના ૬ ઝોનમાં આવી યાત્રાઓ યોજવાના આયોજન માટે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ ઉજવણીમાં સ્વૈચ્છિક સંગઠનો, હેરિટેજ સ્થાનોના ટ્રસ્ટીમંડળો પણ જોડાય એટલું જ નહિ, અમદાવાદ મહાનગરની આ વિરાસતને વધુ વ્યાપક સ્તરે પ્રસિધ્ધી આપવા શાળા-કોલેજના બાળકો-વિદ્યાર્થીઓની નિબંધ સ્પર્ધા-પેઇન્ટીંગ હરિફાઇ, ૧ મિનીટની ટૂંકી મોબાઇલ ફિલ્મની સ્પર્ધા થાય અને શ્રેષ્ઠ કૃતિઓને ઇનામ-પુરસ્કાર અપાય તેનું માર્ગદર્શન આપ્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ વિશ્વના અને ભારતના પૂરાતત્વ તજ્જ્ઞોની એક કોન્ફરન્સ અમદાવાદ મહાનગરમાં હેરિટેજ મહોત્સવ અંતર્ગત યોજવાનું તથા હેરિટેજ ઇમારતો-સ્થાપત્યોને થીમ બેઇઝ આકર્ષક રોશની, લેસર-શો, લાઇટીંગથી સુશોભિત કરવાના સમગ્રતયા આયોજનની બાબતે પણ દિશાસૂચનો કર્યા હતા.
તેમણે શાળા કોલેજોના યુવા વિદ્યાર્થીઓમાં હેરિટેજ સ્થાનો અંગે રૂચિ કેળવાય અને નવી પેઢી શહેરની વિરાસતથી માહિતગાર થાય તે માટે અલગ-અલગ દિવસોએ હેરિટેજ પ્લેસીસના પ્રવાસ યોજવા જોઇએ. આ ઉપરાંત નગરજનો પણ હેરિટેજ વોક માટે પ્રેરિત થાય તેવું વાતાવરણ નિર્માણ કરવા સૂચન કર્યુ હતું.
શ્રી વિજયભાઇ રૂપાણીએ મહાનગરમાં ઝોન વાઇઝ અને વિધાનસભા વિસ્તાર દીઠ હેરિટેજ સેમિનાર યોજીને મહત્તમ જનભાગીદારી પ્રેરિત કરવાના આયોજનની ભૂમિકા આપી હતી.
સમગ્ર મહાનગરમાં આ ઉત્સવ ઉજવણીનું વાતાવરણ બને તે માટે લોકસંસ્કૃતિના કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો, સર્કલના સુશોભન, સ્વછતા સફાઇ ઝૂંબેશ, સ્થાપત્યોના જાળવણીની જાગરૂકતા માટેના વિવિધ કાર્યક્રમો લોક સહયોગથી યોજવા તેમણે મહાપાલિકાના તંત્રવાહકોને પ્રેરિત કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલા સ્થળો ઉપરાંત મહાનગરના અન્ય પૂરાતત્વીય સ્થળો હઠીસીંગના દેરા, અડાલજ વાવ, ડચહોમ, નગીના વાડી, વોરાનો રોજો, દાદા હરિની વાવ અને માતા ભવાની વાવને પણ સુશોભિત કરીને સમગ્ર મહાનગરમાં જનઉત્સવનો માહોલ ઊભો કરવામાં આવશે.
આ મહોત્સવનું ભવ્ય સમાપન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે થાય તેવું પણ તેમણે સૂચવ્યું હતું.
આ બેઠકમાં ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યમંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, મેયર શ્રી ગૌત્તમભાઇ શાહ, ડેપ્યુટી મેયર પ્રમોદાબહેન, સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષ શ્રી પ્રવિણભાઇ પટેલ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન, કમિશ્નરશ્રી મૂકેશકુમાર, શહેરી વિકાસ અગ્ર સચિવ શ્રી મૂકેશ પૂરી, યુવક સેવા રમત-ગમત સચિવ શ્રી વી. પી. પટેલ, અમદાવાદ કલેકટર શ્રીમતી અવંતિકા, ઓ. એસ. ડી. શ્રી ડી. એચ. શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Source: Information Department, Gujarat