Latest News

લોકડાઉનની પરિસ્થિતિમાં ખેડૂતો રવિ પાકની લણણી કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને કેટલીક છૂટછાટ આપવાની વ્યવસ્થા ગોઠવતા મુખ્યમંત્રી શ્રી

    મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ખેડૂતો લોકડાઉનની પરિસ્થિતિમાં   પોતાના રવિ પાકની લણણી કરી શકે તેવા ઉદ્દાત ભાવથી રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને કેટલીક છૂટછાટ આપવાની વ્યવસ્થાઓ ગોઠવી છે.

    તદનુસાર, રવિ પાકના ખેડૂતોને પાક લણવાનો આ સમય છે, તેથી પાક કાપણી માટે હાર્વેષ્ટર, થ્રેસર, રીપર, સાધનોના માલિક, ડ્રાયવર, મજૂરો વગેરેને આ હેતુસર અવરજવરની  છૂટ રહેશે.

    એટલું જ નહિ, પાકની કાપણી પછી કૃષિ પેદાશોને નુકસાન ન થાય તે માટે ખેતરથી ઘર કે પાક સંગ્રહ ગોડાઉન સુધી પાક લઈ જવાની છૂટ રહેશે.

    બાગાયત પાકો અને ઉનાળું પાકના મર્યાદિત વિસ્તારોમાં પીયત અને પાક જાળવણી માટે જે તે ખેતરના ખેડૂતોને અવરજવરની છૂટ અપાશે.

    પીયત માટે વીજ પુરવઠો થોડા દિવસ દિવસે અને થોડા દિવસ રાત્રે આપવામાં આવતો હોય છે. આથી રાત્રિ પાવર હોય તે દિવસોમાં આવા મર્યાદિત ખેતરના ખેડૂતોના રાત્રિ વીજળી પુરવઠાના દિવસો પૂરતાં રાત્રે ખેતરે જઈ આવી શકશે.

    ફળ અને શાકભાજીના ખેડૂતોના ઉત્પન્નો જલ્દી નાશ પામતાં હોઈ તે પણ માર્કેટમાં નિર્ધારિત સમયે લઈ જવાની છૂટ રહેશે તેવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

    મુખ્યમંત્રીશ્રીએ આ સિવાયના અન્ય ખેડૂતો પોતાના ઘરમાં જ રહીને લોકડાઉનનું પાલન કરી કોરોનાના સંક્રમણથી બચે તેવી હાર્દભરી અપીલ પણ કરી છે.

    Source: Information Department, Gujarat